Charchapatra

2002 પહેલાનું સુરત

મતદાર વિશેષ સુધારણા કાર્યક્રમ(SIR) ની કામગીરી સુરતમાં ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષ 2002નાં મતદારો અને તેઓનાં સંબંધીઓની વિગતો માંગવામાં આવી રહી છે. કોટ વિસ્તારમાં રહેતા લોકો 2002 પછી સુધીમાં કોટ બહાર રહેવા ગયા છે. એવા મતદારોના નામ 2002ની યાદીમાં શોધી રહ્યા છે. 2002 વર્ષ પહેલાં સુરતમાં મૂળ જ્ઞાતિ કણબી, ખત્રી, મોઢ વણિક અને રાણા સમાજનાં લોકો કોટ વિસ્તારમાં રહેતા હતા. પહેલા કોટ વિસ્તારમાં રહેતા લોકો સંયુક્ત પરિવારમાં રહેતા હતા. વર્ષ 2002ની યાદી જોતા ખ્યાલ આવશે કે તે સમયે દરેક ઘરોમાં મોટા મોટા પરિવારો વસવાટ કરતા હતા. એક ઘરમાં 20 થી 30 મતદારો એક સામાન્ય બાબત હતી.

અમારા સલાબતપુરા વિસ્તારમાં બે-ત્રણ ગાળાની બે માળની હવેલીમાં 71 જેટલા મતદારો નોંધાયેલા હતા. જ્યારે એક મકાનમાં 51 મતદારો નોંધાયેલા હતા. એવા ઘણાં મકાનો હતા જેમાં 20, 25 અને 35 થી વધુ મતદારોના નામો નોંધપાત્ર હતા. સુરતની શેરીઓ ભરચક રહેતી હતી અને શેરીઓમાં સેંકડો બાળકો પારંપરિક રમતો રમતા દેખાતા. સુરત નાનું હતું પણ સુરતીઓ સુખી હતા ટ્રાફિક,ગેરકાયદેસર દબાણો, ચોરી, લૂંટફાટ વિ. જેવી સમસ્યાઓ નહિવત હતી. આજે સુરતનો ખૂબ વિકાસ થયો પરિણામે સુરત પચરંગી શહેર બની ગયું. મૂળ સુરતીઓ લઘુમતીમાં મુકાઈ ગયા. આજે મૂળ સુરતીઓની કોઈ વોટબેંક રહી નથી. આજે વિકાસના વંટોળમાં તળ સુરતની ઓળખ ખોવાઈ ગઈ છે!
સલાબતપુરા, સુરત- કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top