સુરત: (Surat) સુરત એસઓજી પોલીસે (SOG Police) શનિવારે રાત્રે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનની બહાર મુંબઈ બ્રાંદ્રાથી ડ્રગ્સ લઈને આવેલી યુવતીને 19.79 લાખના 197.94 ગ્રામ ડ્રગ્સ (Drugs) સાથે ઝડપી પાડી હતી. એસઓજી પોલીસ રાત્રે 3 વાગ્યે રેલવે સ્ટેશનની બહાર વોચ રાખીને બેઠી હતી. ત્યાં રિક્ષામાં બેસતી વખતે જ તેને પકડી પાડી હતી. પોલીસે મુંબઈના (Mumbai) સોનું અને સુરતમાં ડ્રગ્સ મંગાવનાર સાજીદને વોન્ટેડ જાહેર કર્યા છે. જાણવા મળ્યા મુજબ સાજીદ ડ્રગ્સની એક એક ગ્રામની પડીકી બનાવી 2000થી લઈ 2500 રૂપિયા સુધીમાં વેચતો હતો.
સગરામપુરા નાતલાવડી ખાતે ફુટપાથ ઉપર રહેતી યાસ્મીનબાનુ ઉર્ફે મન્ના કાદરમીયા શેખ ડ્રગ્સની હેરાફેરી કરે છે. મન્ના હાલ મુંબઈ બ્રાંદ્રા ખાતેથી ડ્રગ્સ લઈને બ્રાંદ્રા ટર્મિનલ-ઉદેપુર ટ્રેનમાં બેસી સુરત આવી રહી છે. એવી બાતમીના આધારે એસઓજી પોલીસ રાત્રે 3 વાગ્યે રેલવે સ્ટેશનની બહાર વોચ રાખીને બેઠી હતી. ત્યાં રિક્ષામાં બેસતી વખતે જ મન્નાને પકડી પાડી હતી. મન્ના પાસેથી 19,79,400 રૂપિયાની કિમતનું 197.94 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે લીધું હતું. આ સિવાય મોબાઈલ ફોન અને રોકડા 540 રૂપિયા મળી કુલ 19,89,940 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. મહિલાને ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસે લાવી હોવાનું તથા કોને આપવાની હોવાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મન્નાનો જીજાજી મોહમદ સાજીદ સલીમ કુરેશી (રહે, ગોસીયા બેકરી પાસે, બડેખા ચકલા, અઠવા) ડ્રગ્સનું વેચાણ કરતો હતો. સાજીદે જ મન્નાને મુંબઈ સોનું પાસેથી ડ્રગ્સ લઈ આવવા માટે મોકલી હતી. જેથી મન્ના મુંબઈ જઈને ડ્રગ્સ લાવી સાજીદને આપવાની હતી. એસઓજીએ મન્નાને પકડી સાજીદ અને સોનુંને વોન્ટેડ જાહેર કર્યો છે.
સાજીદનો ભાઈ પણ ડ્રગ્સના કેસમાં જેલમાં છે
સાજીદ છેલ્લા 6 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સાજીદનો ભાઈ ગુલામ પણ ડ્રગ્સ વેચતો હતો. બે વર્ષ પહેલા એસઓજીએ તેને એમડી ડ્રગ્સના કેસમાં પકડી પાડ્યો હતો. હાલ તે જેલમાં છે.
સાજીદ 2000થી 2500માં ડ્રગ્સ વેચતો હતો
એસઓજીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ સાજીદને વોન્ટેડ જાહેર કરાયો છે. પરંતુ પોલીસની ટીમ સતત વર્કઆઉટમાં છે. 24 કલાકની અંદર સાજીદ પોલીસના હાથે ઝડપાઈ જાય તેવી સંભાવના છે. સાજીદ ડ્રગ્સની એક એક ગ્રામની પડીકી બનાવી 2000થી લઈ 2500 રૂપિયા સુધીમાં વેચતો હતો.