સુરત: (Surat) કેન્દ્રનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને કોરોનાકાળ દરમિયાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને (Budget) સુરતના ટેક્સટાઇલ અને હીરા (Textile And Diamond) ઝવેરાત ઉદ્યોગે ઘણાં વર્ષો પછી આવકાર્યુ છે. ખાસ કરીને નાણામંત્રીએ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની 10 પ્રોડક્ટના કર માળખામાં ફેરફાર કર્યો છે. જીજેઇપીસી અને ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા ગોલ્ડ અને સિલ્વર (Gold Silver) પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 12.5 ટકા હતી. જે ઘટાડીને 7.5 ટકા કરવામાં આવી છે.
ગોલ્ડ બાર પરની ઇમ્પોર્ટ ડ્યૂટી 11.85 ટકા હતી. જે ઘટાડીને 6.9 ટકા કરવામાં આવી છે. સિલ્વર બારની 11થી ઘટાડીને 6.1 ટકા પ્લેટિનમ અને પેલેડિયમની 20 ટકા ડ્યૂટી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે. સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં જે મેન્યુફેક્ચર્સ સિન્થેટિક કટ એન્ડ પોલિશ્ડ હીરા પરની 7.5 ટકાની ઇમ્પોર્ટ ડ્યૂટી 15 ટકા કરાતાં આયાતી તૈયાર સિન્થેટિક હીરા મોંઘા થશે. જેનો લાભ ડોમેસ્ટિક મેન્યુફેક્ચર્સને મળશે. એવી જ રીતે કટ એન્ડ પોલિશ્ડ ઝિર્કોનિયામાં પણ ઇમ્પોર્ટ ડ્યૂટી બમણી કરીને 15 ટકા કરવામાં આવી છે. પ્રિસિયસ મેટલ કોઇનમાં 2.5 ટકા ડ્યૂટી ઘટાડવામાં આવી છે.
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનાં સંગઠનોએ પણ મિશ્ર પ્રતિસાદ આપી કેન્દ્રીય બજેટને આવકાર્યુ છે. ખાસ કરીને નાણામંત્રીએ નાયલોન યાર્નની ચેઇનની ડ્યૂટી 5 ટકા કરી છે. જેના લીધે વિવિંગ સંગઠનોમાં ખુશી છવાઇ છે. આવનારા દિવસોમાં નાયલોન યાર્નની આયાતમાં વધારો થશે. બજેટમાં ક્રેપ્ટોલેક્ટમ, ચિપ્સ અને યાર્ન પરની ડ્યૂટી 7.5 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવી છે. તેની લીધે સ્પીનર્સ અને વિવર્સ બંનેને લાભ થશે. જો કે, નાણાંમંત્રીએ પ્રથમવાર સિલ્ક પર 2.5 ટકા ડ્યૂટી લાગુ કરતાં ડોમેસ્ટિક સિલ્ક ઉત્પાદકોને લાભ થશે. જો કે, ડાઇંગ અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને આ બજેટથી કોઇ સીધો લાભ કે નુકસાન થશે નહીં.
જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને આ પ્રમાણે રાહત મળી
આઇટમ કસ્ટમ ડ્યૂટી હતી હવે લાગુ પડશે
- ગોલ્ડ-સિલ્વર 12.5 7.5
- ગોલ્ડ બાર 11.85 6.9
- સિલ્વર બાર 11 6.1
- પ્લેટિનમ-પેલિડમ 12.5 10
- વેસ્ટ પ્રિસિયસ મેટલ12.5 10
- એસ પ્રિસિયસ મેટલ 11.85 9.2
- પ્રિસિયસ કોઇન 12.5 10
- સીએન્ડ(ઝિર્કોનિયા)7.5 15
- તૈયાર સિન્થેટિક 7.5 15
દેશભરમાં 7 ટેક્સ્ટાઇલ પાર્ક જાહેર કરતાં સુરતના ઉદ્યોગકારોમાં ખુશી છવાઈ
નાણાંમંત્રીએ દેશભરનાં ટેક્સટાઇલ શહેરોમાં 7 મેગા ટેક્સટાઇલ ક્લસ્ટર-મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની જાહેરાત થઇ છે. ચેમ્બર ઓૅફ કોમર્સ અને ફિઆસ્વીએ મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવા નાણાંમંત્રી અને ટેક્સટાઇલ મંત્રીને રજૂઆત કરી હતી. એ વિચાર પરથી ત્રણ વર્ષમાં પાર્કનું કામ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેથી કાપડનું ઉત્પાદન વધશે અને મોટી સંખ્યામાં રોજગારીનું નિર્માણ થશે. ચેમ્બરના માજી પ્રમુખ બી.એસ.અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતમાં મેગા ટેક્સટાઇલ પાર્ક માટે ભરૂચના હાંસોટ નજીક કંટિયાજાળ, ઓલપાડ કાંઠા વિસ્તારમાં અને સચિન જીઆઇડીસી નજીક ગભેણીમાં સરકાર હસ્તકની ફાજલ જમીનો પણ જોવામાં આવી છે. 60 લાખ મીટર વાર જમીન મેળવવા માટે એસપીવી કંપની પણ બનાવવામાં આવી છે. સરકારે હવે જાહેરાત કરી છે તે જોતાં શહેરના અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક યોજી આ પાર્કને લગતી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે.
ટેક્સટાઇલ સેક્ટર માટે રોજગારી વધારનારું બજેટ: કમલ વિજય તુલસ્યાન
પાંડેસરા એસોસિએશનના પ્રમુખ અને બેંકિંગ સેક્ટરના અગ્રણી કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, બજેટમાં પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે કોઇ સીધી જોગવાઇ નથી. પરંતુ નાયલોન વિવર્સ અને સ્પીનર્સને રાહત આપી છે. મેગા ટેક્સટાઇલ પાર્કના પ્રોજેક્ટથી બલ્ક પ્રોડક્શનની સાથે રોજગારી વધશે. બેંકિંગ સેક્ટર માટે પણ બજેટ સારું છે. બેંકના ખાતેદારો માટે 1 લાખ રૂપિયાની વીમાની મર્યાદા હતી. તે વધારીને પાંચ લાખ કરવામાં આવી છે. તેનાથી બેંકો પર ગ્રાહકોનો વિશ્વાસ વધશે. સરકારે ઇલેક્ટ્રિસિટી કંપનીઓની મોનોપોલી તોડવા માટે અન્ય કંપનીઓને પણ તક આપી છે. તેને લીધે સસ્તી વીજળી મળવાની સંભાવનાઓ વધી છે.
નવું કોઇ ટેક્સ ભારણ ટેક્સટાઇલમાં લાગુ કરાયું નથી, તે રાહતની વાત છે: જીતુ વખારિયા
સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયાએ જણાવ્યું હતું કે, સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગ પર કોઇ વધારાનું ટેક્સભારણ લાગુ કર્યું નથી. આયાતી યાર્ન કે રો-મટિરિયલ્સ પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી કે કસ્ટમ ડ્યૂટી વધારી નથી. નાયલોનમાં સ્પીનર્સ અને વિવર્સને સારી રાહત આપી છે. ટેક્સટાઇલ પાર્કની યોજના આવકાર્ય છે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પણ રાહતો આપવાની જરૂર હતી.
જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પ્રોત્સાહન આપતું બજેટ: કોલિન શાહ
જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે નાણાંમંત્રી નિર્મલા સીતારામન રજૂ કરેલા બજેટને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પ્રોત્સાહન આપતું બજેટ ગણાવ્યું છે. નાણાંમંત્રીએ જીજેઇપીસીની ઘણી માંગણીઓ સ્વીકારી છે. ખાસ કરીને પ્રિસિયસ મેટલ, ગોલ્ડ અને સિલ્વર પરની કસ્ટમ ડ્યૂટી 12.5 ટકાથી ઘટાડી 7.5 ટકા કરી ઉદ્યોગને મોટી રાહત આપી છે. આ નિર્ણયથી ભારતમાં તૈયાર કરવામાં આવતી જ્વેલરીનો નિકાસ વધશે અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દુબઇ અને હોંગકોંગ સામે ભારતનો ઉદ્યોગ સ્પર્ધામાં ટકી શકશે. આ નિર્ણયોથી આ સેક્ટરમાં નવી રોજગારી વધશે.
કેન્દ્રીય બજેટમાં કરાયેલી જોગવાઈઓ આવકારદાયક, સુરતને ટેક્સટાઇલ પાર્ક મળવાની સંભાવના, સિન્થેટિક હીરા ઉદ્યોગ અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પણ વેગ મળશે: ચેમ્બર
ભારતનાં નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજરોજ રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટ ર૦ર૧–રરમાં જે જોગવાઇઓ કરવામાં આવી છે તેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આવકારવામાં આવ્યું છે. આ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ કેર, એજ્યુકેશન અને ખેડૂતલક્ષી બજેટ છે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં કુલ રૂપિયા પ.પ૪ લાખ કરોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવણી કરવામાં આવી છે. જેમાં નેશનલ હાઇવે, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન એસેટ, ગેસ અને ઓઇલની પાઇપલાઇનો નાંખવા માટે, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે તથા સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવા માટે જોગવાઇ કરવામાં આવી છે, જે ઘણું મોટું પ્રાવધાન હોવાથી તેનાથી અર્થતંત્રને વેગ મળશે.
કેન્દ્રીય બજેટમાં રૂપિયા ૧.૯૭ લાખ કરોડની પી.એલ.આઇ. સ્કીમ હેઠળ ફાળવણી કરવામાં આવી છે. જેમાં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્કની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી સુરતના મેન મેઇડ ફાઇબર ટેક્સટાઇલને ઘણો ફાયદો થઇ શકશે. સાત મેગા ટેક્સટાઇલ પાર્કમાંથી એક સુરતને મળવાની સંભાવના છે. ટેક્સટાઇલ ક્ષેત્રે કી રો મટિરિયલ્સ કેપરોલેકટમ ઉપર બેઝિક કસ્ટમ ડ્યૂટી ઘટાડીને પ ટકા કરવામાં આવી છે. જેથી વિવર્સ ભાઇઓને સસ્તા દરે યાર્ન મળી રહેશે, જે આવકારદાયક પગલું છે. સિન્થેટિક ડાયમંડ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ભારતમાં બનતા સિન્થેટિક ડાયમંડ ઉદ્યોગને વધુ વેગ મળશે. સોના–ચાંદીમાં લાગતી કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત થઇ છે. જેના કારણે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વેગ મળશે.
કઈ કઈ જોગવાઈને આવકાર અપાયો
– અર્બન સ્વચ્છ ભારત મિશન ર.૦માં રૂ.૧,૪૧,૬૭૮ કરોડની પાંચ વર્ષ સુધીમાં ફાળવણી કરવાની જાહેરાત થઇ છે. જેના થકી દક્ષિણ ગુજરાતમાં આવેલી એન્વાર્યમેન્ટ મેનેજમેન્ટ સર્વિસના ઉદ્યોગોને જેમાં દેશની ખ્યાતનામ કંપનીઓ સુરત શહેરમાં હોઇ તેવા ધંધાને ઘણો વિકાસ મળવાની સંભાવના છે.
– ટેક્સ એસેસમેન્ટ માટેની સીમા ૬ વર્ષથી ઘટાડી ૩ વર્ષ કરાઇ છે, જે મુજબ ૩ વર્ષથી વધુ જૂના ટેક્સના કેસ હવે નહીં ખોલવામાં આવશે, જે આવકારદાયક બાબત છે.
– ભારતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ અને લોજિસ્ટિક કોસ્ટ અન્ય દેશો કરતા ઘણો વધારે હતો. જેથી ભારતમાં બનતાં ઉત્પાદનો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેતા ન હતા. આનો અંત લાવવા માટે સરકાર દ્વારા માલ–સામાનની હેરફેર માટે ડેડિકેટેડ ફ્રાઇટ કોરિડોરમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરાઇ છે. જેનાથી લોજિસ્ટિક કોસ્ટ ઘટવાની ઘણી સંભાવના છે.
– વર્ષ-ર૦ર૩ સુધીમાં તમામ બ્રોડગેજ રેલવે રૂટને વીજળીથી ચાલતા કરી દેવામાં આવશે, તેનાથી ભારતનું ડીઝલ ઇમ્પોર્ટ બિલ નીચે આવશે અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં સુધારો જોવા મળશે. અને જેનાથી ભારતની ક્રેડિટ રેટિંગમાં સુધારો થશે અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ઇન્ટરનેશનલ લોન લેવાની આવે છે તેના વ્યાજદરમાં ઘટાડાને કારણે ભારતને ઘણો ફાયદો થશે.
– બજેટમાં એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની સ્થાપવાની વાત કરવામાં આવી છે તેનાથી રાહત થશે. બેંકોને ઉદ્યોગો માટેના નવા પ્રોજેક્ટ માટે ફંડ આપવા છૂટ મળી રહેશે. બેંકોની એનપીએ ઘટશે અને ઉદ્યોગોને વધારે ધિરાણ આપી શકાશે.
– નેશનલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન માટે રૂ.૬૦ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેનાથી ભારત હવે ઇનોવેશન ક્ષેત્રે વિશ્વમાં અન્ય દેશોની સરખામણીએ આગળ વધી શકશે.
– કોન્ટ્રાક્ચ્યુઅલ ડિસ્પ્યુટને કારણે સેટલ કરવા માટે રિકન્સિલેશન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ઘણા પ્રોજેક્ટો કે જે ડિસ્પ્યુટના કારણે લોસમાં જતા હતા તેવા કેસોમાં નિવેડો આવવાની સંભાવના વધી જશે.
– સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન ૧૦૦ નવાં શહેરોમાં આવવાથી સીએનજી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનો ધંધો કરતા તથા તેની કિટ બનાવનારા ઉદ્યોગપતિઓને ઘણો ફાયદો થવાની સંભાવના છે.
– પીપીપી મોડ ઉપર પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હેઠળ ર૦ હજાર બસો ફાળવવા અંગે રૂ.૧૮ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેનાથી ટાયર ટુ અને ટાયર થ્રી સિટીના બસ સ્ટેશનોની સુવિધામાં વધારો થશે.