બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાની નાંડીદા ચોકડી પાસે ટ્રકની (Truck) અડફેટે મોપેડ સવાર સુરતના (Surat) યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના વેડ રોડ પર આવેલી અખંડ આનંદ કોલેજની આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા કૈલાશ બલીરામ વાઘ (ઉ.વર્ષ 42) ગત 17મીના રોજ મોપેડ પર મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લગ્ન (Marriage) પ્રસંગે ગયા હતા. ત્યાંથી શનિવારે સાંજે પરત ફરી રહ્યા હતા ત્યારે બારડોલી સુરત રોડ પર નાંદીડા ચોકડી પાસે પુરઝડપે આવતી એક ટ્રકના ચાલકે તેમની મોપેડને ટક્કર મારતાં ગંભીર ઇજાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે મૃતકના ભાઈ દેવરામ વાઘની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી હતી.
વાંસદાના નાની ભમતી ગામમાં ટ્રીપલ અકસ્માતમાં એકનું મોત
વાંસદા : પોલીસ સૂત્રથી પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના નાની ભમતી ગામે વાંસદા – ચીખલી રોડ ઉપર ફાર્મ ફળિયા ખાતે બાઇક નંબર 0444નો ચાલક જયકુમાર મીનુભાઈ દવિયરવાલા (રહે. બારતાડ, પારસી ફળિયું તા. વાંસદા)એ પોતાની મોટર સાયકલ પુરઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારી લાવી મોપેડ મો.સાયકલ નં. GJ 21 BQ 3983 ના ચાલક તથા એક અન્ય સ્પ્લેન્ડર મો. સાયકલ નં. GJ 10 AR 3359 ના ચાલક સાથે અથડાવી ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મો.સાયકલ ચાલક જયકુમારનું મોત નિપજ્યું હતું, અને અન્ય બંને મો.સાયકલ ચાલક તેમજ જયકુમારની બાઇક પાછળ બેસેલી વ્યક્તિને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ સમગ્ર બનાવ અંગે મરનારના પિતા મીનુભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દેડિયાપાડાના દેવીપાડા ગામ પાસે એસ.ટી. અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત
દેડીયાપાડા : દેડિયાપાડા તાલુકાના દેવીપાડા અને બોમ્બે કંપની વચ્ચે વળાંકમાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થતાં છકડો રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ જેટલા લોકો ઘાયલ થયા છે. અકસ્માત થતા સરકારી એસ.ટી. બસનો ડ્રાઈવર બસ મુકીને ફરાર થઇ ગયો હતો. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એસ.ટી. બસ ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
દેડિયાપાડા તાલુકાના દેવીપાડા અને બોમ્બે કંપની વચ્ચે વળાંકમાં કુકરમુંડાથી સુરત જઇ રહેલી એસ.ટી. બસ નંબર GJ-18-z-7906ના ચાલકે પોતાની એસ.ટી. બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા તેની ટક્કર છકડો રિક્ષા નં.GJ-21-v-6274 સાથે થતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં બેસેલી વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. જેમાં સાગબારા તાલુકાના ડોરઆંબા ગામે રહેતા 65 વર્ષિય ગોનજી સામા વસાવાને માથાના પાછળના ભાગે તથા કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી બસ ચાલક બસ મુકી ફરાર થઈ ગયો હતો. આ અંગે રિક્ષા ડ્રાઈવર તથા અન્ય બે વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર એસટી બસ મુકીને ચાલક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. છકડો રિક્ષાના ચાલક અમેશ શનિયા વસાવે (રહે. અક્કલકુવા, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) એ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બસના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.