સુરત: વિધાનસભાની ચૂંટણીમાં (Election) સુરતમાં (Surat) જો કોઈ બેઠક પર ભારે ઉત્તેજના હોય તો તે વરાછા રોડની બેઠક છે. આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારો પાટીદાર છે ત્યારે આ બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર કુમાર કાનાણી માટે કપરા ચઢાણ બની ગયા છે. કુમાર કાનાણીને ખુદ ભાજપના જ આગેવાનો સાથ આપી રહ્યા નથી અને સાથે સાથે કોરોનાકાળ વખતે રેમડેસિવિર ઈન્જેકશન પુરા પાડી નહીં શકવાને કારણે ડોર ટુ ડોર સંપર્કમાં કુમાર કાનાણીએ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નાના વરાછાની કેટલીક સોસા.માં ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન કુમાર કાનાણીને પ્રવેશ પણ આપવામાં આવ્યો નહીં હોવાની ચર્ચા ચાલી રહી છે.
ભાજપના જ આગેવાનોમાં ચાલતી ચર્ચા પ્રમાણે, કુમાર કાનાણી છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય છે પરંતુ વરાછા રોડના અનેક પ્રશ્નોનો ઉકેલ લાવી શક્યા નથી. ત્યાં સુધી કે વરાછાને એક સરકારી કોલેજ પણ મળી નહોતી. હમણાં જ્યારે કોલેજ મળી છે ત્યારે આ કોલેજ માટેની પોતાની કોઈ ઈમારત પણ નથી. વરાછાની પ્રજા પોલીસથી માંડીને અનેક પ્રશ્નોથી પિડાતી હતી અને તેમાં પણ કોરોના આવ્યો ત્યારે વરાછાવાસીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. કુમાર કાનાણી તે સમયે રાજ્યના આરોગ્ય મંત્રી હતા પરંતુ તેમ છતાં પણ વરાછાવાસીઓને મદદ કરી નહોતી. ત્યાં સુધી કે રેમડેસિવિર ઈન્જેકશનની ખૂબ જરૂરીયાત વરાછા રોડ પર હતી ત્યારે કુમાર કાનાણી તેની વ્યવસ્થા કરાવી શક્યા નહોતા અને તેને કારણે વરાછાવાસીઓમાં ભારે રોષની લાગણી છે.
આ ઉપરાંત ગત મનપાની ચૂંટણીમાં પણ કુમાર કાનાણી મંત્રી હોવા છતાં પણ આજ વિસ્તારના ભાજપના ઉમેદવારો હારી ગયા હતા. આ કારણે હવે વરાછાવાસીઓ કુમાર કાનાણીના ડોર ટુ ડોર સંપર્કયાત્રામાં રોષ ઠાલવી રહ્યા છે. કહે છે કે કુમાર કાનાણી દ્વારા તાજેતરમાં નાના વરાછામાં ડોર ટુ ડોર સંપર્ક રાખવામાં આવ્યો હતો પરંતુ નાના વરાછામાં ધનલક્ષ્મી સોસા., ભીડભંજન સોસા., હરેકૃષ્ણ રો હાઉસ, અમીધારા, નંદનવન રો હાઉસ, બજરંગનગર, કૃષ્ણકુંજ તેમજ શુભલક્ષ્મી સોસા.ઓમાં કુમાર કાનાણી અને તેમની ટીમને પ્રવેશ જ આપવામાં આવ્યો નહોતો. જેને કારણે કુમાર કાનાણીને પરસેવો વળી ગયો હતો. જે રીતે વરાછાવાસીઓ પોતાનો આક્રોશ કુમાર કાનાણી સામે ઠાલવી રહ્યા છે તે જોતાં મતદાનમાં કુમાર કાનાણી ત્રીજા નંબરે રહે તો નવાઈ નહી હોય.