SURAT

સુરતમાં બજાજ ફાયનાન્સ કંપનીના કલેકશન મેનેજર 5.41 લાખ ઉઘરાવ્યા બાદ ચાંઉ કરી ગયા

સુરત: (Surat) અડાજણમાં આવેલી બજાજ ફાયનાન્સ (Bajaj Finance) કંપનીમાં કલેકશન (Collection) મેનેજર તરીકે કામ કરતા બે વ્યક્તિએ આઠ જેટલા ગ્રાહકો પાસેથી રૂા. 5.41 લાખની રકમ સેટલમેન્ટ કરવા માટે ઉઘરાવીને બારોબાર પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી હતી. આ રકમ અંગે ફાયનાન્સ કંપનીના મેઇલ ઉપર મેસેજ આવતા સમગ્ર ઠગાઇ (Cheating) બહાર આવી હતી અને પોલીસ (Police) ફરિયાદ થઇ હતી.

  • બજાજ ફાયનાન્સ કંપનીના કલેકશન મેનેજરે સેટલમેન્ટના 5.41 લાખ ઉઘરાવ્યા બાદ જમા નહીં કરાવતા ગુનો
  • રીકવર એજન્સીના કર્મચારીએ કલેકશન મેનેજરના કહેવા પ્રમાણે આઠ જેટલા ગ્રાહકો પાસેથી લોનની રકમ લઇને બારોબાર વાપરી નાંખ્યા હતા

આ ઘટનાની મળતી માહિતી મુજબ બજાજ ફાયનાન્સ કંપની દ્વારા આપવામાં આવતી લોનની ઉઘરાણી માટે બે રીકવર એજન્સીઓ રાખવામાં આવી હતી. જેમાં તુષાર જગનવાલા નામની એજન્સીનો વહીવટ પાલનપુર પાટિયા પાસેની સાંઇકૃપા સોસાયટીમાં રહેતો અજય કેલાવાલા કરતો હતો. જ્યારે હિતેન્દ્ર રાજપુત નામની એજન્સીનો વહીવટ હિતેન્દ્ર રાજપુત કરતો હતો. આ બંને એજન્સીઓની દેખરેખ જહાંગીરાબાદ વીર સાવરકર હાઇટ્સમાં રહેતો અને કલેકશન મેનેજરનું કામ કરતો વિશાલ અશોક પટેલ રાખતો હતો. 2020 દરમિયાન તુષાર જગનવાલા એજન્સીના અજય કેલાવાલા અને વિશાલે સાથે મળીને આઠ જેટલા ગ્રાહકો પાસેથી રૂા. 5.41 લાખની રકમ સેટલમેન્ટ માટે લઇ લીધી હતી અને કંપનીમાં જમા કરાવી ન હતી.

ગ્રાહકોની લોનને લાંબો સમય થયો હોવા છતાં સેટલમેન્ટ થયું ન હતું અને કંપની દ્વારા વારંવાર પુછપરછ થતા કેટલાક રૂપિયા જમા થયા ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આ મુદ્દે કંપનીની હેડ ઓફિસમાંથી એક મેઇલ આવ્યો હતો અને રૂા. 5.41 લાખ જમા કરાવવા માટે કહ્યું હતું. આ મેઇલ મારફતે બજાજ ફાયનાન્સ કંપનીના સુરત બ્રાન્ચના રિસ્ક મેનેજર મયુર નરેશભાઇ જરીવાલા (રહે. સાંઇ સમર્પણ સોસાયટી, બમરોલી રોડ)એ અશોક કેલાવાલાને બજાજ ફાયનાન્સની ઓફિસે બોલાવીને પુછપરછ કરી હતી. ત્યારે અશોકે કહ્યું કે, મને કલેકશન મેનેજર વિશાલ પટેલે રૂપિયા જમા કરાવવાની ના પાડી હતી. કંપની દ્વારા વિશાલ પટેલને નોટીસ આપીને બોલાવાયો હતો અને ખુલાસો પુછાયો હતો પરંતુ વિશાલ પટેલે પણ કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો. જે અંગે રિસ્ક મેનેજર મયુરભાઇએ વિશાલ પટેલ અને અશોક કેલાવાલાની સામે ઠગાઇની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top