સુરત: (Surat) શહેરમાં દબાણોની (Encroachment) સમસ્યા મોટુ ન્યુસન્સ છે. ખાસ કરીને શાકમાર્કેટ તેમજ મહીલાઓની માર્કેટમાં દુકાનદારો દ્વારા પોતાની દુકાન બહાર દબાણકર્તાઓને જગ્યા ભાડે આપીને કે પોતાની દુકાનનો સામાન દુકાન બહાર ગોઠવીને દબાણ કરતા હોય છે. ત્યારે આવા દુકાનદારો સામે છેલ્લા થોડા દિવસથી કતારગામ ઝોનમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમ્યાન પોલીસની હાજરીમાં પાલિકાની ટીમે વિક્રેતાઓની લારીઓ લઈ જતા વાતાવરણ તંગ થયું હતું. મનપાના અધિકારીઓને કામગીરીને લઇને નાના વેપારીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. લારીના વેપારીઓ દ્વારા દબાણ ખાતાની ટીમ ઉપર હુમલો કરી પથ્થરમારો કરાયો હતો. આ સમગ્ર મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અગાઉ સીંગણપોર ચાર રસ્તા ખાતે દબાણોને પ્રોત્સાહન આપતા દુકાનદારો સામે કાર્યવાહી કરાયા બાદ પાલિકાએ નારાયણ નગરની માર્કેટમાં આ પ્રકારે દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરીને 29 દુકાનો સીલ મારી દેવાયા હતા.
કતારગામ ઝોનના સુત્રોએ જણાવ્યા મુજબ કતારગામની ટી.પી. સ્કીમ નંબર 49માં નારાયણ નગર શાકમાર્કેટ છે. અહી દુકાનદારો દુકાનની બહાર પાંચ-પાંચ છ-છ ફુટ બહાર દબાણો કરી રહયા છે. જે બાબતે ઝોન દ્વારા વારંવાર નોટીસ આપવા છતા દુકાનદારોએ દબાણો યથાવત રાખતા આખરે ઝોનની ટીમે એસઆરપી અને સીક્યુરીટી ગાર્ડની મદદથી 29 દુકાનો સીલ કરી સપાટો બોલાવ્યો હતો. દરમ્યાન સવારે અમરોલી વિસ્તારમાં મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવા માટે એસઆરપીની ટુકડી સાથે પહોંચી હતી. મનપાના અધિકારીઓ તેમજ અન્ય દબાણ ખાતાના સ્ટાફ દ્વારા કામગીરી શરૂ કરતાની સાથે જ સ્થાનિક લારીઓના વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
પાલિકાની કામગીરીને લઈને સ્થાનિક વેપારીઓ રોષે ભરાયા હતાં. અધિકારીઓ કયા કારણસર તેમની લારીઓ ઊંચકીને લઈ જઈ રહ્યા છે તે બાબતે પૂછાતા મામલો વધુ બીચક્યો હતો. લારીના વેપારીઓ દ્વારા દબાણ ખાતાની ટીમ ઉપર પથ્થરમારો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસથી પાલિકાની ટીમ કતારગામ, અમરોલી, સિંગણપોર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે. જેને લઈને લારી-ગલ્લા વાળાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.