સુરત: અમરોલી ખાતે રહેતા નિવૃત્ત આર્મીમેનની પત્નીએ ઘર પાછળ ચડ્ડી પહેરીને બાળકો નહાતા હોવાથી તેની માતા ગેલેરીમાં પડદો લગાડવાનું કહેતા માતા-પુત્રએ પાડોશીને જાતિવિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- અમરોલીમાં નિવૃત્ત આર્મીમેનની પત્નીને પાડોશી માતા-પુત્રએ પતાવી દેવાની ધમકી આપી
- બાળકો ચડ્ડી પહેરી ખુલ્લામાં નહાતા હોવાથી ગેલેરીમાં પડદો લગાડવા કહેતા ગાળો ભાંડી
- નિવૃત્ત આર્મીમેને અમરોલી પોલીસમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી
અમરોલી ખાતે જલારામનગરમાં રહેતા 38 વર્ષીય ગોવિંદભાઈ ભગુભાઈ વાળાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં મધુબેન રાજેશભાઇ પરમાર તથા દિપકભાઇ રાજેશભાઇ પરમાર (બન્ને રહે. જલારામનગર ગુ.હા.બોર્ડ અમરોલી)ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગોવિંદભાઈ પોતે આર્મીમાંથી નિવૃત્ત થયા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમણે ગત 2 ફેબ્રુઆરીએ તેમના આ મકાનમાં કુંભ ઘડો મુકીને ગૃહપ્રવેશની વિધિ કરી હતી અને ત્રણ દિવસ બાદ તેઓ ત્યાં પરિવાર સાથે રહેવા આવ્યા હતા. ત્યારબાદ તેમના મકાનને અડીને પાછળ આવેલા મકાનમાં રહેતી મધુબેને ચોકડી સાફ નહીં કરવા બાબતે ઝઘડો કર્યો હતો. તેમના છોકરા ચડ્ડીમાં ચોકડીમાં ન્હાતા હોવાથી ગોવિંદભાઈની પત્નીએ મધુબેનનું ધ્યાન દોરી ગેલેરીમાં પડદો લગાડવાનું કહ્યું હતું. જેથી મધુબેને ગુસ્સામાં તમારાથી જે થાય તે કરી લો તેમ કહી ગાળો આપી હતી. મધુબેને જાતિ વિષયક ગાળો આપી અમારા માણસો બોલાવી તમને મરાવી નાંખીશ તેવી ધમકી આપી હતી. જેથી આર્મીમેને અમરોલી પોલીસ સ્ટેશનમાં માતા-પુત્રની સામે ફરિયાદ નોંધાવી હતી.
બમરોલીમાં અલગ અલગ ઇન્સ્ટા આઈડી બનાવી યુવતીના ચરિત્ર બાબતે બીભત્સ મેસેજ કર્યા
સુરત: બમરોલી ખાતે રહેતી અને મોલમાં નોકરી કરતી યુવતીના નામે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બીભત્સ મેસેજ કરનાર અજાણ્યા સામે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બમરોલી રોડ પર પોલીસ કોલોની નજીક રહેતી 22 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ 15 દિવસ પહેલાં તેની જૂની ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી નવી આઈડી બનાવી હતી. દરમિયાન 14 ફેબ્રુઆરીએ તેની જૂની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને તેની સાથે બીભત્સ મેસેજ કર્યા હતા. આ મેસેજ કરી યુવતીને મળવા માટે બોલાવી તેના નંબરની માંગણી કરી હતી. બાદ આ ઇન્સ્ટા આઈડી ચેક કરતાં યુવતીનો ફોટો હતો. બાદ યુવતીના ભાઈને પણ તેના ચારિત્ર્ય બાબતે મેસેજ કરી તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપતો મેસેજ કર્યો હતો. સાયબર ક્રાઈમે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.