SURAT

સુરત ભાજપમાં ચર્ચા: પૂર્ણેશ મોદીનું પત્તું કપાયું!? વરાછામાં આ બે ઉમેદવારો વચ્ચે ગૂંચ પડી

સુરત: ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly ) ચૂંટણીની જાહેરાત થયા બાદથી રાજ્યમાં તમામ રાજ્કીય પક્ષો દ્વારા ઉમેદવારોની (Candidates) પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા છેલ્લાં એકાદ અઠવાડિયા દરમિયાન તબક્કાવાર વિવિધ બેઠકો પરથી ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે આજે ભાજપ (BJP) દ્વારા સુરતની બેઠકો પર નક્કી કરાયેલા ઉમેદવારોના નામો બહાર આવ્યા છે. ચર્ચા અનુસાર સુરતમાં 12 પૈકી 4 બેઠકો પર ઉમેદવારો બદલવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીનું પત્તું કપાયું હોવાની ચર્ચા છે. ચાલો જાણીએ સુરતમાં કઈ બેઠક પર ભાજપ દ્વારા કોને ટિકટી આપવામાં આવી હોવાની ચર્ચા છે.

સુરત ની 12 પૈકી 10 વિધાનસભા મત વિસ્તારમાં ટિકીટ નક્કી થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. વર્તમાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને મજૂરા વિધાનસભા બેઠક પરથી ફરી ટિકીટ આપવામાં આવી હોવાની ચર્ચા છે. તે ઉપરાંત લિંબાયત બેઠક પર સંગીતા પાટીલ, ઓલપાડમાં મુકેશ પટેલ, સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલર તેમજ કરંજમાં પ્રવીણ ઘોઘારીને રિપીટ કરાયા હોવાની ચર્ચા છે.

તાજેતરમાં જ મંત્રી પદેથી હકાલપટ્ટી થઈ હતી તે પૂર્ણેશ મોદીને ટિકીટ આપવામાં આવી નહીં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેમના સ્થાને સુરત પશ્ચિમની બેઠક પરથી સુરત શહેરના વર્તમાન મેયર અને મોઢ વણિક જ્ઞાતિના હેમાલી બોઘાવાલાનું નામ ચાલી રહ્યું છે. જ્યારે ઝંખના પટેલને પણ ટિકીટ અપાઈ નહી હોવાની વાત ઉપડી છે. તેમના સ્થાને ચોર્યાસી વિધાનસભાની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને ટિકીટ અપાઈ હોવાની ચર્ચા છે. આ ઉપરાંત વી.ડી. ઝાલાવડીયા અને વિવેક પટેલનું પત્તું પણ કપાયું હોવાની વાતે જોર પકડ્યું છે. કામરેજ વિધાનસભા બેઠક પર ઝાલાવડીયાના બદલે જનક બગદાણા અને સુરત ઉધના બેઠક પર વિવેક પટેલના બદલે પૂર્વ કલેકટર મહેન્દ્ર પટેલને ટિકીટ આપી હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત વરાછા બેઠક પર બે નામ ચાલી રહ્યાં છે. હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડીયા અને પ્રતાપ જીરાવાલાના નામ વચ્ચે ગૂંચ પડી હોવાની ચર્ચા છે. વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણીનું નામ તો ચર્ચામાં પણ નથી. કતારગામ બેઠકનો નિર્ણય બાકી છે. હાલમાં વિનુ મોરડીયા કતારગામ બેઠક પરથી ધારાસભ્ય છે. જોકે હજુ સુધી ફાઈનલ યાદી બહાર આવી નથી કે ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરાઈ નથી. તે જોતાં સત્તાવાર યાદીમાં છેલ્લી ઘડીએ ફેરફાર હોય શકે છે.

Most Popular

To Top