SURAT

સુરતમાં બની વિચિત્ર ઘટનાઃ દસમા માળે મધપૂડો પાડવા ચડેલો યુવાન દોરડું ફસાતા લટકી પડ્યો, અને..

સુરત: (Surat) અલથાણ-ભીમરાડ રોડ પરના સિદ્ધી પેલેસ બિલ્ડિંગના 10માં માળે મધમાખીઓએ મધપૂડો (Bee-Hive) બનાવી દેતા અહી રહેતા લોકોમાં ડર છવાયો હોવાથી મધપૂડો પાડવા માટે ઝુંપડપટ્ટીમાંથી યુવક બોલાવાયો હતો. જો કે મધપૂડો પાડતી વખતે 10માં માળની દિવાલ પર દોરડાની મદદથી લટકી રહેલા યુવકનો પગ રેલિંગ પરથી છટકી જતા તેણે બેલેન્સ ગુમાવ્યું હતું. તેથી યુવાન પર જીવનું જોખમ ઊભું થતાં ફાયરને જાણ (Fire Department) કરવામાં આવી હતી.

  • દસમા માળે મધપૂડો પાડવા ચડેલો યુવાન દોરડું ફસાતા લટકી પડ્યો, ફાયરે બચાવ્યો
  • અલથાણ-ભીમરાડ રોડના સિદ્ધી પેલેસ બિલ્ડિંગમાં 10માં માળે મધપૂડો હોવાથી લિંબાયતની ઝુંપડપટ્ટીના યુવાનને બોલાવ્યો હતો
  • યુવાને દોરડા પરનું બેલેન્સ ગુમાવતા તેના જીવ પર જોખમ ઊભું થયું હતું, ઈજાને કારણે સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો

ફાયરના લાશ્કરોએ દોડી આવીને દોરડા પર લટકી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલા યુવકને હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્કયુ કરીને બચાવી લેવાયો હતો. દોરડું ટાઈટ થઈ જવાને કારણે યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિ.માં ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, દોરડું પર લટકી ગયેલો યુવાન લિંબાયતમાં ઝુંપડપટ્ટીમાં રહેતો 18 વર્ષીય ચંદનકુમાર શ્યામકુમાર હતો. દોરડું તેની કમરમાં ફસાઈ ગયું હતું. જો ધાબા પર દોરડું પકડીને ઊભા રહેલા લોકો દોરડું ખેંચે તો તેને વધુ ઈજા થવાનો ભય હોવાને કારણે સ્થિતિ વિકટ બની હતી.

ફાયર વિભાગે શહેરની અલગ અલગ વિસ્તારની 9 હોસ્પિટલમાં મોકડ્રિલ કરી
સુરત: શહેરમાં મનપાના ફાયર વિભાગે રવિવારના રોજ શહેરની અલગ અલગ વિસ્તારની અલગ અલગ સમયે 9 હોસ્પિટલમાં મોકડ્રિલની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગતા સમયે દર્દીઓનું રસ્તો કેવી રીતે કરવો તે અંગેની કામગીરી ઉપર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું અને હોસ્પિટલના સંચાલકો તેમજ સ્ટાફને સાવચેતી રાખવા માહિતગાર કર્યા હતા.

ડિવીઝનલ ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું કે, મોકડ્રિલ કરતી વખતે પહેલાથી હોસ્પિટલ સાથે યોગ્ય સંકલન કરી લેવામાં આવે છે. તેની સાથે અન્ય લોકો કે, જ્યારે આગ લાગતી હોય છે. ત્યારે બીજા વિભાગની જવાબદારી હોય છે. તેમને પણ હવે સંકલનમાં લઈ લેવામાં આવે છે. જેમકે ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ગેસ લાઇન સાથે સંકળાયેલા વિભાગ, અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાતા હોય છે. મોકડ્રિલ દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન દરમ્યાન જે પણ તકલીફો સામે આવે તેનું જે તે હોસ્પિટલના સંચાલકો સાથે વાતચીત કરીને તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હોસ્પિટલના સ્ટાફને પણ આવી સ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી તેને લઈને સમજ આપવામાં આવી હતી. રવિવારના રોજ શહેરની અલગ અલગ 9 જેટલી હોસ્પિટલમાં મોકડ્રિલ યોજી હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્કયુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કતારગામની પ્રેમવતી હોસ્પિટલ, પાલનપુર કેનાલ રોડ પરની મમતા હોસ્પિટલ અને વીફોરયુ હોસ્પિટલ, ડિંડોલીની બાબા મેમોરિયલ, વરાછાની લાઠિયા વુમન હોસ્પિટલ, લાલદરવાજાની પરમ હોસ્પિટલ, પાંડેસરાની સુવિધા હોસ્પિટલ, યોગીચોકની ક્રિવા વુમન હોસ્પિટલ, અઠવા ગેટની ટ્રાય સ્ટાર હોસ્પિટલ તેમજ સચિનની શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મોકડ્રિલની કામગીરી કરવામાં આવી હતી.

Most Popular

To Top