સુરત: (Surat) હજીરા ગામમાં કેનેરા બેંકમાં (Bank) ગઈકાલે રાત્રે અજાણ્યા ચોરે નિશાન બનાવી એટીએમ (ATM) રૂમમાં પ્રવેશી બેન્કનું શટર લોખંડના સળિયા વડે ખોલી, લોખંડની જાળી ખોલી બેન્કની અંદર એટીએમ ખોલવાની કોશિષ કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બેંક કર્મચારીએ બીજા દિવસે બનાવની જાણ થતા હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- હજીરામાં કેનેરા બેંકમાં જેકેટ અને મોઢે રૂમાલ બાંધીને આવેલા તસ્કરનો એટીએમ ચોરી કરવા પ્રયાસ
- મોઢે રૂમાલ બાંધેલો વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે શોધખોળ હાથ ધરી
હજીરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હજીરાગામમાં પટેલ સ્ટ્રીટખાતે આવેલી કેનેરા બેંકની શાખા આવી છે. ગઈકાલે રાત્રે બેંકમાં તસ્કર ત્રાટક્યા હતા. મોઢે રૂમાલ બાંધી અને જેકેટ પહેરીને આવેલા તસ્કરે બેંકની લોખંડની જાળી તથા શટરને મારેલું તાળું લોખંડના સળિયા જેવા સાધન વડે તોડી નાખ્યું હતું. બાદમાં અંદર પ્રવેશી બેન્કની અંદર સ્ટ્રોંગ રૂમને મારેલું હેન્ડલ તોડી સ્ટ્રોંગરૂમ ખોલવાની કોશિષ કરી હતી. જોકે સ્ટ્રોંગરૂમ તોડવામાં સફળતા મળી નહોતી. બાદમાં તસ્કરે બેંકની બહાર એટીએમને ખોલવાની કોશિષ કરી હતી. જોકે એટીએમ પણ નહીં તુટતા કલાકોની જહેમત બાદ ભાગી ગયો હતો. બીજા દિવસે બેન્કના કર્મચારીઓને જાણ થતા તેઓએ આ મામલે હજીરા પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરેના આધારે વધારે તપાસ હાથ ધરી છે.
રાત્રિના સમયે ચોરી કરતા મહાઠગને એસઓજીએ ઝબ્બે કર્યો
સુરત: રાત્રિની ટ્રેનોમાં સ્લીપર અને એસી કોચમાં ચઢીને મોબાઇલ કે સામાનની તફડંચી કરતા ઠગને એસઓજીએ ઝબ્બે કરી લીધો હતો. અબ્દુલ શમાદ અબ્દુલ રહેમાન શેખ (રહે., ભેસ્તાન આવાસ, બિલ્ડિંગ નં.70)ની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીએ બાન્દ્રા પોલીસ સાથે સુરત એસઓજી દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે ઉસ્તપમુરા ટેકરા પાસેથી અબ્દુલ શમાદ પકડાઇ ગયો હતો. તેણે કબૂલાત કરી હતી કે, તે મુંબઇથી ચઢતો હતો અને રાત્રિના સમયે જે પેસેન્જર ઊંઘતા હોય તો તેમનો સામાન અને મોબાઇલ ફોનની તફડંચી કરતો હતો. દરમિયાન આ આરોપી પાસેથી પોલીસને પંદર હજારનો સેમસંગ ફોન ઝબ્બે કર્યો હોવાની વિગત જાણવા મળી છે. આરોપી સામે સુરત અને મુંબઇમાં કુલ અગિયાર જેટલા ગુના અગાઉ દાખલ થયેલા છે. આમ છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને પકડવા એસઓજી પીઆઇ સુવેરા અને તેમની ટીમને સફળતા મળી છે.