સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Election) પહેલાં તબક્કાનું (Voting) મતદાન ગઈકાલે ગુરુવારે તા. 1 ડિસેમ્બરના રોજ પુરું થયું. પહેલાં તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 ટકા પર સરેરાશ 62 ટકા જેટલું મતદાન થયું છે. મતદારોના નિરુત્સાહ વચ્ચે સુરત શહેરમાં ઓછું મતદાન રહ્યું. પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી વિધાનસભાની બેઠકો પર ભાજપ, આપ અને કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો વચ્ચે નાના મોટા છમકલાં થયા હતા, પરંતુ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જોકે, સુરત શહેરમાં આવેલી વરાછા રોડ વિધાનસભાની બેઠકના એક મતદાન કેન્દ્રની બહાર આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકરોએ વિચિત્ર કામ કર્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પુરા જોર સાથે આમ આદમી પાર્ટી દ્વારા ઝંપલાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીનું જોર પાટીદારોની વધુ વસતી છે તેવા વરાછા રોડ, ઓલપાડ, કતારગામ વિધાનસભા બેઠકો પર આ વખતે ચૂંટણી રસાકસીભરી રહી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે પણ શંકા હોવાનું વાતાવરણ મતદાનના દિવસે જોવા મળ્યું હતું. કતારગામના એક મતદાન મથકની બહાર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની ચૂંટણી પંચના કેટલાંક અધિકારીઓ સાથે ચકમક ઝરી હતી. દિવસ દરમિયાન પાવર કાપના લીધે મતદાન પ્રક્રિયા અટકી હતી, તેના માટે પણ આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપને દોષિત ઠેરવી હતી. આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે પણ શંકા હોય તેઓએ મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ પણ મતદાન કેન્દ્રો છોડ્યા નહોતા.
વરાછા રોડ વિધાનસભાના એક મતદાન કેન્દ્રની બહાર આમ આદમી પાર્ટીના ચારથી પાંચ જેટલાં કાર્યકરોએ આખી રાત પહેરો કર્યો હતો. ઉજાગરો વેઠીને તેઓ મતદાન કેન્દ્રની બહાર બેસી રહ્યાં હતાં અને ઈવીએમની ઉઠાંતરી કે અન્ય કોઈ ગેરરીતિ નહીં થાય તે બાબતનું ધ્યાન રાખ્યું હતું. આ કાર્યકરોને શંકા હતી કે અંધારી રાતમાં ઈવીએમ મશીનોની બદલી કરી દેવામાં આવશે. આપના કાર્યકરો રાત્રે મતદાન કેન્દ્ર બહાર પહેરો ભરતા હોવાના ફોટો વરાછા રોડ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર અલ્પેશ કથિરીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, જ્યાં સુધી આ ભ્રષ્ટ વ્યવસ્થા બદલીશું નહીં ત્યાં સુધી થાકીશું નહીં અને છોડીશું નહીં.