સુરત: (Surat) 2019માં 500 મિલિયન અમેરિકન ડોલરમાં (Dollar) નાદારી નોંધાવનાર ઉત્તર ગુજરાતના મૂળ વતની હીરા ઉદ્યોગકાર કૌશિક મહેતાની માલિકીની કંપની યુરો સ્ટાર ડાયમંડ કંપની પાસેથી દેવાની વસુલાત કરવા એન્ટવર્પ પોલીસે દરોડા પાડ્યાં હતાં. યુરોસ્ટાર ડાયમન્ડ કંપની (Diamond Company) પાસેથી બેંકોનું લેણું વસૂલવા કોર્ટના આદેશથી એન્ટવર્પ (Antwerp) પોલીસે એક ડઝન આવાસમાંથી મોટા પાયે હીરા અને ઓફિસો મળી 453.86 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ આવાસોમાંથી કુલ 55 મિલિયન અમેરિકન ડોલરનાં હીરા અને ઓફિસનો કબજો લેવામાં આવ્યો હોવાનું બ્લુમબર્ગનાં હેવાલમાં જણાવવામાં આવ્યું છે.
- યુરોસ્ટાર ડાયમન્ડ કંપનીમાં એન્ટવર્પ પોલીસનાં દરોડા: હીરા અને ઓફિસો મળી 453.86 કરોડની સંપત્તિ જપ્ત
- કોર્ટના આદેશથી દેવાની વસૂલાત માટે બેલ્જિયમ પોલીસે એક ડઝનથી વધુ ઘરમાંથી 55 મિલિયન અમેરિકન ડોલરનાં હીરા કબજે લીધા
- એક સમયે કૌશિક મહેતાએ એન્ટવર્પમાં હેડ ક્વાર્ટર સ્થાપી ન્યુયોર્ક, શાંઘાઈ, બોત્સ્વાના, હોંગકોંગ, UEA અને ભારતમાં પેટાકંપનીઓ સાથે રફ ડાયમંડ પોલિશિંગ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું
યુરોસ્ટાર એક સમયે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઘડિયાળ અને જ્વેલરી બ્રાન્ડ્સ થકી વિશ્વભરના તમામ મુખ્ય હીરાબજારોમાં જાણીતી બની હતી. 1978માં એન્ટવર્પમાં હેડ ક્વાર્ટર સ્થાપી ન્યુયોર્ક, શાંઘાઈ, બોત્સ્વાના, હોંગકોંગ, UEA અને ભારતમાં પેટાકંપનીઓ સાથે રફ ડાયમંડ પોલિશિંગ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. યુરોસ્ટાર કંપનીમાં એની એક ઓફિસ ભારત ડાયમંડ બુર્સ (BDB) મુંબઈમાં ધરાવે છે. કંપનીના સુરત અને મુંબઈમાં ગાઢ વ્યાપારિક સંબંધો છે અને કંપનીના મોટા ભાગના હીરાના સ્ટોકનું ઉત્પાદન સુરતમાં થતું હતું.
બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે, મહેતા પરિવારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. કંપની પાસે એબીએન એમરો, સ્ટાન્ડર્ડ ચાર્ટડ, કેબીસી અને બેન્ક ઓફ ઇન્ડિયાનું લેણું બાકી છે. એ મામલે બેંકોએ કોર્ટના દ્વાર ખખડાવતાં બેલ્જિયમ પોલીસે એક ડઝનથી વધુ ઘરોમાંથી હીરા જપ્ત કર્યા છે. કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સંપત્તિની વસૂલાતમાં ઓફિસો પણ જપ્ત કરવામાં આવી હતી.
યુરોસ્ટાર વર્લ્ડની ટોચની કંપનીઓમાં નામના ધરાવતી હતી
એક સમયે યુરોસ્ટાર વિશ્વભરમાં સુંદર પોલીશ્ડ ડાયમંડ, પ્રીમિયમ કેલિબ્રેટેડ ડાયમંડ, આઈડિયલ કટ હાર્ટસની અગ્રણી ઉત્પાદક અને સપ્લાયર કંપની હતી. કંપનીની સ્થાપના કૌશિક કે. મહેતા દ્વારા 1978માં કરવામાં આવી હતી. 1986થી ડાયમંડ ટ્રેડિંગ કંપનીના સાઇટહોલ્ડર રહ્યાં હતાં. એટલું જ નહીં એન્ટવર્પમાં હેડક્વાર્ટર અને ન્યુયોર્ક, જિનીવા, દુબઈ, મુંબઈ, હોંગકોંગ, શેનઝેન અને શાંઘાઈમાં પેટાકંપનીઓ સાથે, યુરોસ્ટાર વર્લ્ડની ટોચની કંપનીમાં નામનાં ધરાવતી હતી. 2016માં $1.6 બિલિયાનના ટર્નઓવર ધરાવતી કંપની હતી જેણે ત્રણ વર્ષ પછી તેને 560 મિલિયન ડોલરનાં બેંક દેવા સાથે નાદાર જાહેર કરવામાં આવી હતી.