ભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે સવારે 5 વાગે દુકાન ખોલાતી
ભાગળના શાકભાજી વિક્રેતાઓ માટે પહેલાં આ બેકરી સવારે 5 વાગે ખોલવામાં આવતી. શાક વિક્રેતા ભાગળથી વળતી વખતે આ બેકરીમાંથી બિસ્કિટ, ટોસ્ટ, ફરમાસ લઈ જતાં. હજી પણ આ બેકરી સવારે પૌણા સાત કે સાત વાગે ખોલવામાં આવે છે. સવારથી જ પડવાળી સહિતની બિસ્કિટ માટે ગ્રાહકોની લાઇન લાગે છે.
પહેલાં પડવાળી, ફરમાસ, નાનખટાઈ વેચાતી
શરૂઆતના સમયમાં બેકરીની આઇટમમાં ફક્ત પડવાળી, ફરમાસ, નાનખટાઇ, સાદા બિસ્કિટ અને ટોસ્ટ વેચાતા. હવે બેકરીની આઇટમોમાં પણ નવીનતા આવી છે અલગ-અલગ પ્રકારની કેક, અલગ-અલગ પ્રકારના બ્રેડ, પિત્ઝાના બ્રેડ, કુલચા, સ્લાઈસ બ્રેડ, ગોળ મીઠા પાઉ, મસ્કા બન, શુદ્ધ ઘીની ઘઉંના લોટની નાનખટાઇ,ઘઉંના લોટના ફરમાસ, ઘઉંના લોટની ખારી, તલ વરકી, મખરૂન, કેક ટોસ્ટ, મિલ્ક ટોસ્ટ, જેલી ટોસ્ટ, અલગ-અલગ પ્રકારની ખારી વેચાય છે.
અસલ ભઠ્ઠી મીઠુ, કાંચ,ગોળ અને ઈંટની હતી
અમીષભાઈ બિસ્કીટવાલાએ જણાવ્યું કે, 1911માં અસલ ભઠ્ઠી મીઠુ, કાંચ,ગોળ અને ઈંટની હતી. ભઠ્ઠીમાં લાકડું યૂઝ થતું એટલે ધુમાડો થતો. સમય સાથે નવી ટેકનોલોજીના મશીન આવ્યાં. પહેલાં હાથથી લોટ બાંધતા પછી મિક્સિંગ મશીન આવ્યું ત્યારબાદ બિસ્કિટ શેકવાના ઓવન, બાદમાં બિસ્કિટ વેલવાના, કુકીઝ અને પાઉંભાજીના બ્રેડ બનાવવાના મશીન આવ્યાં.
ધંધો નહીં હશે તો કઇ રીતે આગળ વધીશું: હંસાબેન બિસ્કીટવાલા
ત્રીજી પેઢીનાં સંચાલક સુભાષચન્દ્ર બિસ્કિટવાલાના 1975માં નિધન બાદ તેમના પત્ની હંસાબેનના માથે ધંધો આગળ વધારવાની જવાબદારી આવી પડી કેમકે તેમના બાળકો નાના હતાં. હંસાબેને તેમના સાસુ કમુબેન અને સસરા ઠાકોરદાસને કહ્યું કે ધંધો નહીં હશે તો કઈ રીતે આગળ વધીશું મારા બાળકોને કઈ રીતે ભણાવીશ આમ કહી હંસાબેને ભઠ્ઠીનું સંચાલન પોતાના હાથમાં લીધું જ્યારે ઠાકોરદાસ અને કમુબેન બેકરીમાં બેસતા. હતાં. હંસાબેને જણાવ્યું કે ત્યારે અમારું ઘર બેકરીની ઉપર જ હતું. હું કલાકો સુધી ભટ્ટીમાં કામ કરતી હાથે લોટ બાંધવાનું કામ હાથ દુખવા માંડે તેવુ હતું છતાં એક સાથે 5થી 10 કિલોનો લોટ ટેબલ પર બાંધતા. મેં આ ધંધો આગળ વધારવા ઘણું કષ્ટ વેઠયું. ભટ્ટીની આગળ કામ કરવું સહેલું નહીં હતું. એ સમયમાં ખૂબ ઓછી મહિલાઓ દુકાનમાં બેસતી.
દિવાળીમાં નાનખટાઇ બનાવવા 15 દિવસ પહેલાંથી લાઈનો લાગે છે: નિમીષભાઈ બિસ્કીટવાલા
આ બેકરીના ચૌથી પેઢીના સંચાલક નિમીષભાઈ બિસ્કિટવાલાએ જણાવ્યું કે સુરતીઓમાં દિવાળી ટાણે નાનખટાઇનું ચલણ વધારે છે. આજે તરેહ-તરેહની મીઠાઈના આ જમાનામાં પણ લોકો દિવાળી વખતે નાનખટાઇ તૈયાર કરાવે છે. દિવાળીના 15 દિવસ પહેલાં અમારી બેકરીમાં નાનખટાઈ બનાવવા માટે કતારો લાગે છે. રાતના એક-બે વાગ્યાં સુધી નાનખટાઈ બનાવવાનું કામ ચાલે. નાનખટાઇ બનાવવા માટે અડાજણ, કિમ, નવસારી, પુણાગામ, ભાઠેના, ઇચ્છાપોર,વરાછા, ભાઠા, કામરેજથી લોકો આવે છે. અમે અમારા ગ્રાહકોને દરેક બેકરી આઈટમ ઓછા ભાવે અને સ્ટાન્ડર્ડ કોવોલિટીની આપીએ છીએ આજ અમારો મંત્ર છે.
આ પેઢીનો પાયો નાંખવામાં ભૂખણદાસ બિસ્કીટવાલાની મુખ્ય ભૂમિકા: અમીષભાઈ બિસ્કીટવાલા
આ બેકરીના ચૌથી પેઢીના સંચાલક અમીષભાઈ બિસ્કિટવાલાએ જણાવ્યું કે, આ પેઢીનો પાયો સુરત હિન્દૂ બેકરીના નામે મારા દાદા ઠાકોરદાસના પિતા ભૂખણદાસ હરિભાઈ બિસ્કીટવાલાએ નાંખ્યો હતો. શરૂઆતમાં આ દુકાન સાવ નાની અને પતરાવાળું કાચુ મકાન હતી. ત્યાર બાદ 1969માં આ દુકાન પાકી બની. ભૂખણદાસ બિસ્કીટવાલા બાદ ઠાકોરદાસ બિસ્કીટવાલા અને ત્યારબાદ સુભાષચંદ્ર બિસ્કિટવાલાએ આ દુકાનનું સંચાલન કર્યું હતું. પહેલા મકાઇ પુલથી ભાગાતળાવ સુધી સુરત બેકરી સહિત પાંચ બેકરીઓ હતી. જેમાંથી બે બેકરીઓનું અસ્તિત્વ બુસાઇ ગયું છે.
મુંબઈ અને અમદાવાદના ગ્રાહકોને ફૂડના સ્પેશ્યલ કુરિયર દ્વારા માલ મોકલાય છે: મેહુલ બિસ્કીટવાલા
આ બેકરીના પાંચમી પેઢીનાં સંચાલક મેહુલ બિસ્કિટવાળાએ જણાવ્યું કે આ બેકરીની અલગ-અલગ વેરાયટીની આઈટમના ઓર્ડર મુંબઈ અને અમદાવાદના કસ્ટમર ફોન પર અને વહાટ્સએપ પર આપે છે. આ કસ્ટમર્સને માલ કુરિયર દ્વારા મોકલવામાં આવે છે સ્પેશ્યલ ફૂડના કુરિયર અલગ જ હોય છે.અમારી બેકરીની આઈટમ લખનૌના એક ગુજરાતી વ્યક્તિ સુધી પહોંચેલ. બેકરીના બોક્સ પરથી નમ્બર મેળવી એ વ્યક્તિએ અમને 10 કિલો બિસ્કિટનો ઓર્ડર આપેલો. એક વખત આવેલો કસ્ટમર બેકરીની તમામ આઇટમની ક્વોલિટી સારી છે એમ કહીને બીજી વખત પણ આવે જ.
2006ની રેલમાં 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું
આ પેઢીએ 111 વર્ષમાં ચાર રેલ જોઈ છે. 1966, 1968, 1969 અને 2006ના પુરમાં આ બેકરીને નુકસાન થયું હતું. 1965, 66ની રેલમાં કમર સુધીના પાણી ભરાયા હોવાથી દુકાનને નુકસાન થયું હતું. 2006ની ભયંકર રેલ તો કોઈ ભૂલી નહીં શકે એ પુરમાં તો બેકરીના માલ અને મશીનોને 20 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. 90-90 કિલોની લોટની ગુણ, ઘીના ડબ્બા ઉપર ચઢાવી શકાય એમ ન હોવાથી ખાસ્સું નુકસાન વેઠવું પડ્યું હતું.
પહેલાં તાડછાના પાનમાંથી બનતી ટોપલીમાં બિસ્કિટ વેચાતાં
પહેલાં બિસ્કીટની અલગ-અલગ આઈટમ કાગળના પડીકામાં વેચાતી. ત્યારબાદ તડછાના પાનમાંથી બનાવેલી ટોપલીમાં કાગળ મૂકતાં અને પછી બિસ્કિટ મુકવામાં આવતાં જે પછી દોરાથી લપેટતાં. પાનવાળાઓ પાસેથી વાંસની લાકડીના કરંડીયા લાવતાં જેમાં બિસ્કિટ પેક કરીને આપતાં આ કરંડિયાનું વજન 200થી 300 ગ્રામનું રહેતું. હવે પુઠ્ઠાના બોક્સમાં બિસ્કિટ, નાનખટાઇ અપાય છે.
નાની નાનખટાઇને ગેબલેટ પરથી ગ્રાહકોએ ગેમલાભાઈ નામ આપ્યું
નાની નાનખટાઇને ગેબલેટ કહે એટલે ગ્રાહકોએ ગેબલેટ પરથી ઠાકોરદાસ બિસ્કીટવાલાને હુલામણું નામ ગેમલાભાઈ આપ્યું હતું. અમીષભાઈ બિસ્કીટવાલાએ જણાવ્યું કે સ્કૂલમાં રજા હોય ત્યારે તે અને તેમના મોટાભાઈ નિમીષભાઈ ભઠ્ઠીમાં કામ કરતા અને ભઠ્ઠીમાં કામ કરતાં માણસો નહીં આવે ત્યારે સ્કૂલમાં રજા પાડીને ભઠ્ઠી પર કામ કરતાં. ભઠ્ઠી પર કામ કરતા ત્યારે તે અને તેમના ભાઈ દાઝેલા પણ ખરી.