સુરતઃ સુરત મનપાના વોર્ડ ન. 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખના અપમૃત્યુની ઘટનાએ શહેરના રાજકારણમાં ચકચાર મચાવી દીધી છે. અલથાણના મહિલા નેતા 34 વર્ષીય દીપિકા પટેલનો મૃતદેહ તેમના ઘરેથી મળ્યો છે. દીપિકાએ આપઘાત કર્યાના સમાચાર વહેતા થયા છે. જોકે ઘટના સમયે પરિવારજનો પહેલાં દીપિકાના ઘરે કોર્પોરેટર ચિરાગ સોલંકી અને આકાશ નામનો વ્યક્તિ પહોંચ્યો હતો.
પરિવારજનો પહોંચે તે પહેલાં કોર્પોરેટર ચિરાગે પોલીસને જાણ કર્યા વિના દીપિકા પટેલનો મૃતદેહ ઉતાર્યો હતો. આ બાબત શંકા ઉપજાવે છે. દીપિકાના આપઘાતના સમાચાર પરિવારજનોથી પહેલાં ચિરાગને કેવી રીતે ખબર પડી અને ચિરાગે પરિવારજનોની ગેરહાજરીમાં પંખા પર લટકતો મૃતદેહ કેમ ઉતાર્યો આવા અનેક સવાલો ચિરાગની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ દીપિકા પટેલના ઘરમાં હાજર હતા. તો સૌથી પહેલો સવાલ એ ઉભો થાય કે એક જ ઘરમાં હાજર હોવા છતાં તેમણે દીપિકા પટેલને આત્મહત્યા કરતા રોક્યા કેમ નહીં. બીજી વાત એ કે કોર્પોરેટર ચિરાગે પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો મૃતદેહ નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઇ ગયો. કોર્પોરેટર ચિરાગે શા માટે પોલીસ આવવાની રાહ ન જોઈ?
દીપિકા પટેલના સંબંધીના સનસનીખેજ આક્ષેપ
મૃતક દીપિકા પટેલના સંબંધી નિમેષ પટેલે આ ઘટનાને હત્યા ગણાવી છે. તેમણે કહ્યું કે ઘટના સમયે કોર્પોરેટર ચિરાગ અને આકાશ તેમના ઘરમાં હતા. આ સિવાય દીપિકા પટેલના ઘરનું કોઈ વ્યક્તિ હાજર ન હતું. તેમણે કહ્યું કે કોર્પોરેટર ચિરાગ પટેલે શા માટે મૃતદેહ ઉતાર્યો. નિમેષ પટેલે આ અંગે યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે.
તપાસ ચાલી રહી છેઃ ડીસીપી વિજયસિંહ ગજ્જર
DCP વિજયસિંહ ગજ્જરે કહ્યું કે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે. તેમણે કહ્યું કે મૃતકના પતિનો સાથે વાત કરવામાં આવી છે. હાલ તેમણે કોઈના પર આરોપ લગાવ્યો નથી. તો કોર્પોરેટર ચિરાગ પટેલે પોલીસને જાણ કર્યા વગર મૃતદેહ ઉતારવા અંગે તેમણે કહ્યું કે આ કોમન બાબત છે ઘણી વાર આવું થાય છે. હાલ તપાસ ચાલી રહી છે.