સુરત: (Surat) કિમનું દંપતી સાયણ હોસ્પિટલમાં (Hospital) બે મહિનાના બાળકને રસી મુકાવવા જતાં હતાં તે દરમિયાન મહિલાની સાડી બાઈકના (Bike) પાછળના વ્હિલમાં આવી જતા મહિલા બાળક સાથે નીચે પટકાઈ હતી.બાળકનું મોત નિપજ્યું હતું.
- બાઈકના પાછળના વ્હિલમાં સાડી આવી જતા મહિલા 2 મહિનાના બાળક સાથે નીચે પટકાઈ, બાળકનું મોત
- મહિલા બાળકને લઈને પતિ સાથે બાઈક પર બેસીને કિમથી સાયણ હોસ્પિટલમાં બાળકને રસી મુકાવવા જતાં હતાં અને ઘટના બની ગઈ
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની નાગેન્દ્ર ઉમાશંકર પટેલ હાલ કિમ-ઓલપાડ રસ્તા પર આવેલ બોલ્વાગામના સુખ-સરીતા રેસીડેન્સીમાં પત્ની, પુત્ર નીરજ (2 વર્ષ) અને પુત્ર રૂદ્ર (2 મહિના) સાથે રહે છે. નાગેન્દ્ર અંકલેશ્વર ખાતે કાપડના માર્કેટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરે બે વાગ્યાના અરસામાં નાગેન્દ્ર પત્ની સાથે 2 મહિનાના રૂદ્રને રસી મુકાવવા માટે સાયણ હોસ્પિટલ મોટરસાયકલ પર લઈને જતાં હતાં. તે દરમિયાન કિમ જીઇબી ઓફિસ બાઈક પર પાછળ બેસેલી મહિલાની સાડી બાઈકના પાછળના વ્હિલમાં આવી ગઈ હતી. તેથી મહિલા અને પુત્ર રૂદ્ર બંને નીચે પટકાયા હતા. રૂદ્રને ગંભીરઇજા થતાં નાગેન્દ્ર 108 મારફતે રૂદ્રને નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં હાજર તબીબે રૂદ્રને મૃત જાહેર કર્યો હતો.
લિંબાયતમાં મહિલાના ગળામાંથી દંપત્તિ દ્વારા મંગળસૂત્રનું સ્નેચીંગ
સુરત: લિંબાયતમાં ભીડનો લાભ લઈને દંપત્તિએ મહિલાના ગળામાંથી મંગળસૂત્રની સ્નેચીંગ કરી હતી. જોકે ગોડાદરા પોલીસે ગણતરીના કલાકોમાં દંપત્તિની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો હતો. લિંબાયત સંતોષીનગરમાં રહેતી 31 વર્ષીય શાલુબેન જગદિશભાઇ લીમજેએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મંગળસૂત્ર સ્નેચીંગની ફરિયાદ નોંધાવી હતી. બાઈક ઉપર આવેલા અજાણ્યા મહિલા અને યુવકે સ્નેચીંગ કર્યું હતું.
લિંબાયત ખાતે શાંતિનગર આશાપુરી મોબાઇલની દુકાનની સામે રોડ ઉપર આ ઘટના બની હતી. શાલુબેન ચાલતા જતા હતા ત્યારે ગળામાં પહેરેલું સોનાનુ 17 હજારનું મંગળસુત્ર બાઈક ઉપર પાછળ બેસેલી મહિલાએ ખેંચી લીધું હતું. અને બાઈક ગોડાદરા તરફ લઈને ભાગી ગયા હતા. આ બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગોડાદરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે આરોપી કિશોરભાઇ ભિખુભાઇ ખરોડિયા (ઉ.વ.૩૫ ધંધો.બેકાર રહે.બિલ્ડિંગ નં-ડી/૦૪ મકાન નં-૧૦૯ સુડા આવાસ પાલ રોડ એલ.પી સવાણી સ્કુલ પાસે અડાજણ પાલ) અને તેની પત્ની રચનાબેન (ઉ.વ.૩૯) ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પોથી બાઈક અને મંગળસૂત્ર કબજે લેવાયું હતું. દંપત્તિએ ભીડનો લાભ લઈને પહેલી વખત આ ગુનાને અંજામ આપ્યો હતો.