SURAT

સુરત-બેંગ્કોકની ફ્લાઈટ થશે શરૂ, ટેક્ઓફ-લેન્ડિંગનું શિડ્યુલ જાણી લો..

સુરત: સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીને કરવામાં આવેલી રજૂઆત ફળી છે. સુરતથી ઓપરેશન ધરાવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઇન્ડિગો એરલાઇન્સ સાથે બુર્સ કમિટીના આગેવાનોની બેઠક પછી એર ઇન્ડિયા એક્સપ્રેસે બેંગકોક-સુરત-બેંગકોક ફ્લાઇટ માટે રસ દાખવ્યો હતો.

  • સુરત ડાયમંડ બુર્સના સંચાલકોએ વડાપ્રધાનને કરેલી રજૂઆત ફળે એવી શક્યતા
  • બેંગકોક-સુરત-બેંગકોક ફ્લાઇટ માટે એર ઇન્ડિયા એક્સપ્રેસે માંગેલો સ્લોટ મંજૂર કરાયો
  • એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સ વચ્ચેના લાંબા સંવાદ પછી 1 સપ્ટેમ્બરથી સુરત એરપોર્ટ ફ્લાઇટ માટે સજ્જ હોવાનો રિપોર્ટ DGCAને મોકલાયો
  • બેંગકોકથી ટેક ઓફ થયેલી ફ્લાઇટ સુરત એરપોર્ટ પર રાતે 10 કલાકે લેન્ડ થાય અને બીજા દિવસે બપોરે 12 વાગ્યે સુરતથી બેંગકોક માટે ટેક ઓફ થાય એવો સ્લોટ મંજૂર કરાયો

એરપોર્ટ ઓથોરિટીનાં સૂત્રોના જણાવ્યા મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસે બેંગકોકના સુવર્ભભૂમિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટેકઓફ થયેલી ફ્લાઇટ રાતે 12 કલાકે ફ્લાઇટ સુરત એરપોર્ટ લેન્ડ થાય અને એ પછી સુરતથી બેંગકોક માટે ટેકઓફ થાય એવો સ્લોટ મંજૂરી માટે મોકલ્યો હતો.

જોકે સુરત એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સર્વિસનો સ્ટાફ ઓછો હોવાથી એરલાઇન્સને બેંગકોકથી નીકળેલી ફ્લાઇટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રાતે 10 કલાકે લેન્ડ થાય અને બીજા દિવસે બપોરે 12 વાગ્યે સુરતથી બેંગકોક માટે ટેક ઓફ થાય એવો સ્લોટ સુધારો મોકલાયો હતો. જે એરલાઇન્સે માન્ય રાખતાં એરપોર્ટ ઓથોરિટીએ આ દ્વીપક્ષીય મંજૂરીનો પત્ર ઔપચારિકતા માટે DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) વિભાગને મોકલી આપ્યો છે.

સુરતના એરપોર્ટ ડાયરેક્ટર એસ.સી.ભાલસેએ પત્રકારોને જણાવ્યું હતું કે, “બેંગકોક-સુરત-બેંગકોક ફ્લાઇટ માટે એર ઇન્ડિયા એક્સપ્રેસે માંગેલો સ્લોટ મંજૂર કરવા આવ્યો છે અને એને લગતી વિગતો DGCAને મોકલી દેવામાં આવી છે.

વીકમાં 5 દિવસ બેંગકોક-સુરત-બેંગકોક ફ્લાઇટ ઓપરેટ થશે
એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરતથી શારજાહ અને દુબઈની ફ્લાઇટ પછી બેંગકોકના સુવર્ભભૂમિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની ત્રીજી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે તૈયારીઓ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ એરલાઇન્સ સાથે લાંબો સમય ચાલેલા ડિજિટલ પત્રવ્યવહાર પછી એરલાઇન્સે વીકમાં 5 દિવસનો સ્લોટ મંજૂર કરાવ્યો છે, એ મુજબ મંગળવાર અને ગુરુવાર સિવાય બાકીના પાંચ દિવસ આ ફ્લાઇટ ઓપરેટ થઈ શકે છે.

ચેન્નાઈથી ડોમેસ્ટિક ફ્લાઇટ સુરત આવશે અને સુરતથી આ ફ્લાઇટ બેંગકોક જવા ઇન્ટરનેશનલમાં તબદીલ થશે. એવી જ રીતે બેંગકોકથી સુરત ઇન્ટરનેશનલ ફ્લાઇટ પૂર્ણ થશે અને સુરતથી ચેન્નાઈ ડોમેસ્ટિક તરીકે જશે. સુરતથી બપોરે બેંગકોક જતી ફ્લાઇટ માટે IX 178 STV અને બેંગકોકથી સુરત આવતી ફ્લાઇટ માટે BKKથી IX 179 ફ્લાઇટ ક્રમાંક રાખવામાં આવ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

જેમ એન્ડ જ્વેલરી, ઈલેક્ટ્રિક ગુડ્ઝ અને ટુરિઝમ ઉદ્યોગને મોટો લાભ થઈ શકે
સુરત ડાયમંડ બુર્સ કમિટીની માંગણી મુજબ એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા બેંગકોક-સુરત-બેંગકોક ફ્લાઇટ માટે વીકમાં 5 દિવસનો સ્લોટ થોડાક ફેરફાર સાથે મંજૂર કરાવવા સાથે બેંગકોકના સુવર્ભભૂમિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્થાયી સ્ટેશન તરીકે પણ ત્રણ મહિના અગાઉ મંજૂરી મેળવી લેવાઇ હતી. એ રીતે એરલાઇન્સ હવે સુરત અને બેંગકોક બંને ઇન્ટરનેશનલ સ્ટેશન ધરાવે છે.

આ ફ્લાઇટના શરૂ થવાથી જેમ એન્ડ જ્વેલરી, ઇલેક્ટ્રિક ગુડ્ઝ અને ટુરિઝમ ઉદ્યોગને મોટો લાભ થઇ શકે છે. હીરા, ઝવેરાત ઉદ્યોગને બેંગકોકથી સિંગાપોર, લંડન, બ્રસેલ્સ, ન્યૂયોર્કની એર કનેક્ટિવિટી પણ મળી શકે છે. સુરતમાં વાયા બેંગકોક મોબાઈલ ફોન અને એને લગતી એસેસરીઝનો વેપાર કરતા લોકોને પણ લાભ થઈ શકે છે. વિશેષ કરીને ઉનાળુ અને દિવાળી વેકેશનમાં મુંબઈ, દિલ્હીથી બેંગકોક જતાં પ્રવાસીઓને, સ્થાનિક ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ એનો લાભ મળી શકે છે.

સુરત એરપોર્ટ પર 6 એટીસી અધિકારીની ઘટ
સુરત એરપોર્ટ પર એર ટ્રાફિક કન્ટ્રોલર અધિકારીની મંજૂર પોસ્ટ 23માંથી 6 અધિકારીની તાજેતરમાં બદલી થતાં કુલ એટીસીની સંખ્યા 17 રહી છે. બદલી પામેલા 6 અધિકારીની સામે નવી નિયુક્તિ ન થતાં મોડે સુધી નાઈટ ઓપરેશન અને પરોઢ સુધી એર ઓપરેશન શક્ય બન્યું નથી.

વિવિધ વિભાગોમાં સ્ટાફની ઘટને લીધે સુરત એરપોર્ટ પર 24 બાય 7 ઓપરેશન અગાઉ મંજૂરી મળ્યા પછી સ્થગિત રાખવામાં આવ્યું છે. નહીંતર રાતે 12 વાગ્યે એર ઇન્ડિયા એક્સપ્રેસને બેંગકોકથી આવતી અને કલાકના વિરામ પછી સુરતથી બેંગકોક માટે ટેક ઓફ થતી ફ્લાઇટનો સ્લોટ મળી શક્યો હોત.

Most Popular

To Top