સુરત: (Surat) ગર્લફ્રેન્ડના (Girl Friend) ઘરે અચાનક બેભાન થઇ ગયેલા ડુંભાલ ટેનામેન્ટના યુવકને (Boy) નવી સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જેથી વિફરેલા પરિવારજનો આરીફના મૃતદેહને લઈને ભાગી ગયા હતા. જોકે ઘરે પહોંચ્યા બાદ પરિવારને ઘટનાની જાણ થતાં તેઓ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. પરિવારજનો મૃતદેહ લઈને ભાગી જતાં ડોકટરે ખટોદરા પોલીસને જાણ કરી હતી.
- ગર્લફ્રેન્ડના ઘરે અચાનક બેભાન થઇ ગયેલા યુવકને નવી સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યો
- સિવિલમાંથી પરિવાર મૃતદેહ લઈને ચાલ્યો ગયો હતો જેથી ખટોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી
- પાછળથી પરિવારને ખબર પડી કે આરીફ કોઈ યુવતીના ઘરે મૃત્યુ પામ્યો છે તેથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પરિવારે જાતે જ પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું
મળેલી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની આરીફ આયાસ શાહ (28 વર્ષ) હાલ લિંબાયત ડુંભાલ ટેનામેન્ટ પાસે આવેલ ઓમ નગર ખાતે બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો. આરીફ ભંગારની દુકાનમાં વેપારી હતો. આરીફના ઘર પાસે આવેલ એક ઘરમાંથી આરીફ સોમવારે બપોરે 4 વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે આરીફના સંબધી નઈમ અંસારીએ જણાવ્યું હતું કે, આજે બપોરે 4 વાગ્યાના અરસામાં આરીફનાં પાર્ટનર રાજુ અંસારીએ આરીફને ફોન કર્યા હતા.
તે દરમિયાન કોઈ છોકરીએ ફોન ઉપાડીને કહ્યું હતું કે આરીફ ઓમ નગરમાં મારા ઘરે બેભાન થઈ ગયો છે. જેથી રાજુ અને નઈમ બંને ઓમ નગર જઈને આરીફને બેભાન હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેથી તેઓ આરીફના મૃતદેહને ઘરે લઈને જતાં રહ્યાં હતાં. પરંતુ ઘરે પહોંચ્યા બાદ આરીફનાં પરિવારજનોને હકીકત જણાવતા તેઓ આરીફનાં મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફરી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં. જોકે આરીફ તેની ગર્લ ફ્રેન્ડના ઘરે કેમ ગયો તે જાણવા માટે અમે આગળની કાર્યવાહી કરાશે.