સુરત: (Surat) પાંડેસરામાં શનિવારે સાંજે રીક્ષામાં (Rickshaw) બેઠેલા યુવાન અને માનસિક બિમાર વચ્ચે કોઇ કારણ સર ઝગડો (Quarrel) થયા બાદ વાત હાથાપાય સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવાને અન્ય યુવાનની આંખ પાસે બચકું ભરી લેતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. બચકુ ભરનાર યુવાન માનસિક બીમાર હોવાનું સામે આવ્યું હતું.
નવી સિવિલમાં સારવાર અર્થે લવાયેલો યુવાન ઉતરપ્રદેશનો વતની અને હાલમાં પાંડેસરાના અપેક્ષાનગરમાં રહેતો 18 વર્ષીય ઋતીક બબલુ કુરવાહ હોવાનું જાણવા મળ્યું હતું. રુતિકે જણાવ્યું હતું કે આજે સાંજે તે 4 થી 5 મિત્ર સાથે કેટરીંગના કામે જવા પડિસરાના કૈલાશનગર પાસે ભેગા થાય હતા. ઓટો રિક્ષામાં ઋતીક સાઈડમાં બેઠો હતો તે સમયે ત્યાંથી પસાર થતા નસામાં ધૂત અજાણ્યા યુવાને અચાનક ઋતિકને તમાચો મારી દીધો હતો. જેથી બન્ને વચ્ચે બોલાચાલી બાદ ઋતીક રીક્ષા માંથી ઉતરી ગયો હતો. લાફો કેમ માર્યો એમ પૂછતાં જ અજાણ્યો યુવાન જોરજોરથી બોલવા લાગ્યો હતો એટલે બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી.
દરમિયાન માનસિક બિમાર યુવાને રુતિકની ડાબી આંખના પાપણ નજીક જોરથી બચકુ ભરી દેતા રીક્ષા ચાલક સહિત અન્ય મિત્રો જોતા જ રહી ગયા હતા. ઘટનાને નજરે જોનારા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બન્ને ને છોડાવ્યા હતા. ત્યારબાદ લોકોની ભીડ જોઈ માનસિક બિમાર યુવાન ભાગી ગયો હતો. ઋતીકને મિત્રો અને રાહદારીઓ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.