સુરત: (Surat) સુરત મનપાના (Surat Municipal Corporation) પદાધિકારીઓનાં નામો નક્કી કરવા માટે સોમવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં અપેક્ષા મુજબ જ માત્ર શહેર પ્રમુખ, ધારાભ્યો તેમજ સાંસદના અભિપ્રાયો લેવાયા બાદ જે-તે પદો માટે પેનલ બનાવી આખરી નિર્ણય પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર છોડવામાં આવ્યો છે. પાર્લામેન્ટરી બોર્ડમાં થયેલી ચર્ચા મુજબ એવું ચિત્ર ઉપસ્યું છે કે, મેયર પદે સુરતી મહિલા આવે તો ડેપ્યુટી મેયર (Mayor) પદે સૌરાષ્ટ્રવાસી અને સ્થાયી સમિતિ ચેરમેન પદે સુરતી નગરસેવક આવી શકે છે. જ્યારે શાસક પક્ષના નેતા પદ માટે રાજસ્થાની, મરાઠી અને ઉત્તર ભારતીય વચ્ચે સ્પર્ધા થઇ છે.
ગુજરાતના 6 મહાનગરોમાં મેયર અને પદાધિકારીઓની નિમણૂંક કરવા માટેની પ્રક્રિયા તેજ બની છે. આગામી 3 દિવસમાં ગુજરાતના 6 મહાનગરોને નવા મેયર મળશે. અમદાવાદ, વડોદરા અને ભાવનગરને આવતીકાલે નવા મેયર મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે રાજકોટમાં 11 માર્ચે નવા મેયનું નામ આવી શકે છે. સુરત અને જામનગરમાં 12 માર્ચે નવા મેયરના નામની ઘોષણા થશે. તમામ મનપાની બેઠકમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હાજર રહેશે. મેયર સહિત મનપાના પદાધિકારીઓની ચૂંટણી કરાશે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વની બેઠકમાં પદાધિકારીઓના નામ નક્કી કરાશે. CM રૂપાણીના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગઈકાલે બેઠક મળી હતી. હવે પસંદગીની છેલ્લી પ્રક્રિયા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી કરશે.
ભાજપનાં આંતરિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના મેયર પદ માટે ચાર નામની પેનલ બનાવાઇ છે. તેમાં પ્રબળ દાવેદારો દર્શિની કોઠિયા તેમજ હેમાલી બોઘાવાલાની સાથે સાથે આરતી પટેલ અને સોનલ દેસાઇનાં નામ મુકાયાં છે. તો ડેપ્યુટી મેયર પદ માટે રાકેશ માળી, નરેશ ધામેલિયા, દિનેશ જોધાણી અને કિશોર મીયાણીનાં નામ મુકાયાં છે.
જ્યારે સ્થાયી સમિતિ માટે સુરેશ પટેલ, રાકેશ માળી અને કનુ પટેલ સહિત ચાર નામ મુકાયાં છે. જ્યારે શાસક પક્ષ નેતા પદ માટે સોમનાથ મરાઠે, અમિત રાજપૂત અને વિજય ચૌમાલનાં નામો મુકાયાં છે. જો કે, આ નામોમાંથી અમુક નામો માત્ર મૂકવા ખાતર મૂકવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેથી શોર્ટ લિસ્ટ કરતી વખતે આ નામો કપાય તો ખાસ કોઇ ઉહાપોહ થાય નહીં.