ઉમરગામ : સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ અપ ડાઉન ટ્રેનનું ઉમરગામમાં સ્ટોપે જ મળતા લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી. સાંસદ ધવલ પટેલને બગી પર બેસાડી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટ્રેનોના વધામણા કરવામાં આવ્યા હતા. સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.
ઉમરગામ ઔદ્યોગિક વસાહત હોય ટ્રેનની સુવિધા માટે લાંબા સમયથી માંગણી ઉઠી હતી. તાજેતરમાં વલસાડ બાંદ્રા પેસેન્જર લોકલ ટ્રેન બંધ કરાતા મુસાફર જનતાને પડી રહેલી હાલાકી અને આની અસર ઇન્ડસ્ટ્રીઝને પણ થઈ રહી હોય ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ તથા તેમની ટીમ દ્વારા સાંસદ ધવલભાઇ પટેલ અને રેલવેના અધિકારી ડિવિઝનલ રેલવે મેનેજરને બંધ કરાયેલી લોકલ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા તથા સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામમાં સ્ટોપેજ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે માંગણી રેલવે તંત્રએ સ્વીકારી હતી. જેમાં સૌથી મોટો સિંહ ફાળો સાંસદ ધવલ પટેલનો હતો તેમને ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને કરેલી રજૂઆત ફળી હતી.
તારીખ 20 જાન્યુઆરીને સોમવારથી સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ઉમરગામમાં કાયમી સ્ટોપેજ મળતા સાંસદ ધવલભાઇ પટેલનો આભાર માની ઉમરગામવાસીઓએ ઢોલ નગારા સાથે બગી પર બેસાડી ભવ્ય સ્વાગત કર્યું હતું અને સાંસદ ધવલભાઇ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઉમરગામ તાલુકા પ્રમુખ નીરવભાઈ શાહ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ તેમની ટીમ તથા આગેવાનો અને લોકોની મોટી હાજરીમાં ટ્રેનના વધામણા કરવામાં આવ્યા હતા. સાંસદ ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આ તો એક ટેલર છે પિક્ચર હજી બાકી છે. ઉમરગામને ફ્લાઇંગ રાણી, સહિત બીજી પણ મહત્વની ટ્રેનોનું સ્ટોપેજ મળે સુવિધા મળે તે માટે તેઓ સતત પ્રયાસો કરવાના છે. સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં ભારે ભીડ જોતા બેસવાની જગ્યાની તો વાત દૂર રહી ઉભા રહેવાની પણ જગ્યા મુસાફરોને મળતી નથી એ બાબતે પણ રેલવેના અધિકારીનું અત્રે ઉપસ્થિત લોકોએ મુસાફર જનતાએ ધ્યાન દોર્યું હતું.