સુરત: (Surat) લિંબાયત નિલગીરી વિસ્તારમાં યુવકની બાઇક રાજ ઉર્ફે બટકાની બાઇક (Bike) સાથે અથડાયા બાદ તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં લોકોની ભીડ ભેગી થતા ત્રણેય યુવક ત્યાંથી નીકળી ગયા બાદ સાંઈબાબા મંદિર પાસે સર્વિસ રોડ પર ઊભા હતા. ત્યારે રાજ બટકાએ ત્યાં આવીને શિવાજીને રસ્તા ઉપર તેની પાછળ દોડીને છાતી અને શરીરના અન્ય ભાગે ચપ્પુના જીવલેણ ઘા મારી હત્યાનો (Murder) પ્રયાસ કર્યો હતો.
- બે બાઇક અથડાતા ગોડાદરા સાંઈબાબા મંદિરની પાછળ યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા
- બે બાઇક અથડાતા બોલાચાલી થઈ પણ લોકોની ભીડ ભેગી થતા ત્રણ યુવક ત્યાંથી નીકળી ગયા
- બાદમાં રાજ બટકાએ આવીને શિવાજી નામના યુવાન પાછળ દોડીને છાતી અને શરીરના અન્ય ભાગે ચપ્પુના ઘા મારી દીધા
ગોડાદરા ખાતે સુમનશ્રુતિ આવાસમાં રહેતા ૨૨ વર્ષીય ઉત્તેજ સંપત વેલદે મુળ વારંગલ તેલંગણાનો વતની છે. પૂણાગામ ખાતે કેનાલ રોડ ઉપર આવેલા પોલારીસ મોલમાં દુકાન નં. ૪૦ માં આવેલી ઇકોમેકસપ્રેસ નામની ઓફીસમાં પીકપ બોય તરીકે નોકરી કરે છે. તેણે ગોડાદરામાં ગઈકાલે આખો દિવસ મિત્રો સાથે ઉતરાણની ઉજવણી કરી હતી. રાત્રે તેના ઘરે જવા નીકળ્યો ત્યારે કૌટુંબિક મામા શિવાજી રામનરસૈંયા પોટ્ટા ભથ્થી (ઉ.વ. ૨૧ ૨હે. એ/૩૦, કેશરભવાની સોસાયટી, ગોડાદરા) એ ફોન કરી નિલગીરી સર્કલ પાસે સાંઇબાબા મંદિર પાસે બોલાવ્યો હતો. ઉત્તેજ તેના મિત્ર વિશાલની બાઈક લઇ પહોંચી ગયો હતો. ત્યાં તેના મામા શિવાજી અને તેમના મિત્ર ત્રણેય ઉભા હતા. ત્રણેય જણા આશરે પોણા દશેક વાગે ઘરે જવા માટે નીકળ્યા હતા. સંજય નગર સર્કલ પાસે પહોંચતા રાજ ઉર્ફે બટકા (રહે. ગાર્ડન સોસાયટી, રામ મંદિર પાસે, લિંબાયત) એ તેની બાઈક શિવાજીની બાઈક સાથે અથડાવી દીધી હતી.
શિવાજીની બાઈક સ્લીપ થતા નીચે પટકાયા હતા. રાજ ઉર્ફે બટકાની સાથે આ વાતે બોલાચાલી થઈ હતી. લોકોની ભીડ ભેગી થતા રાજ બટકો અને બધા ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ ત્રણેય જણા મહારાણા ચાર રસ્તાની નજીક સર્વિસ રોડ ઉપર ઉભા હતા. ત્યારે થોડીવારમાં ત્યાં રાજ ઉર્ફે બટકો તેની મોપેડ લઇ આવ્યો હતો. ત્યાં શિવાજી સાથે ઉગ્ર બોલચાલી કરતા શિવાજીએ સમજાવવા જતા રાજ બટકાએ ચપ્પુ કાઢી મારવા જતા શિવાજી સર્વિસ રોડ ઉપર દોડવા લાગ્યો હતો. સાંઇબાબાના મંદિરની પાછળના ભાગે પડી જતા રાજ ઉર્ફે બટકાએ છાતીના ભાગે આડેધડ ચપ્પુના ઘા મારી દીધા હતા. શિવાજી ઉભો થવા જતા રાજ ઉર્ફે બટકાએ સાથળના ભાગે તથા જમણી આંખની ઉપરના ભાગે પણ જીવલેણ ઘા માર્યા હતા. આજુબાજુના લોકો અને રાહદારીઓ ભેગા થઇ જતા રાજ ઉર્ફે બટકો તેની મોપેડ લઇને ત્યાંથી ભાગી ગયો હતો. ગોડાદરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.