26 જાન્યુઆરી બુધવારે 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. ભારતની આઝાદી પહેલાં પણ ડચ, વલંદા, આર્મેનિયન, મુઘલ અને બ્રિટિશ રાજ સમયે પણ સુરત ઔદ્યોગિક શહેર હતું. જ્યાં સુરતના બંદરે 84 દેશોના વાવટા ફરકતા હતા. સિલ્ક રૂટથી પણ દરિયાઈ માર્ગે સીધો વેપાર સુરત સાથે રહ્યો હતો. 80ના દાયકામાં ઔદ્યોગિકરણ થયા પછી રાજ્ય અને દેશના જીડીપીમાં સુરતનું મોટું યોગદાન છે. આર્થિક ક્ષેત્રમાં સુરતનું જેટલું મોટું યોગદાન છે એટલું જ મોટુ યોગદાન ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં પણ છે. તેની સાથે સાથે એરોસ્પેસ અને અણુ ઉર્જા ક્ષેત્રમાં પણ સુરતનું મહત્વનું યોગદાન છે. દેશના સૈન્યમાં ભલે સુરતીઓનું કોઇ મોટું યોગદાન ન હોય પણ દેશની સરહદ, સમુ્દ્ર, સ્પેસની સુરક્ષામાં સુરતનું બહુમૂલ્ય યોગદાન છે. સુરતના હજીરાની કંપનીઓ લાર્સન એન્ડ ટુબ્રો, કૃભકો, ભારતના ડિફેન્સ અને એટોમિક પાવર સ્ટેશન માટે સક્રીય છે. એવી જ રીતે ભારતના મંગળયાન જેવા સ્પેસ પ્રોજેક્ટ માટે હિમસન સિરામીક જેવી કંપનીનું ઈસરો માટે મોટું યોગદાન રહ્યું છે. જ્યારે ભારતના ડિફેન્સ સેક્ટર માટે સુરતની લક્ષ્મીપતિ એન્જિનિયરિંગ વર્કસ લિમિટેડ અને લક્ષ્મીપતિ ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડનું પણ અનેક પ્રોજેક્ટોમાં મોટુ યોગદાન રહ્યું છે. એ રીતે ભારતની સુરક્ષાને લગતા મહત્વના પ્રોજેક્ટોમાં સુરતનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. ભારતના 72માં પ્રજાસત્તાક દિવસ પૂર્વે ‘ગુજરાતમિત્ર’ કેટલીક રોચક વાતો લાવ્યું છે.
મેક ઈન ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરતી K9-વજ્ર ટેન્ક ઇન્ટરસેપ્ટર બોટ હજીરા L&Tમાં તૈયાર કરાઈ
સ્વિત્ઝર્લેન્ડમાં તૈયાર કરાયેલી બોફોર્સ કરતા પણ વધુ મારક ક્ષમતા ધરાવતી K9-વજ્ર ટેન્ક સુરતના હજીરા સ્થિત L&T ડિફેન્સમાં તૈયાર કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા L&Tને 100 જેટલી ટેન્ક બનાવવા ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે નિર્ધારીત સમયમાં L&Tએ ડિલિવર કરી છે. જાન્યુઆરી 2020 સુધીમાં 51 ટેન્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં રવાના કરવામાં આવી હતી. પ્રથમ ટેન્કનું નિરિક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેન્કમાં બેસી જાતે કર્યું હતું. L&Tના આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્સમાં આ ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. L&Tના સૂત્રો કહે છે કે, L&T ડિફેન્સ અને હેવી એન્જિનિયરિંગ સંરક્ષણ અને એરોસ્પેસ સેક્ટર માટે પણ હજીરામાં મહત્વનું કામ કરી રહી છે. ભારતીય નેવી માટે L&T અત્યાધુનિક ઈન્ટરસેપ્ટર બોટ બનાવી ચુકી છે. મુંબઈના દરિયાનો ઉપયોગ કરી પાકિસ્તાની આતંકવાદીઓએ આતંકી હુમલો કર્યો હતો, તે પછી દરિયાઈ સીમામાં ભારતે આધુનિક ઈન્ટરસેપ્ટર બોટ બનાવવાનું કામ L&Tને સોંપ્યુ હતું. અને તે પ્રમાણે દરિયામાં અનેક નોટિકલ માઈલ સુધી સુરક્ષા કરી શકે અને દુશ્મન ઉપર હુમલો કરી શકે તેવી બોટ હજીરામાં તૈયાર કરવામાં આવી હતી.
ભારતના અણુઉર્જા કાર્યક્રમ માટે L&Tએ ન્યુક્લિયર ફ્યુઝન રીએક્ટરનું નિર્માણ કર્યું
L&Tએ ભારતના ન્યુક્લિયર ફ્યુઝન પ્રોજેક્ટમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. માત્ર ડિફેન્સ નહીં પરંતુ અણુઉર્જા ક્ષેત્રે પણ કંપની દ્વારા રિએક્ટર અને હેવી બોઈલરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્લ્ડઝ લાર્જેસ્ટ ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરનું નિર્માણ પણ હજીરા સ્થિત L&T હેવી એન્જિનિયરિંગમાં વર્ષ 2020 દરમિયાન કરવામાં આવ્યું હતું. માત્ર ભારત નહીં પરંતુ અમેરિકા, ફ્રાન્સ, ચીન અને જાપાનના ડિફેન્સ વિભાગ માટે પણ L&Tએ મહત્વના પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે. તાજેતરમાં હેવી એન્જિનિયરિંગ કંપની દ્વારા ભારતીય સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ માટે ટ્યુબ્લર રિએક્ટરનું કામ પણ કરવામાં આવ્યું હતું.
મંગળયાન-2 માટે સુરતની હિમસન સિરામીક કંપની દ્વારા મહત્વના કમ્પોનન્ટ બનાવવામાં આવ્યા હતા.
2014માં સુરતની કંપની હિમસન સિરામીક દ્વારા ઈસરોના ઓર્ડરના પગલે મંગળયાન-2 માટે મહત્વના કંપોનન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. મંગળયાનની સફળતા પછી ઈસરોના વૈજ્ઞાનિકોએ હિમસન સિરામીકના નિમેષ બચકાનીવાલાને અભિનંદન પણ પાઠવ્યા હતા. સુરતની આ કંપની 1995થી ઈસરો માટે કામ કરી રહી છે. આ કંપની દ્વારા મંગળયાન માટે ફાયરપ્રૂફ સિરામીક કંપોનન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જે એલ્યુમિનિયમ ઓક્સાઈડ અને ટિટેનિયમ ઓક્સાઈડના મિશ્રણથી બનાવવામાં આવ્યા હતા. નિમેષ બચકાનીવાલાએ તે સમયે કહ્યું હતું કે, સિરામીકમાંથી બનેલા આ ઘટકો ફાયરપ્રૂફ છે. તેનો ઉપયોગ રોકેટમાં આંતરિક મશીનરીને થનારા નુકસાનથી બચાવવા માટે કરવામાં આવે છે. મંગળયાન માટે અંદાજે 6000 સિરામીક કંપોનન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈસરોએ બચકાનીવાલાને આ મિશનનો હિસ્સો બનવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. ઈસરો દ્વારા 6000થી 10000 કંપોનન્ટ બનાવવા માટે હિમસન સિરામીકને ઓર્ડર આપવામાં આવ્યો હતો. ઈસરો દ્વારા જ તેની એન્જિનિયરિંગ ડ્રોઈંગ પણ મોકલવામાં આવી હતી.
કૃભકોમાં આવેલા હજીરા એમોનિયા એક્સટેન્શન પ્લાંટમાં ડિફેન્સ અને અણુ ઉર્જા પ્લાન્ટ્સ માટે હેવી વોટર બનાવવામાં આવે છે
કૃભકોમાં હેવી વોટર પ્લાન્ટ અલાયદી જગ્યામાં બનાવવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક પાવર એનર્જી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને અધિકારીઓ કામ કરે છે. આ પ્રોજેક્ટના અધિકારીઓ સીધી રીતે વડા પ્રધાન કાર્યાલયને પ્રોગ્રેસ રિપોર્ટ આપવા માટે સંકળાયેલા છે. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન અને દેશના અન્ય અણુ ઉર્જા સંયંત્રો માટે હજીરાથી હેવી વોટરની સપ્લાય કરવામાં આવે છે. ભારતના સંરક્ષણ વિભાગને પણ અહીંથી હેવી વોટરની સપ્લાઈ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટની ક્ષમતા 50000 એમ.ટી.પી.એ.થી 900000 ટી.પી.વાય. સુધીની છે. સંપૂર્ણપણે આધુનિક ઓટો સંચાલન સિસ્ટમથી આ પ્રોજેક્ટ સજ્જ છે. ખુબ અપગ્રેડેડ પ્રોજેક્ટ હોવાથી કાર્બન ઉત્સર્જન થતું નથી. 1986માં આ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી હતી. અને જાન્યુઆરી 1991માં આ પ્લાન્ટ કાર્યરત થયો હતો. આ પ્લાન્ટ એમોનિયા-હાઈડ્રોજન વિનિમય પ્રક્રિયા પર આધારિત દેશનો બીજા ક્રમાંકનો હેવી વોટર પ્લાન્ટ છે.
ભારતીય સેના માટે પોર્ટેબલ બ્રિજથી લઈ હાઈટેનાસિટી ફ્રેબ્રિક્સ બનાવવાનું કામ સુરતની લક્ષ્મીપતિ ગ્રુપની કંપનીઓ કરે છે
ભારતની સુરક્ષા માટે સુરતની કેટલીક કંપનીઓનું મહત્ત્વનું યોગદાન છે. તે પૈકી સુરતની કંપની લક્ષ્મીપતિ એન્જિનિયરિંગ વર્ક્સ લિ. અને લક્ષ્મીપતિ ટેક્સટાઈલ પ્રા.લિ.નું મોટું યોગદાન છે. આ કંપની પૈકી લક્ષ્મીપતિ એન્જિનિયરિંગ ભારતના સંરક્ષણ મંત્રાલય માટે અત્યારે સબમરીનના કંપોનન્ટ બનાવવાનું કામ કરી રહી છે. લક્ષ્મીપતિ ગ્રુપના સંજય સરાવગી કહે છે કે, કંપની દ્વારા ભારતીય સેના માટે સર્વત્ર બ્રિજ એટલે કે પોર્ટેબલ બ્રિજ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત લિન્કસ્પાન બનાવવાનું કામ પણ થયું છે. કારગીલ યુદ્ધ પછી ભારતીય સેના માટે આધુનિક બુલેટપ્રૂફ જેકેટ બનાવવાની વાત આવી હતી ત્યારે ડિફેન્સ વિભાગ દ્વારા આ બુલેટપ્રૂફ જેકેટ બનાવવા રૉ મટિરિયલ એટલે કે ગ્રે ફેબ્રિક્સ લક્ષ્મીપતિ ટેક્સટાઈલમાં તૈયાર કરવામાં આવ્યું હતું. આર્મી માટે રક્ષિત બેગ પણ કંપનીએ બનાવી છે. કંપનીના વિવિંગ યુનિટમાં હાઈટેનાસિટી ફેબ્રિક્સ બનતું હોવાથી ડિફેન્સ વિભાગ દ્વારા ગ્રે કાપડની ખરીદી સુરતથી કરવામાં આવી હતી.