સુરત: (Surat) મંગળવારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપને પ્રચંડ બહુમતી સાથે જીત મળતા જ આ જીતની ઉજવણી સુરત ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. શહેર ભાજપ (BJP) પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગેવાનીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને એકમેકના મોં મીઠા કરાવવામાં આવ્યાં હતાં. પરંતુ આ જીતની ઉજવણીમાં રાજકારણીઓ કોવિડ ગાઈડલાઈન ભુલ્યા હતા.
શહેરમાં એકબાજુ ચુંટણીને કારણે કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. શહેરમાં એક સમયે કાબુમાં આવી ગયેલા કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. શહેરમાં પ્રતિદિન 70 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા હવે ફરીથી પ્રજા સામે લાલ આંખ કરી નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ આકરા દંડની વસુલાત પણ કરવામાં આવી રહી છે. પરંતુ જીતના ઉન્માદમાં કોવિડ ગાઈડલાઈનની ધજીયા ઉડાડનારા નેતાઓ પાસેથી કોઈ દંડની વસુલાત કરી રહ્યું નથી. ભાજપ કાર્યાલય પર ખુદ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, પુર્વ મંત્રી મદનસિંહ અટોદરીયા, વર્તમાન મહામંત્રી કીશોર બિંદલ. તેમજ નવા ચુંટાયેલા કોર્પોરેટરો અને મોટી સંખ્યામા કાર્યકર્તાઓ તેમજ નેતાઓ માસ્ક પહેર્યા વિના જ ઉજવણી કરતા હતા પરંતુ તંત્રની હિંમત ના થઇ કે ત્યાં જઈ લોકોને દંડ ફટકારે.