સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Corporation Election) વખતે સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ખાસ કરીને હાલારી-ગોલવાડિયાનું ફેક્ટર જોર પકડે છે. હાલારી એટલે કે અમરેલી (Amreli) જિલ્લા અને ગોલવાડિયા એટલે ભાવનગર (Bhavnagar) જિલ્લાના કેટલા નેતાઓને ટિકિટ મળી ? કોનો હાથ ઉપર રહ્યો ? વગેરે ચર્ચા રાજકીય ગરમાવો લાવી દે છે. જો કે, છેલ્લાં થોડાં વરસોથી જૂનાગઢ, જામગર, રાજકોટ જિલ્લાના નેતાઓ પણ સંગઠિત થતાં આ જિલ્લાઓની પણ નોંધ લેવાઇ રહી છે. જો કે, વર્ષ-2015મી ચૂંટણીમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર જિલ્લાને અગાઉ ક્યારેય ના મળી હોય તેટલા પ્રમાણમાં ટિકિટ મળી હતી. પરંતુ પાટીદાર ફેક્ટરના કારણે તેમાંથી મોટા ભાગના હારી ગયા હતા.
આ વખતે ભાવનગર રાજુ ગોદાણી, દક્ષાબેન ખેની, સંજય હિંગુ, ધર્મેશ કાકડિયા, દક્ષેશ માવાણી, ઘનશ્યામ સવાણી, જિતેન્દ્ર સોલંકી, ચીમન પટેલ, કિશોર મીયાણી, મધુબેન ખેન, નરેશ ધામેલિયા, દલસુખ ટીંબડિયા, શીતલબેન ભડિયાદરા એમ 13 નેતા છે, તેમાં પણ પાટીદારો તો 11 છે. જ્યારે અમરેલી જિલ્લાના અરુણા શીગાળા, ભાવેશ ડોબરિયા, નૈનાબહેન સંઘાણી, બાબુ ચોડવડિયા, જયશ્રીબેન વોરા, ચેતન દેસાઇ, જયશ્રી વરિયા, નરેન્દ્ર પાંડવ, મીનાબેન આંબલિયા, રાજેશ જોળિયા, ધર્મેન્દ્ર ભાલાળા, કોમલ પટેલ, મંજુલા શિરોયા, ભરત વાડોદરિયા, હરેશ જોગાણી, દર્શિની કોઠિયા, દિનેશ જોધાણી એમ કુલ 17 ટિકિટ જો કે તેમાં પાટીદાર 13 છે. ઉપરાંત જામનગરનાં રશ્મિતા હીરાણી, ગૌરીબહેન શાપરિયા, મમતાબેન સુરેજા, ચંદુભાઇ મુંગરા, જૂનાગઢના લલિતભાઇ વેકરિયા, જ્યારે રાજકોટનાં ભાવનાબેન દેવાણી, હંસાબેન ગજેરાને ટિકિટ અપાઇ છે.
અમરેલી જિલ્લાના પ્રણેતા વસંત ગજેરાનું નિવાસસ્થાન કતારગામમાં પરંતુ અમરેલીના કોઈને જ ટિકીટ નહીં
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓમાં હાલારી અને ગોલવાડિયાના રાજકારણમાં એક સમયે જેનું નામ ચર્ચાતું હતું તેવા અમરેલીના અગ્રણી વસંત ગજેરા કતારગામમાં રહે છે પરંતુ ભાજપે આ વખતે કતારગામ વિસ્તારમાં અમરેલી જિલ્લાના એક પણ પાટીદારને ટિકીટ ફાળવી નથી. જેને કારણે અમરેલીના આગેવાનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
60 વર્ષથી વધુ વય ધરાવતા બે ઉમેદવારને ભાજપે બદલાવ્યા
સુરત : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 60 વર્ષથી ઉપર નહીં અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલા નેતાઓને ટિકિટ નહીં આપવાની ફોર્મ્યુલા બાદ ઘમાસાણ સર્જાયું છે. અનેક મોટાં માથાં ટિકિટની રેસમાંથી બહાર નીકળી ગયા છે. ત્યારે હવે તમામ ઉમેદવારો જાહેર થયા બાદ એવું બહાર આવ્યું હતું કે, વોર્ડ નં.6નાં અનિતા દેસાઈ અને વોર્ડ નં.14નાં લક્ષ્મણ બેલડિયા 60 વર્ષથી વધુ વયના છે. એટલે શુક્રવારે ભાજપે આ ઉમેદવારોને બદલી નાંખી અનિતા દેસાઇની જગ્યાએ સોનલ દેસાઇ અને લક્ષ્મણ બેલડિયાની જગ્યાએ પૂર્વ નગર સેવક નરેશ ધામેલિયાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.25ના ઉમેદવાર પ્રકાશ વાકોડિકર સામે પણ વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રકાશ વાકોડિકર પણ 61 વર્ષના હોવા ઉપરાંત વર્ષ-2015માં તેને ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં કોંગ્રેસમાંથી તેનાં પત્નીને ચૂંટણી લડાવી હતી. તેથી સ્થાનિક કાર્યકરોમાં નારાજગી છે.