સુરત : ભાજપ સરકાર સામે પાટીદાર અનામત આંદોલન ઉભું કરીને રાતોરાત મોટા નેતા બની ગયેલા હાર્દિક પટેલે બાદમાં કોંગ્રેસનો હાથ પકડી લઇ રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા પ્રયાસ કર્યો હતો. જો કે કોંગ્રેસમાં હાર્દિકને ભાવ નહીં મળતા રાજીનામું આપી દીધું છે અને જે રીતે રાજીનામામાં ભાજપના સીએએ, રામમંદિર સહીતના મુદ્દાઓનું આડકતરૂ સર્મથન કર્યુ હોય ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઇ ચુકી છે જો કે જે ભાજપ સરકાર સામે લડીને હાર્દિક પટેલે તે સમયના પાટીદાર સમાજના જ મહિલા મુખ્યમંત્રીએ ખુરશી ગુમાવવી પડી, ભાજપનો પર્યાય બની રહેલા પાટીદાર સમાજે પણ તેને સાથ આપી ભાજપથી વિમુખ થઇ ગયો તે ભાજપમાં જ જો હાર્દિક પટેલ જોડાઇ જાય તો સમાજ શું સ્ટેન્ડ લેશે તેના પર સહુની મીટ મંડાઇ છે.
- એક સમયનો ભાજપ કટ્ટર વિરોધ હાર્દિક પટેલ હવે ભાજપમાં જોડાશે?
- ભાજપને ગાળ દઇને મોટા નેતા બનેલા હાર્દિક પટેલ ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર સમાજના રૂખ પર સહુની મીટ મંડાઇ
હાર્દિક પટેલ ભાજપ સરકાર સામે આંદોલન ઉભુ કરીને ભાજપમાં મોદી સહીતના નેતાઓની વિરૂદ્ધમાં ભાષણો કરીને જ મોટો નેતા બન્યો હતો. અને કોંગ્રેસે તેને રાજકીય પ્લેટફોર્મ પણ આપ્યું હતું, આજ કારણે પાટીદાર સમાજની વોટબેંક પણ અમુક અંશે કોંગ્રેસ તરફ ખસકી હતી પરંતુ હવે હાર્દિક ભાજપમાં જાય તો શું ? તે મોટો પ્રશ્ન છે. પાટીદાર આંદોલનના કેન્દ્ર રહેલા સુરતના રાજકારણમાં પણ આ ચર્ચાનો માહોલ છે. ખાસ કરીને સુરતના પાટીદારો (પાસ) હવે આગામી ચૂંટણીમાં ભાજપ સાથે રહેશે કે આપ ને સાથ આપશે તે અંગે અનેક અટકળો શરૂ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના રાજીનામાને ગદ્દારી ગણાવી રહ્યાં છે.
છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે મડાગાંઠ ચાલી રહી હતી આજે અચાનક હાર્દિક પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ હાર્દિક પટેલ ભાજપનું કમળ પકડશે કે આપનું ઝાડું તે અંગે અત્યારથી અનેક અટકળો ચાલી રહી છે.
પાટીદાર યુવાનો પર કેસ પાછા ખેંચાય અને શહીદના પરિવારોને નોકરી મળે તો અમે વિચારીશું : અલ્પેશ કંથીરિયા (પાસના કન્વીનર)
હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ તો પાટીદાર સમાજના યુવાનો પર થયેલા રાજદ્રોહના કેસ પાછા ખેચાઇ તેમજ શહીદ પરિવારોને નોકરી મળે તે અમારી માંગ કરાશે. આ માંગ પછી જ પાસ સમિતિ આગાળની રણનીતિ નક્કી કરશે કે કઇ પાર્ટીને સમર્થન કરશે.