સુરત: (Surat) લોકડાઉન દરમિયાનના મોરેટોરિયમ પીરિયડ બાદ લોનના બાકી હપ્તાને નોન પ્રોફેટિંગ એસેટમાં ગણવા કે નહીં તે અંગેની કોઈ માર્ગદર્શિકા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (RBI) જાહેર નહીં કરતા રાષ્ટ્રીયકૃત અને સહકારી બેન્કોની (Bank) સ્થિતિ કફોડી બની છે. સામાન્ય રીતે ખાતુ એનપીએ કે ડિફોલ્ટ નાણાકીય વર્ષના અંતે થયુ હોય છે,જ્યારે લોકડાઉન દરમિયાન મોરેટોરિયમ પીરિયડ માર્ચથી ઓગસ્ટ-2020 સુધી હતો. તે જોતા 31 માર્ચ 2021 સુધી આવા ખાતેદારોને ડિફોલ્ટર ગણવા કે કેમ? તેને લઇને આરબીઆઇએ કોઇ ગાઇડલાઇન પ્રસિધ્ધ નહીં કરતા બેંકોનો એનપીએ વધવાની શક્યતા છે. જો બેંકો આ ખાતાઓને એનપીએ ગણે તો લાખો ખાતેદારો સિબિલ સ્કોર ગુમાવે તેવી શક્યતા છે. એવી સ્થિતિમાં અનેકોને ફરી લોન (Loan) નહીં મળી શકશે.
કોરોના મહામારીના લીધે રિઝર્વ બેન્ક મારફતે બેન્કોને માર્ચ 2020થી ઓગસ્ટ 2020 સુધી મોરેટોરિયમ પીરિયડ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન લોનના હપ્તામાં માફી આપવામાં આવી હતી. આ સાથે જ જો કોઈ ધિરાણનું ખાતું નોન પર્ફોમિન્ગ એસેટ એટલે કે એનપીએ થતું હોય તો તે પણ નહીં કરવા સૂચના અપાઈ હતી. જોકે, સપ્ટેમ્બર 2020થી મોરેટોરિયમ ઉઠાવી લેવા સાથે લોનના હપ્તાની રાબેતા મુજબ વસૂલાત શરૂ કરાઈ હતી. પરંતુ એનપીએની ગણતરી કેવી રીતે કરવી તે અંગે કોઈ માર્ગદર્શિકા જાહેર કરાઈ નહોતી, જે હજુ સુધી જાહેર કરાઈ નથી. તેથી બેન્કો અસમંજસમાં મુકાઈ ગઈ છે.
બેન્કિંગ તજજ્ઞ ડો. જતીન નાયક કહે છે કે કોઈ પણ લોનધારક 90 દિવસ એટલે કે 3 મહિના હપ્તો નહીં ભરે તો તે ખાતું એનપીએ થાય તેવો નિયમ છે. એપ્રિલ 2020માં મોરેટોરિયમ જાહેર થયું તે પહેલાં અનેક લોનના ખાતા એનપીએ થવાની આડે હતા. મતલબ કે કેટલાંક એકાઉન્ટમાં 2 મહિનાના હપ્તા આવ્યા નહોતા અને 80-85 દિવસ થઈ ગયા હતા. આવા એકાઉન્ટનો ત્રીજો હપ્તો 86 મો દિવસ સપ્ટેમ્બર 2020થી ગણવો કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા જાહેર થઈ નથી. તેથી આવા એનપીએની આડે આવી ચૂકેલા એકાઉન્ટને સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 વધુ 8 મહિના મળી ગયા છે. આ સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે કોઈ નિર્દેશ જાહેર કર્યા નથી. તેથી બેન્કો અસમંજસમાં છે. માર્ચ નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો છે. બેન્કોએ બેલેન્સશીટ અને ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાના હોય છે. એનપીએની ગણતરી જ નહીં થઈ શકતી હોય બેન્કોનું આર્થિક ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી.