SURAT

મેયરની હાજરીમાં રસ્તાનું રિપેરિંગ થઈ શકતું હોય તો ફોટોશેસન વગર જનતાની સુવિધા માટે મરામત કેમ ન થાય?

સુરત: (Surat) સુરત શહેરમાં હાલ ખાડાઓને (Pits) કારણે લોકો તોબા પોકારી ગયા છે. પાલિકાના હલ્કી ગુણવત્તાનાં ડામર અને મટિરિયલની વરસાદે પોલ ખોલી નાંખી છે. ખાસ કરીને એ વિસ્તારો જ્યાં નવી ડ્રેનેજ લાઈન તેમજ પાણીની લાઈનો નાંખવામાં આવી છે ત્યાં મોટા-મોટા ખાડાઓ પાલિકા તંત્રના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. તેનું કારણ એ છે કે ડ્રેનેજ અને પાણીની લાઈનો નંખાઈ ગયા બાદ મનપા દ્વારા મજબૂત રોડ બનાવવાની જગ્યાએ ફક્ત હલ્કી ગુણવત્તાનું ડામર (Asphalt) નાંખી લીપાપોતી કરી દેવાઈ છે. જેને કારણે સામાન્ય વરસાદમાં જ આ ડામર ધોવાઈ ગયો છે. બીજી તરફ પાલિકાનું કહેવું છે કે વરસાદને કારણે રસ્તાઓનું રિપેરિંગ કામ થઈ શક્યું નથી. વરસાદ અટકે તે દરમ્યાન તંત્ર કામે લાગે તો મસમોટા ખાડાઓથી લોકોને રાહત મળી શકે તેમા કોઈ બે મત નથી. પરંતુ પાલિકા દ્વારા સમગ્ર વરસાદની મોસમ પૂરી થવાની રાહ જોઈ મોટાભાગના રસ્તાઓ પર રિપેરિંગ કરાયું નથી. જેનો હાલ શહરીજનો ભોગ બની રહ્યા છે.

ભટાર રોડ

મેયરે 15 દિવસમાં ખાડા પૂરવાની સૂચના આપી હતી
પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલાએ જાતે ઉભા રહી રોડ રસ્તાની મરામત કરાવી હતી. એટલું જ નહીં 15 દિવસની અંદર શહેરના તમામ રસ્તાઓની મરામત કરવાની સૂચના પણ તેમણે સંબંધિત અધિકારીઓને આપી હતી. તો સવાલ એ ઉપસ્થિત થાય છે કે જો મેયરની હાજરીમાં રોડ રસ્તાની મરામત થઈ શકતી હોય તો ફોટોશેસન વગર અને કોઈપણ પ્રકારના દેખાડા વગર પ્રજાની મુશ્કેલીનું નિવારણ કરવા માટે રસ્તાની મરામત કેમ ન થઈ શકે? તેના માટે વરસાદની મોસમ પૂરી થવાની રાહ કેમ જોવાય છે?

અઠવાગેટ

મેયર સાથે સંપર્ક થઈ શક્યો નહીં

શહેરમાં રોડ રસ્તાની મરામત બાબતે વધુ માહિતી મેળવવા મેયર હેમાલીબેન બોઘાવાલા સાથે ટેલિફોનિક સંપર્ક કરાયો હતો પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.

શું કહે છે સુરતીઓ?
સુરત શહેરમાં હાલ રસ્તાઓની જે સ્થિતિ છે તે જોતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કેટલાક રસ્તાઓ પર તો ખાડાઓ એટલા મોટા છે કે વાહન ખાડામાં ફસાઈ જાય છે. એટલું જ નહીં વરસાદ દરમ્યાન ખાડામાં પાણી ભરાય તેવી સ્થિતિમાં ખાડો કેટલો ઉંડો છે તે પણ ખબર પડતી નથી. જેના કારણે વાહન અનિયંત્રિત થાય છે અને વાહનચાલક જમીન પર પટકાય છે. રસ્તાઓ પર ખાડાને કારણે વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે. વારંવાર બ્રેક લાગવાથી પેટ્રોલ પણ વધુ વપરાઈ રહ્યું છે. એટલું જ નહીં વાહનોનો મેઇન્ટેનેન્સ ખર્ચ વધી ગયો છે. અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આ મસમોટા ખાડાઓને કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે.

Most Popular

To Top