સુરત: (Surat) સુરતના અઠવા પોલીસ સ્ટેશન (Athwa Police Station) વિસ્તારની હદમાં આવેલા ચોક બજાર ખાટકીવાડમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. અહીં બર્થડે પાર્ટીમાં (Birthday Party) બાર ડાન્સરો (Bar Dancer)ડાન્સ કરી રહ્યા હોવાનો વિડિયો વાયરલ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈ ચાઈનિઝવાળાના ધંધાર્થીના દીકરાની બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સરોને બોલાવીને નચવવામાં આવી હતી. બાળકોની હાજરીમાં બાર ડાન્સરો સાથે ડાન્સ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના લીરે લીરા ઉડાવતી પાર્ટીના વીડિયો સામે આવતાં અઠવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવા પર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કે, છાસવારે પોલીસના નિયમોનું ઉલ્લંઘન થતું સામે આવતું હોય છે. ત્યારે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ચોક બજાર ખાટકીવાડમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એક ધંધાર્થીના દીકરાની બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સરોને બોલાવીને ઠુમકાં લગાવવામાં આવ્યાં હતાં.
વીડિયોમાં આ બાર ડાન્સરોની આસપાસ છોકરાઓ નાચતા નજરે પડે છે. બે મહિલાઓ અને સાતેક યુવકો દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનના વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળે છે કે, ઘરના આંગણે મુખ્ય ગેટ પાસે શેરીમાં આ ડાન્સ પાર્ટી યોજાઈ હતી. જેમા એક યુવકના હાથમાં છરો પણ નજરે પડે છે. અઠવા પોલીસે જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલો વીડિયો પોલીસને પણ મળ્યો છે. વીડિયોના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તમામને વહેલી તકે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.