સુરત: ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યના લગભગ દરેક શહેર, જિલ્લામાં દારૂ વેચાય અને પીવાય છે અને એટલે જ રાજ્યમાં ચોરીછુપીથી દારુ ઘુસાડવાના બનાવ બનતાં રહે છે. ખેપિયાઓ રાજ્યમાં દારૂ ઘુસાડવા અનેક કિમીયા અજમવાતા રહે છે અને પોલીસ પણ અલગ અલગ તરકીબ અજમાવી બુટલેગરોને પકડતા રહે છે.
- સુરત પીસીબીએ ભેસ્તાનના જીયાવ બુડિયાની સાંઈ રાજ રેસિડેન્સીમાંથી દારૂ પકડ્યો
- બુટલેગરે કારમાં ચોરખાના બનાવી છુપાવેલી 572 બોટલો પકડી
સુરત પોલીસે આવા જ એક બુટલેગરને પકડ્યો છે, જેણે પોતાની કારના લગભગ બધા જ ખૂણામાં દારૂની બોટલો છુપાવી હતી. બુટલેગરની તરકીબ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારના અલગ અલગ ખૂણામાંથી દારૂની બોટલ કાઢતો બુટલેગરનો વીડિયો પોલીસે ઉતાર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સુરત પીસીબીએ બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની સપ્લાય થતો હોવાનો પર્દાફાશ કર્યો છે. ભેસ્તાન બુડિયા રોડ પર સાંઈ રાજ રેસિડેન્સીના પાર્કિંગમાંથી કાર અને દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રૂપિયા 71000ની કિંમતના દારૂ સહિત 5.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂની અલગ અલગ બ્રાન્ડની 572 બોટલો સાથે કારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. કારમાં પાછળની સીટ નીચે ચોરખાનું બજાવી દારૂની સપ્લાય થતી હતી. અજાણ્યા કાર ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
કારમાં ચોરખાના બનાવી બોટલો છુપાવી હતી
કારની તપાસ દરમિયાન પોલીસની આંખ પહોળી થઈ ગઈ હતી. કારમાં જ્યાં હાથ નાંખે ત્યાંથી દારૂની બોટલ મળતી હતી. બુટલેગરે કારની પાછળની સીટ નીચે, ગાડીની ડીકી સાઈડના બંને ભાગમાં, ગાડીના આગળના વાઈપરની નીચે અલગ અલગ ઠેકાણે ચોરખાના બનાવી દારૂની બોટલો સંતાડી હતી.