SURAT

સુરત મનપાને બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે એવોર્ડ મળ્યો

સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકનું ભારણ ઓછું થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. શહેરમાં હાલમાં 43 રૂટ ઉપર કુલ 575 સિટી બસ અને 13 બીઆરટીએસ રૂટ ઉપર કુલ 204 બસ દોડે છે. કેન્દ્ર સરકારના “મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, નવી દિલ્હીમાં અર્બન મોબિલિટી કોન્ફરન્સમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવા માટે નોમિનેશન મંગાવવામાં આવ્યાં હતાં. જેમાં દેશનાં રાજ્યોના સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ, અર્બન લોકલ બોડી પાસે વિવિધ કેટેગરી માટે નોમિનેશન મંગાવવામાં આવ્યાં હતાં. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કેટેગરીમાં કુલ 8 કેટેગરીમાં નોમિનેશન મોકલવામાં આવ્યાં હતાં. જે પૈકી મનપાની કુલ 5 કેટેગરીમાં શોર્ટ લિસ્ટ થઈ હતી. જેમાં ‘‘સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ’’ કેટેગરી માટે “એવોર્ડ ફોર એક્સિલન્સ ઈન અર્બન ટ્રાન્સપોર્ટ’ (Urban Transport)’ માટે સુરત શહેરની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ (Award) નવી દિલ્હી ખાતે યોજનાર અર્બન મોબિલિટી કોન્ફરન્સમાં મંત્રી હરદીપસિંગ પુરીના હસ્તે તા.29મી ઓક્ટોબરે આપવામાં આવશે અને આ કાર્યક્રમમાં મેયર હેમાલી બોઘાવાલા હાજરી આપી એવોર્ડ સ્વીકારશે.

સરોલી બ્રિજથી વરિયાવ ખાડી સુધીના 4.85 કિ.મી.ના આઉટર રિંગ રોડ પર બીઆરટીએસ તૈયાર કરાશે

સુરત: સુરત મનપાની સાથે સાથે આજુબાજુના વિસ્તારના ડેવલપમેન્ટ માટે મહત્ત્વના એવા આઉટર રિંગ રોડનું કામ પણ ઝડપભેર આગળ વધી રહ્યું છે. આઉટર રિંગ રોડનો સમગ્ર પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. રોડનું કામ 45 ટકા પૂર્ણ થઇ ગયું છે. ત્યારે સુડા ઉપરાંત સુરત મનપા વિસ્તારમાંથી પસાર થતા આઉટર રિંગ રોડ પર સરોલી બ્રિજથી વરિયાવ પ્રથમ ખાડી બ્રિજ સુધીના 90 મીટર પહોળાઇ અને 4.85 કિ.મી. લંબાઇમાં આઉટર રિંગ રોડ બનાવવા માટે રૂ. 45.52 કરોડનું ટેન્ડર સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઉટર રિંગ રોડનો સુરત મનપામાં સમાવિષ્ટ ટી.પી. પૈકીના વિસ્તાર સરોલી બ્રિજથી વરિયાવ ખાડી સુધીના રોડને 42 મીટર રોડની પહોળાઇમાં બનાવાશે, જેમાં 12 મીટર પહોળા વચ્ચેના ભાગને બીઆરટીએસ માટે રિઝર્વ રાખી તેની બંને બાજુ 11 મીટરના રોડ તેમજ તેની જરૂરી સ્ટ્રીટ લાઇટ તેમજ સ્ટ્રોમ વોટર નેટવર્ક નાંખવામાં આવશે. આ રોડની આસપાસનો રહેણાક અને કોમર્શિયલ વિસ્તાર ડેવલપ થતાં ભવિષ્યમાં ટ્રાફિકની સરળતા રહેશે અને સાથે આઉટર રિંગ રોડની કનેક્ટિવિટી પૂર્ણ થશે.

Most Popular

To Top