સુરત: (Surat) વારંવાર વિવાદમાં આવતા અડાજણ (Adajan) સ્થિત મનપાના ગરીબ આવાસમાં (Home) સ્થાનિક લોકોને જાણ કર્યા વગર માત્ર બે ચાર લોકોના મેળાપીપણામાં બહારથી આવેલા લોકોએ ડો. બાબાસાહેબ આંબેડકર નગરનું (Dr.baba saheb ambedkar nagar) બોર્ડ કોઇ જાતની મંજુરી વગર (Without Permission) લગાવી દેતા આ આવાસ ફરી એકવાર વિવાદમાં (Controversy) આવ્યું છે. ગરીબ આવાસના ગેટ પર ડો. બાબાસાહેબ આંબેડકરના બોર્ડ દુર કરવાના મુદ્દે વિવાદ થયો છે.
- અડાજણ સ્થિત મનપાના ગરીબ આવાસમાં સ્થાનિક લોકોની જાણ વગર બહારથી આવેલા લોકોએ ડો. બાબાસાહેબ આંબેડકર નગરનું બોર્ડ મંજુરી વગર લગાવી દેતા હોબાળો થયો
- બોર્ડ મૂકવા મુદ્દે બે પક્ષો વચ્ચે તકરાર અને મારામારી સુધી વાત પહોંચી ગઇ
- બહારના લોકોએ અહી બોર્ડ માર્યુ હોવાની કેફીયત સાથે ર્કોપોરેટરને રજુઆત બાદ પોલીસની મદદથી બોર્ડ ઉતારાયું
બોર્ડ મૂકવા મુદ્દે બે પક્ષો વચ્ચે તકરાર અને મારામારી સુધી વાત પહોંચી ગઇ હતી અને સ્થાનિક લોકોની સહી સાથે સ્થાનિક મહિલા કોર્પોરેટરને બોર્ડ હટાવવા રજુઆત થયા બાદ પોલીસ અને મનપા દ્વારા કાર્યવાહી કરી ડો. બાબાસાહેબના નામનું બોર્ડ દૂર કરતા વિવાદ ઉભો થયો છે. તો બીજી બાજુ બોર્ડ લગાવનારા લોકોએ સ્થાનિક મહિલા કોર્પોરેટર ઉવર્શી પટેલ બાબાસાહેબ આંબેડકર વિરોધી હોવાથી તેમની સુચનાથી આ બોર્ડ ઉતારવાયું હોવાનો આક્ષેપ કર્યો હતો.
જો કે આ મામલે સ્થાનિક મહિલા કોર્પોરેટર ઉવર્શી પટેલે જણાવ્યું હતુ કે જે ઘટના બની છે તેને કેટલાક લોકો રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ વસાહત પર બે ચાર સ્થાનિક લોકોના મેળાપીપણામાં બહારના માથાભારે ઇસમોએ આવીને મનપાની મંજુરી વિના જ ડો. બાબાસાહેબ નગર નામ આપી દીધું હતું. જેથી ઘણા સ્થાનિકોનો વિરોધ હતો. તેથી તેઓએ મને લેખિતમાં રજુઆત પણ કરી છે. જેની કોપી મારી પાસે છે, ત્યાર બાદ બન્ને જુથો વચ્ચે આ મુદ્દે વાતચીત થઇ ત્યારે મારામારી થઇ હતી અને મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો. તેથી મે પોલીસને પણ જાણ કરી હતી અને મનપાના તંત્ર દ્વારા મંજુરી વગર લગાવાયેલુ બોર્ડ ઉતારાવ્યું છે. અહીના બહુમતી સભ્યોને મંજુર હોય તે નામકરણ માટે મનપાની મંજુરી લઇને બોર્ડ લગાવે તેમાં કોઇને કંઇ વાંધો નથી.