SURAT

2000ની નોટો સ્વીકારવામાં સુરતની બેન્કોની આડોડાઈથી ગ્રાહકો પરેશાન

સુરત: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા ગત શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડી તા. 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધી કોઈપણ નાગરિક કે જે બેંકમાં (Bank) ખાતું ધરાવતો હોય કે ન હોય એવા તમામને 2000 રૂપિયાની 10 ચલણી નોટ કોઈપણ પ્રકારના પુરાવા માંગ્યા વિના બદલી આપવાનો આદેશ જાહેર કર્યો હતો.

  • કોઈપણ પુરાવા માંગ્યા વિના 2000 રૂપિયાની નોટ બદલી આપવાનો RBI નો આદેશ છતાં
  • સ્ટેટ બેંકે કોઈપણ ડોક્યુમેન્ટ માંગ્યા વિના નોટ બદલી આપવા પરિપત્ર બહાર પાડ્યો છતાં અન્ય બેંકો માનતી નથી

સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા સિવાય એકપણ નેશનલાઇઝ, પ્રાઇવેટ અને સહકારી બેંકોએ આ નોટિફિકેશનનો અમલ કર્યો નથી. બેંકો દ્વારા એનેક્ષર ફોર્મ-ડેકલેરેશન ફોર્મ સાથે વ્યક્તિની ઓળખના પુરાવાઓ માંગવામાં આવતા ગ્રાહકો સાથે રોજ તકરારો વધી છે. ગ્રાહકો અને ગ્રાહક મંડળોએ આ મામલે એસબીઆઈ ડિજીએમથી લઈ લીડ બેન્ક મેનેજર સુધી ફરિયાદો કરી આરબીઆઇનાં નિર્ણયનો અમલ કરાવવા માંગ કરી છે.

બેંકો આરબીઆઇનાં પરિપત્રનું ઉલ્લંઘન નહીં કરી શકે,કરે તો આરબીઆઇ પેનલ્ટી સુધીના પગલાં લઈ શકે છે. આરબીઆઇએ 23 મે 2023થી બેંકોને કોઈપણ પુરાવા લીધા વિના કે ડેકલેરેશન ફોર્મ ભરાવ્યાં વિના 2000 રૂપિયાની 10 નોટ બદલી આપવા બેંકોને આદેશ આપ્યો હતો,એ ને પગલે નોટ બદલવા આવતા સામાન્ય પરિવારો, કારીગર વર્ગ અને રોડ સાઈડ નાનો વેપાર કરતા લોકો હેરાન થઈ રહ્યાં છે.

ફોર્મ ભરાવનાર, પુરાવા માંગનાર બેંકોની RBIમાં નામજોગ ફરિયાદ કરીશું
ગ્રાહક સુરક્ષા વિકાસ અને સંશોધન કેન્દ્રનાં પ્રમુખ રહેલા કલ્પેશ બારોટે જણાવ્યું હતું કે, સુરત શહેરની મોટા ભાગની બેંકો 2000 રૂપિયાની નોટ બદલવા જતા ગરીબ,કારીગર,મજૂર વર્ગને હેરાન કરી રહી છે. સ્ટેટ બેન્ક સિવાયની ઘણી બેંકો સામે અમને ફરિયાદ મળી છે.

અમે આરબીઆઇ ગવર્નર અને સુરતનાંજિલ્લા રજીસ્ટ્રાર સહકારી બેંકોને આવી બેંકો વિરુદ્ધ કાર્યવાહી કરવા નામજોગ ફરિયાદ કરીશું કે,રિઝર્વ બેંકના નિર્ણયનો અમલ નહીં કરનાર બેંકો સામે કાર્યવાહી કરવામાં આવે,બેંકોના કર્મચારીઓ એમની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરી રહ્યાં છે.જો તેઓ વર્તન નહીં સુધારે તો અમે બેંકોને તાળા મારવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું.

મોટી રાષ્ટ્રીયકૃત બેંકોમાં રોજ 12થી 15 કરોડ અને સહકારી બેંકોમાં 6થી 9 કરોડની નોટ ડિપોઝીટ થઈ રહી છે
સુરતની ઇકોનોમીમાં સરક્યુલેશનમાં રહેલી અને મોટા ભાગે સરક્યુલેશનમાં નહીં રહેલી 2000ની નોટ સુરતની રાષ્ટ્રીય કૃત પ્રાઇવેટ અને સહકારી બેંકોમાં ડિપોઝીટ થઈ રહી છે. મોટી રાષ્ટ્રીયકૃત બેંકોમાં રોજ 12 થી 15 કરોડ અને સહકારી બેંકોમાં 6થી 9 કરોડની નોટ ડિપોઝીટ થઈ રહી છે.

10થી ઓછી શાખાઓ ધરાવનાર બેંકોમાં સરેરાશ 3 કરોડ જેટલી 2000ની નોટ ડિપોઝીટ થઈ રહી છે. એક અંદાજ પ્રમાણે આજે 70 કરોડની નોટબદલી થઈ હતી અને 150 કરોડની કિંમતની 2000ની નોટ બેંકોમાં ડિપોઝીટ સ્વરૂપે આવી હતી. જોકે ગઈકાલ કરતા આજે ધસારો ઓછો હતો.

ઓળખના પુરાવા વિના બેન્ક ગ્રાહકની 20,000 રૂપિયાના મૂલ્યની નોટ બદલી આપે એ યોગ્ય નથી: સિટીઝન કાઉન્સિલ
સુરત સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટનાં અઘ્યક્ષ શરદ કાપડિયાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરને પત્ર લખી ગ્રાહકના ઓળખના પુરાવા વિના બેન્ક 20,000 રૂપિયાના મૂલ્યની નોટ બદલી આપે એ બાબત બેન્કિંગ સેક્ટર માટે યોગ્ય નથી.

પત્રમાં તેમને કહ્યું હતું કે, અમે RBIના 2000ની નોટ ચલણમાંથી પરત લેવાના નિર્ણયનું સમર્થન કરીએ છીએ પણ સંબંધિત વ્યક્તિની કોઈપણ ઔપચારિક ઓળખ રેકોર્ડ કર્યા વિના બેંક કાઉન્ટર દ્વારા 20,000 બદલી આપવાનો નિર્ણય યોગ્ય નથી. વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવા દરેક વ્યક્તિ પાસે આધારકાર્ડ, પાન કાર્ડ, મતદાર આઇડી અને રોજગાર પુરાવો ધરાવતા ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ ઉપલબ્ધ છે જ, નોટબંધી પછી જુલાઈ 2016માં 1,000 અને 500ની આ નોટોના લગભગ તમામ પૈસા ચલણમાં રહ્યા હતા છતાં અર્થતંત્રમાંથી કાળા બેહિસાબી નાણાને દૂર કરવાનો ઉમદા હેતુ સિદ્ધ થઈ શક્યો નથી.

પુરાવા વિના નાણાં આપવાની જોગવાઈને લીધે સમગ્ર કવાયત નિષ્ફળ જવાની શક્યતા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કે જે વધુ સારી રીતે નાણાં વ્યવસ્થાપન માટે સમજદારી માટે જાણીતી છે તેને પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડશે. તેથી નોટિફિકેશનમાં તાકીદે સુધારો કરવામાં આવે અને બેંકો અને નાણાકીય સંસ્થાઓને વ્યાપક મીડિયા પ્રચાર, સંબંધિત આદેશ આપવામાં આવે. નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શક બનવા માટે તમારી સમયસરની કાર્યવાહી ફાયદાકારક, ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે.

Most Popular

To Top