સુરત: (Surat) સુરત મહાપાલિકામાં તમામ 120 બેઠક કબ્જે કરવા માટે ભાજપે આ વખતે મોટી જાહેરાતો કરી પેજ પ્રમુખો પણ બનાવ્યાં પરંતુ ભાજપના આ ‘મિશન 120’નું આજના પરિણામોને પગલે સૂરસૂરિયું થઈ જવા પામ્યું છે. વધુને વધુ ભાજપની (BJP) તરફેણમાં મતદાન થાય તે માટે ભાજપ દ્વારા મોટા ઉપાડે પેજ પ્રમુખો બનાવવામાં આવ્યાં હતાં પરંતુ આ પેજ પ્રમુખો ભાજપની તરફેણમાં વધુ મતદાન (Voting) કરાવવામાં નિષ્ફળ રહ્યાં. પરિણામે જે રીતે ભાજપે 1995માં ક્લિન સ્વીપ કરી હતી અને 99માંથી 98 બેઠક મેળવી હતી તેનું પુનરાવર્તન થયું નહીં અને ભાજપના નેતાઓ નબળા સાબિત થયાં હતાં.
- ભાજપે ચૂંટણી પહેલા જ દરેક વોર્ડમાં પેજ-પ્રમુખ સહિતનું માઈક્રો પ્લાનિંગ કર્યું છતાં પરિણામમાં ખાસ ફાયદો ન મળ્યો
- ચોક્કસ બેઠકો પર કોંગ્રેસની ગણાતી લઘુમતી વોટબઁકનો પ્રભાવ પણ નવા સીમાંકનથી બેઅસર થતાં ભાજપને ફાયદો હતો
- પાટીદાર વિસ્તારોમાં આપ અને કોંગ્રેસમાં મતોનું વિભાજન થતાં ભાજપને ફાયદો થશે તેવી ગણતરી ઊંધી પડી
- ખુદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ સુરતના હતાં છતાં પણ ભાજપનો પનો ટૂંકો પડ્યો
- તમામ પરિબળો ભાજપની તરફેણમાં હોવાઆ છતાં ભાજપને ‘નફામાં નુકશાન’
તમામ પરિબળો તરફેણમાં હોવાથી આ વખતે ભાજપને 120માંથી 120 બેઠક મેળવવામાં કોઈ જ રોકી શકે તેમ નહોતું, સિવાય કે તેમનો જ વધુ પડતો આત્મવિશ્વાસ. ભાજપે 120 બેઠક મેળવવા માટે પહેલેથી જ માઈક્રો પ્લાનિંગ કર્યું હતું. ભાજપને અનુકુળ થાય તેવું જ તમામ વોર્ડનું સીમાંકન કરવામાં આવ્યું હતું. આ સીમાંકન એવું હતું કે જેને કારણે જે લઘુમતિ વિસ્તારો કોંગ્રેસને ફાયદો કરાવતાં હતાં તે લઘુમતિ વિસ્તારો બેઅસર થઈ જાય. સાથે સાથે વિપક્ષ કોંગ્રેસ પણ એવી કોઈ તાકાત નહોતીં કે એવો કોઈ મુદ્દો કોંગ્રેસ પાસે નહોતો કે ભાજપને 120 બેઠક મેળવતાં અટકાવી શકે. ભાજપે ચૂંટણી કે ઉમેદવારો જાહેર થાય તે પહેલાં જ પ્રચાર શરૂ કરી દીધો હતો. ત્યાં સુધી કે વોર્ડ વાઈઝ કાર્યાલય ખોલવાના નામે પણ પ્રચાર કરવા માંડ્યો હતો.
ખુદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ સુરતના જ હતાં. આ કારણે જ મિશન 120 પાર પડશે તેવા દાવાઓ કરવામાં આવ્યાં હતાં. ખુદ સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા પણ જાહેરમાં 120 બેઠકનો દાવો કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા એવી ગણતરી પણ મુકવામાં આવી હતી કે પાટીદાર વિસ્તારોમાં કોંગ્રેસના મત આપ કાપશે અને તેનો ફાયદો ભાજપને મળશે. આ કારણે જ ભાજપે કેટલાક વોર્ડમાં આયાતી ઉમેદવારો પણ ઉતાર્યા હતાં. જોકે, આ તમામ આયોજનો છતાં પણ ભાજપનું 120 બેઠક મેળવવાનું મિશન પડી ભાંગ્યું હતું.