આમ આદમી પાર્ટીના (AAP) ભવ્ય વિજય બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) શુક્રવારે સુરત (Surat) આવ્યા હતાં. બપોરે સુરતના વરાછા વિસ્તારમાં તેમનો મેગા રોડ શો યોજાયો હતો. સુરતના માનગઢ ચોકથી આ રોડશોની શરૂઆત થઈ હતી. સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી કેજરીવાલે મેગા રોડ શોની શરૂઆત કરી હતી. વરાછા વિસ્તારના લોકોને તેમણે કેમ છો કહીને સંબોધનની શરૂ કરી હતી. તેમજ સુરતના લોકોનો આભાર માન્ય હતો. તેમણે રોડ શો પહેલા ભારત માતા કી જય.. ઇન્કલાબ જીંદાબાદના નારા લગાવ્યા હતા. કેજરીવાલને જોવા માટે ભારે માનવમેદની ઉમટી પડી હતી. લોકો કેજરીવાલને મોબાઈલમાં કંડારવા માટે ઉત્સાહિત હતાં.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રોડ પર જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો નજર આવી રહ્યા છે. દુકાનો અને મકાનોના ટેરેસ પર ચઢીને લોકોએ કેજરીવાલને વધાવ્યા હતાં. સુરતના (વરાછા)મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શોમાં જોડાયા હતા. રોડ શોની શરૂઆત મીનીબજાર (માનગઢ ચોક) સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપી કરી હતી. ત્યારબાદ હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા રોડ-શો પૂર્ણાહુતિ કરી જનસભા સંબોઘન કરાયું હતું. .
કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે, હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબે ખોબા ભરીને મત આપીને મત આપી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે. દરમ્યાન મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી. કેજરીવાલના સમર્થનમાં પાટીદારો પણ ઉમટી પડ્યા હતાં
ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર વિજય મળ્યો છે. ત્યારે આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સવારથી સુરત આવી પહોંચ્યા છે. તેમણે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ 27 કોર્પોરેટરનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પહેલાં સુરત એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ પહોચતા આપના કાર્યકર્તાઓ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલનું આગમન થતા આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેજરીવાલ 8:15 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારબાદ સર્કિટ હાઉસમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સંગઠન મંત્રીના ઘરે ભોજન કર્યું હતું. સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે.