સુરત(Surat) : સુરતમાં ભાજપના (BJP) કાર્યકર્તા પર હિંસક હુમલો (Attack) કર્યાની ઘટના સામે આવી છે. શહેરના ઘોડદોડ રોડ પર ભાજપના કાર્યકર્તા પર તેના જ મિત્રએ કટરથી હુમલો કરી છાતી ચીરી દીધી છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોડદોડ રોડ પિત્ઝા હટ નજીક બે મિત્રો વચ્ચે થયેલી ઝપાઝપીમાં એકને છાતી પર કટર વાગતા ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો હતો. હુમલાખોર કૌશિકએ જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડ સાથે થયેલા ઝઘડાની અદાવતમાં ઇજાગ્રસ્ત રાજવીર અને તેના મિત્રો મારી ઓફિસે દોડી આવ્યા હતા અને મને જાહેરમાં ફટકારતા સ્વ બચાવમાં મેં કટર ફેરવી દેતા રાજવીરને વાગી ગઈ હતી. રાજવીર ભાજપ કાર્યકર્તાનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે.
રાજવીર પંકજભાઈ જાદવ (ઉં.વ. 23 રહે હરીઓમ નગર પાંડેસરા ) ના મિત્રો એ જણાવ્યું હતું કે ઘટના આજે બપોરે 12:50 વાગે ઘોડદોડ રોડ પિત્ઝા હટ નજીક બની હતી. રાજવીર અને કૌશિક નામના બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં કૌશિકે રાજવીર પર કટર વડે હુમલો કરતા રાજવીરને છાતીના ભાગે ઘા વાગ્યો હતો. જેને લઈ તાત્કાલિક સારવાર માટે સિવિલ દોડી આવ્યા હતા. જ્યાં રાજવીર ને 5થી 7 ટાંકા આવ્યા હતા. હાલ પરિસ્થિતિ સારી છે અને કૌશિકને ઉમરા પોલીસ પકડી ગઈ છે. રાજવીર કેપી કોમર્સ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે અને એના પિતા ભાજપના કાર્યકર્તા છે.
કૌશિક વિનોદભાઈ પટેલ (હુમલાખોર) એ જણાવ્યું હતું કે ઝઘડો એક છોકરીને લઈ ચાલી રહ્યો હતો. રાજવીરની ગર્લફ્રેન્ડે તેની સાથે બોલવાનું બંધ કરી મોબાઇલ બ્લોક કરી દેતા રાજવીરે મારી ઉપર હુમલો કર્યો હતો. આજે 3-4 મિત્રોને લઈ ઘટનાવાળી જગ્યા પર રાજવીર આવ્યો હતો. જ્યાં મને દુકાનમાંથી બહાર બોલાવી જાહેરમાં લાફા માર્યા હતા. મેં પણ મારા બચાવમાં કટર વડે હુમલો કરતા તેને છાતીના ભાગે વાગી ગઈ હતી. હું પેસ્ટિંગ કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થાઉં છું. હું વળતો હુમલો ન કરત તો મને હજી માર ખાવો પડતે, બધા લોકોએ જોયું છે.
વધુમાં જણાવ્યું હતું કે જે છોકરી ને લઈ હાથાપાઈ થઈ એ છોકરી મારી પણ બહેનપણી છે અને વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે. બુધવારની સાંજે રાજવીરે વેસુમાં આવીને મને ગાળો આપી હતી એ બાબતે મેં તેની ગર્લફ્રેન્ડ ને તમામ ગંદી ગાળોને લઈ હકીકત કહેતા રાજવીર ને બ્લોક કરી દેવાયો હતો. એની અદાવત રાખી મારી પર હુંમલો કર્યો હતો.
રાજવીરની ગર્લફ્રેન્ડ મારી માત્ર ફ્રેન્ડ છે. મારું કોઈ લફરું નથી, એના આવા સ્વભાવથી જ તેની ગર્લફ્રેન્ડ તેનાથી દૂર થઈ જતા મારી સાથે હાથાપાઈ કરી છે. હું નિર્દોષ છું. સ્વબચાવમાં રાજવીરને વાગ્યું છે. રાજવીર પણ ચપ્પુ જેવું સાધન લઈને આવેલો હતો. આજુબાજુના CCTV માં આખી ઘટના આવી ગઈ હશે ચેક કરાઈ તો મને ન્યાય મળે.