બારડોલી: (Bardoli) બારડોલી ગ્રામ્ય પોલીસે (Police) કડોદ નજીકથી એક કારમાંથી 40 હજારનો વિદેશી દારૂ (Alcohol) ઝડપી ત્રણ બુટલેગરોની ધરપકડ કરી હતી. ત્રણ પૈકી એક પોલીસમાં જીઆરડી (ગ્રામ રક્ષક દળ) તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- બારડોલીના કડોદથી વિદેશી દારૂ સાથે જીઆરડી જવાન સહિત ત્રણ પકડાયા
- કાર કડોદ કામરેજ થઈ વરાછા થી સુરત શહેરમાં જવાની હતી
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા નાતાલના તહેવારને લઈને 23મી ડિસેમ્બર 2023 થી 1લી જાન્યુઆરી 2024 સુધી સ્પેશ્યલ પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે . જે અનુસંધાને બારડોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર જીજે 27 એપી 6652માં ચોર ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે અને આ કાર કડોદ કામરેજ થઈ વરાછાથી સુરત શહેરમાં જનાર છે. આ બાતમી મળતા જ પોલીસે કડોદ ભીંડી બજારથી વઢવાણિયા તરફ જતાં રોડ પર વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી મુજબની કાર આવતા જ પોલીસે તેને રોકી તપાસ કરી હતી. કારમાં ચાલક અને તેની બાજુમાં એક ઈસમ તેમજ પાછળ એક ઈસમ બેઠા હતા. તેઓને બહાર કાઢી કારમાં તપાસ કરતાં પાછળની સીટની નીચે તથા પાછળના બમ્પરમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે 404 બોટલ કિમત રૂ. 40400, મારુતિ સ્વિફ્ટકાર કિંમત રૂ. 3 લાખ અને અંગઝડતીના 1900 રૂપિયા મળી કુલ 3 લાખ 42 હજાર 300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ સાગર જયેશ પટેલ (રહે કલકવા, નેવા ફળિયા, તા. ડોલવણ જી. તાપી), વિકાસ સવીલાલ વસાવા (જીઆરડી જવાન) અને વિનોદ સૂખાભાઈ વસાવા (બંને રહે બલદવા, બામલ્લા ફળિયા, તા. નેત્રંગ, જી. ભરુચ)ની ધરપકડ કરી હતી. વિકાસ વસાવા ભરુચ જિલ્લામાંજીઆરડી જવાન તરીકે કામ કરતો હોવાનું જાણવા મળે છે. ત્રણેય આરોપીઓએ તાપી જિલ્લાના નિઝર તાલુકાનાં ખડકાપાની ખાતે રહેતા અવિનાશ ઉર્ફે અશ્વિન વસાવે પાસેથી દારૂ લાવી સુરતના વરાછામાં રહેતા યોગેશ ઉર્ફે દક્ષેશ પટેલને આપવામાં હતા. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.