સુરત: (Surat) એસઓજીની ટીમે પુણા અને અડાજણમાંથી રૂ.૨.૫૦ લાખની કિંમતના દારૂ (Alcohol) સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પીસીબી એસઓજીની ટીમે સારોલી ગેટની સામે શ્રી કુબેરજી માર્કેટમાં આવેલ સનરાઈઝ ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની (Transport) ઓફિસમાં દરોડો પાડ્યો હતો. સંયુક્ત ટીમે આરોપી રાજ મોતીલાલ રોહરા (ઉં.વ.41) (રહે.,શિવ કેમ્પસ, એલ.પી.સવાણી રોડ, અડાજણ)ને પકડી પાડી ટ્રાન્સપોર્ટ મારફતે આવેલા રૂ.1,29,600ની કિંમતના બિયરના 960 ટીન કબજે લીધા હતા. આ સાથે રાજની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, દારૂનો જથ્થો અડાજણના કિશોર ભાવનાનીએ મંગાવ્યો હતો તથા મહારાષ્ટ્રના ઉલ્લાસનગરના સંજય અમરલાલ કારીઆએ મોકલ્યો છે.
તેના કારણે પીસીબી અને એસઓજીએ દારૂ મંગાવનાર કિશોર ભવનાનીને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન સ્થાપના માણસોએ અડાજણ કેનાલ રોડ પર નીલકંઠ રેસિડેન્સી સામે રાજ વર્લ્ડ દુકાન નં.403માં દરોડો પાડી બુટલેગર કિશન ભાવનાની (ઉં.વ.31) (રહે., આનંદમંગલ સોસાયટી, ભિક્ષુક ગૃહની પાછળ, રામનગર)ને પકડી પાડ્યો હતો. આ સાથે તેની પાસેથી રૂ.1,43,560ની કિંમતના દારૂ તથા બિયરના ટીન મળી 972 બોટલ કબજે લીધી હતી. સંયુક્ત ટીમે કિશનની પૂછપરછ કરતાં તેણે ટ્રાન્સપોર્ટર રાજ રોહરાની મારફત મહારાષ્ટ્રના ઉલ્લાસનગરથી દારૂનો અને બિયરનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ પીસીબી અને એસ.ઓ.જી.ની સંયુક્ત ટીમે કુલ રૂ.2,88,160ની કિંમતના દારૂ બિયરની 1912 બોટલ કબજે લઇ આગળની તપાસ શરૂ કરી છે.
બુટલેગર કિશને અગાઉ બે વાર ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ મંગાવ્યો હતો
પીસીબી અને એસ.ઓ.જી.ની ટીમે અડાજણના બુટલેગર કિશન ભવનાનીની પૂછપરછ હાથ ધરતાં તેણે કબૂલાત કરી હતી કે, અગાઉ પણ બે વાર ટ્રાન્સપોર્ટ મારફતે દારૂ મંગાવ્યો હતો. જ્યાં તે સફળ રહેતાં ત્રીજીવાર દારૂ મંગાવ્યો હતો. પરંતુ પીસીબી અને એસ.ઓ.જી.ની ટીમે આ બુટલેગરનો ખેલ ઊંધો પાડ્યો હતો.