SURAT

‘કોરોનામાં ડોક્ટરો બહુ કમાય છે’, એવું દેખાતા સુરતના યુવકે બોગસ ડોક્ટર બની પ્રેક્ટિસ શરૂ કરી દીધી

સુરત: કોરોના કાળમાં અનેક લોકોએ ધંધા-રોજગારી ગુમાવી છે. મંદીના લીધે લોકો આર્થિક સંકડામણમાં મુકાયા છે. આવી જ કફોડી સ્થિતિમાં મુકાયેલા મૂળ ભાવનગરના અને હાલ સુરતમાં સ્થાયી થયેલો એક યુવક બોગસ ડોક્ટર બની ગયો. કોરોનામાં તબીબોને બહુ કમાણી છે એવું ચિત્ર ઉભું થતાં યુવકે બોગસ સર્ટિફિકેટ, બોગસ આઈડી કાર્ડ બનાવી લીધા, ક્લિનીક ખોલ્યું અને દર્દીઓની સારવાર પણ કરવા માંડી હતી.

શહેરના જી ડિવીઝનના એસીપી ઝેડ.આર.દેસાઈ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને એક વ્યક્તિ સમીર ફિરોઝ મીઠાણી (ઉ.વ.37, રહે.29, પ્રિન્સ પાર્ક રો હાઉસ, હનુમાન ટેકરી રાંદેર) બોગસ ડિગ્રી સર્ટિફિકેટ (Bogus Degree certificate ) ધારણ કરી પ્રિન્સ પાર્ક શોપ નં.ર ખાતે ખોટા ડૉકટરના (Doctor) સર્ટિફિકેટ લગાડી પોતે ડૉકટર બની ક્લિનિક ચલાવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રાંદેર પોલીસનો સ્ટાફ તથા એસ.એમ.સી. ના સેનેટરી ઇન્સ્પેકટર તથા ડોક્ટરને સાથે રાખી ક્લિનિક ઉપર જઇ તપાસ કરી હતી. તપાસમાં સમીર ફિરોઝભાઇ મીઠાણી મળી આવ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પોતે ધોરણ 12 કોમર્સ પાસ હોવાની કબુલાત કરી હતી. તથા પોતે ઓટોમોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. કોરાનાની મહામારીના કારણે આર્થિક સંકળામણમાં ફસાયો હતો. આર્થીક સંકડામણમાંથી બહાર નીકળવા માટે ક્લિનિક ચાલું કરી દીધી હતી. તે મુળ ભાવનગરના ઉમરાળા તાલુકાનો વતની છે. અને છેલ્લાં પાંચેક વર્ષથી સુરત આવ્યો હતો. રાંદેર પોલીસે બોગસ તબીબની સામે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ક્લિનીકમાં એમસીએ અને એમસીઆઈના ખોટા પ્રમાણપત્ર લગાડ્યા હતા
તેને ગુજરાત મેડીકલ કાઉન્સિલ અમદાવાદનું તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા ન્યુ દિલ્હીનું ખોટુ પ્રમાણપત્ર પોતાના ક્લિનિકમાં લગાડ્યું હતું. આ ઉપરાંત સમીર ફિરોઝ મીઠાણીના નામનું કિરણ હોસ્પિટલનુ આઇ.કાર્ડ પણ તેના પાસેથી મળી આવ્યું હતું. જે બાબતે ખાતરી કરતાં કિરણ હોસ્પિટલમાં કોઇ સમીર ફિરોઝ મીઠાણી નામનો ડૉકટર કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું હતું. એટલેકે તેને બોગસ આઇ.કાર્ડ બનાવ્યું હતું.

ક્લીનીકમાં લેટર પેડ અને કેટલીક દવાઓ મળી આવી
દર્દીઓને આપવા માટેની ફાઇલ તથા પ્રિસ્ક્રિપ્શનના કોરા લેટર પેડ તેના ક્લિનિકમાંથી ડૉ. સમીર એફ. મીઠાણીના નામના મળી આવ્યા હતા. આ ઉપરાંત કેટલીક મેડીકલ કીટ તથા દવાઓનો જથ્થો પણ તેની કથિત ક્લિનિકમાંથી મળી આવી હતી. જે આધારે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top