સુરત: (Surat) કોરોનાના ગંભીર કહેરમાં ખાનગી હોસ્પિટલોએ બેફામ ફી વસુલી લેવાનું શરૂ કર્યાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. કતારગામ સ્થિત ગજેરા સર્કલ નજીક ધનરાજ સોસાયટીમાં રહેતા જયસુખભાઇ પટેલની બહેન ગૌરીબેન નારોલા અમદાવાદ રહે છે. જે કોરોના પોઝિટિવ દર્દી તરીકે સુરત આવ્યા બાદ તેણીની તબિયત લથડી હતી. અમદાવાદની હોસ્પિટલમાં (Hospital) બેડની વ્યવસ્થા નહીં હોવાથી સુરત મોટાવરાછા સ્થિત ઇટાલીયા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ગૌરીબેનને સિવિલ કેમ્પસના કોવિડ વોર્ડમાં દાખલ કર્યા હતા. મોટાવરાછા સુદામાં સર્કલ નજીકથી સિવિલ હોસ્પિટલમાં ખાનગી સરદાર એમ્બ્યુલન્સ (Ambulance) વાન ચાલકનો સંપર્ક કરીને કોવિડ વોર્ડમાં લઇ આવ્યા હતા. પરંતુ ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સના ચાલકે દર્દી ગૌરીબેનને મોટા વરાછાથી દસ કિમી દુર સિવિલ હોસ્પિટલ સુધી લાવવા પેટે રૂપિયા ચાર હજારની માંગણી કરી હતી.
જે અંગે દર્દીના સબંધીઓએ સરદાર વાનના ચાલકને વિનંતી કરી વ્યાજબી ભાવ રાખવા જણાવ્યું છતાં મહામારીના સમયનો ફાયદો ઉઠાવીને એક રૂપિયો પણ ઓછો નહીં થાય એમ કહીને સિવિલ કેમ્પસમાં દાદાગીરી કરતા બંને વચ્ચે માથાકુટ થઇ હતી. અંતે બિલ આપ્યા પછી પેમેન્ટ ચુકવણી થશે, એવુ નક્કી થતાં મામલો થાળે પડ્યો હતો. આમ, ખાનગી હોસ્પિટલમાં દર્દી દીઠ રોજના ૨૦ થી ૨૫ હજારની વસુલાત પછી એમ્બ્યુલન્સના સંચાલકોએ પણ ભાડા વધારી દેતા દર્દીઓ સાથે પરિવારની હાલત કફોડી બની છે.
કલેક્ટર દ્વારા આજે પણ 4189 ઇન્જેક્શનની માંગણી સામે માત્ર 2515ની જ ફાળવણી
સુરતઃ શહેરમાં ગંભીર દર્દીઓની સંખ્યા ઓછા થવાનું નામ લઈ રહી નથી ત્યાં રેમડેસિવિર ઇન્જેક્શનની વધતી ડિમાન્ડ સામે કલેક્ટર દ્વારા 50 ટકાથી વધારે ફાળવણી થઈ રહી નથી. આજે પણ 4189 ઇન્જેક્શનની માંગણી સામે 2515 ઇન્જેક્શન જ ફાળવાયા હતા. કોરોનાના ગંભીર દર્દીઓને બચાવવા માટે હાલ એકમાત્ર રામબાણ ઇલાજ એટલે રેમડેસિવિર ઇન્જેક્શન માનવામાં આવી રહ્યા છે.
જોકે આ ઇન્જેક્શનથી રિકવરી આવતી હોવાના કોઈ પુરાવા હજી સુધી ન હોવાથી તંત્ર દ્રારા માત્ર ગંભીર દર્દીઓને તેનો ઉપયોગ કરવા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે. છતાં ઇન્જેક્શનની માંગ દિનબદિન વધવા પામી છે. આજે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલો દ્વારા કલેક્ટર પાસે 4189 ઇન્જેક્શનની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી કલેક્ટર દ્વારા આજે પણ માત્ર 2515 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા હતા. શહેરમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ વેન્ટીલેટર પર હોય તેવા 205 દર્દીઓને, બાયપેપ ઉપર હોય તેવા 526 દર્દીઓને, ઓક્સિજન ઉપર હોય તેવા 1779 દર્દીઓને ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા હતા.