સુરત: સુરત-બેંગકોકની ફર્સ્ટ ડે ફર્સ્ટ ફ્લાઇટને બમ્પર પ્રતિસાદ મળ્યો છે. સુરતથી બેંગકોક જવા માટે આજે 20 ડિસેમ્બરની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. બેંગકોકથી સુરત રિટર્ન ફ્લાઇટને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. બેંગકોકથી પરત આવતી ફ્લાઇટની 107 ટિકિટ બુક થઈ છે.
- બેંગકોકથી સુરત રિટર્ન ફ્લાઇટ માટે 107 ટિકિટ બુક થઈ
- બેંગકોક રૂટ પર મુંબઈ, અમદાવાદની તુલનાએ સુરતથી ટિકિટના દર ઓછા રાખ્યા
એરલાઇન્સે એકપણ રૂપિયાનો ખર્ચ કર્યો નહીં હોવા છતાં ફર્સ્ટ ડે ફર્સ્ટ ફ્લાઇટની 176 સીટર વિમાનની બેઠકોની ગણતરીએ 352માંથી 283 ટિકિટ વેચાઈ છે. 176 સીટર વિમાનની 8 ટિકિટ બિઝનેસ ક્લાસ માટે અને બાકીની 168 ઇકોનોમી ક્લાસની ટિકિટ છે.
ઈનોગ્રલ ફ્લાઇટ માટે એરલાઇન્સે કોઈ ડિસ્કાઉન્ટ આપ્યું નહીં હોવા છતાં પ્રમાણમાં સારું બુકિંગ મળ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે બેંગકોક રૂટ પર મુંબઈ, અમદાવાદની તુલનાએ સુરતથી ટિકિટના દર ઓછા રાખ્યા છે. તા.15/12/2023ના રોજ સુરત-દુબઈ-સુરત ફ્લાઇટને પ્રથમ દિવસે સુરતથી 136 અને દુબઈથી 70 પેસેન્જર મળ્યા હતા, એ હિસાબે સુરત-બેંગકોક-સુરત ફ્લાઇટને સારો પ્રતિસાદ મળ્યો છે.
ફર્સ્ટ ફ્લાઇટ 100 ટકા પેક જવી જોઈએ એ આશયથી કાલે બેંગકોક જઈશ: સુરતી પેસેન્જર
વેપાર માટે અમદાવાદ, મુંબઈ એરપોર્ટ થાઇલેન્ડની નિયમિત મુલાકાત લેનાર સુરતના એક પેસેન્જરે જણાવ્યું હતું કે, બેંગકોકમાં મુખ્ય કામ 30 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી છે. પણ સુરતથી 5000 રૂપિયા મોંઘી ટિકિટ મળશે તો પણ હું હવે બેંગકોક સુરતથી જઈશ. 20 ડિસેમ્બરની ઇનોગ્રલ ફ્લાઇટમાં મેં ટિકિટ બુક કરાવી છે. કોઈપણ સંજોગોમાં ફર્સ્ટ ફ્લાઇટ 100 ટકા પેક જવી જોઈએ એ આશયથી કાલે બેંગકોક જઈશ.
ચેન્નાઈ-સુરત ફ્લાઇટ પણ પ્રથમ દિવસે પેક થઈ
સુરત-બેંગકોક ફ્લાઇટ માટે વિમાન ચેન્નાઈથી સુરત આવશે. એના લીધે વીકમાં 4 દિવસની સુરત-બેંગકોક ઇન્ટરનેશનલ ફ્લાઇટ સાથે વીકમાં 4 દિવસની ચેન્નાઇ-સુરત-ચેન્નાઇની ડોમેસ્ટિક ફ્લાઇટ પણ મળશે. 20 ડિસેમ્બરે ચેન્નાઇથી સુરત આવી રહેલી ફ્લાઇટની 176માંથી 161 ટિકિટ બુક થઈ ગઈ છે. જ્યારે સુરતથી ચેન્નાઇની 107 ટિકિટ વેચાઈ છે. એ જોતાં આ ફ્લાઇટની 80 ટકા ટિકિટ બુક થઈ જવાનો અંદાજ છે.