SURAT

કામરેજના વેપારીની જાણ બહાર તેનું ખાતું ખોલાવી 13 કરોડનું ટ્રાન્ઝેકશન થઇ ગયું, ITની નોટિસ આવી ત્યારે ખબર પડી

સુરત: (Surat City) શહેરના કામરેજ ખાતે રહેતા રેતી-કપચીના વેપારીના મિત્રએ વિશ્વાસમાં લઈ સેવિંગ એકાઉન્ટની જગ્યાએ કરંટ એકાઉન્ટના ફોર્મ ઉપર સહી કરાવી હતી. બાદમાં કરંટ એકાઉન્ટનો (Bank Account) વેપારીના મિત્રએ અન્ય બે જણા સાથે મળી ખોટી રીતે ઉપયોગ કરી તે એકાઉન્ટમાં 13.13 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ઇન્કમટેક્સની નોટિસ આવતાં ચોંકી ગયેલા વેપારીની ફરિયાદના આધારે પોલીસે (Police) બેની ધરપકડ કરી હતી.

કઠોદરાગામમાં સોમેશ્વર વિલામાં રહેતાં રેતી કપડીના વેપારી રીતેશ નરશીભાઇ કાછડિયાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં એમ.જે.ટ્રેડર્સના મુખ્ય કર્તા હર્તા જાહિદ અનવર શેખ (યુ.જી.-૪૬ સિલ્વર પ્રાઝા રૂપાલી સિનેમા સામે રાંદેર રોડ), ભાવેશ પરેશભાઈ પેટીગરા (રહે.ઘ.નં.ડી-૩૦2,પાશ્ર્વનાથ કોમ્પલેક્ષ મહાલક્ષ્મી મંદીર પાસે અડાજણ) અને મુકેશભાઈ વલભભાઈ ધાડીયા (ઉ.વ.૪૩ રહે. ઘ.નં., ૭૧, માધવપાર્ક સોસાયટી રેલ્વે સ્ટેશન સામે ઉતરાણ અમરોલી, મૂળ રહે. ડોબરીવાડી અમરનગર રોડ જેતપુર જીલ્લો.રાજકોટ) ની સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે. ગત જુલાઈ 2020 થી લઈને નાના વરાછા ખાતે આવેલા નિલકંઠ પ્લાઝામાં ઓફિસ નં.૪૧૬માં ત્રણેય આરોપીઓએ કાવતરૂ રચ્યું હતું.

ભાવેશ પેટીગરા એ.યુ.સ્મોલ ફાયનાન્સ બેન્કમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. તેને મહિને સેવિંગ એકાઉન્ટ ખોલવાના ટાર્ગેટ પૂરા કરવાનાં હોય છે. મુકેશ એ રીતેશનો મિત્ર હોવાથી ભાવેશ અને જાહિદ સાથે તેની મુલાકાત મુકેશએ કરાવી હતી. બાદમાં રીતેશને વિશ્વાસમાં લઈ તેનું સેવિંગ એકાઉન્ટ ખોલવાનું છે કહીને કરંટ એકાઉન્ટના ફોર્મ ઉપર પણ સહી લઈ ખાતું ખોલી દેવાયું હતું. રીતેશની પ્રોપાઈટરશીપથી રોયલ એન્ટરપ્રાઈઝ નામથી કરંટ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેના નામે 13.13 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાયું હતું. ઇન્કમટેક્ષ વિભાગની નોટિસ આવતા રીતેશ ચોંકી ગયો હતો. તપાસ કરતા તેના મિત્રએ જ તેની સાથે ચીટિંગ કર્યું હોવાનું બહાર આવતા તેમણે કરેલી ફરિયાદના આધારે પોલીસે ભાવેશ અને મુકેશની ધરપકડ કરી છે.

આ કરંટ એકાઉન્ટ જાહિદ શેખ વાપરતો હતો
ભાવેશએ રીતેશની પ્રોપાઈટરશીપથી રોયલ એન્ટરપ્રાઈઝ નામથી કરંટ બેન્ક એકાઉન્ટ ખોલાવી જાહિદ અનવર હુસેન શેખને વાપરવા આપ્યું હતું. રીતેશના નામના કરંટ એકાઉન્ટમાં તેની સહી કરીને તેના જાણ બહાર આ કરંટ બેન્ક એકાઉન્ટમાં ચેકો RTGS તથા IMPS અને NEFT મારફતે કુલ ૧૩,૧૩,૧૭,૮૭૩ ના નાણાંકીય વ્યવહાર કરાયા હતા. અને રીતેશની સામે ઇન્કમટેક્ષની જવાબદારી ઉભી કરાઈ હતી.

Most Popular

To Top