સુરત: સુરતમાં (Surat) દારૂ (Alcohol) હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે. કેમિકલના ટેન્કરમાં (Tanker) ચોરી છુપી લઈ જવામાં આવતો રૂપિયા 17 લાખની કિંમતનો વિદેશી દારૂ પોલીસે (Police) ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
જિલ્લા એલસીબી પોલીસે જણાવ્યું હતું કે આખું ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું હતું. માંગરોળના ધામડોદ પાટિયા પાસે NH-48 પર થી પસાર થતા ટેન્કરમાં દારૂ ની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યા બાદ વોચ ગોઠવી ટેન્કર અને તેના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાંથી પોલીસે રૂપિયા 17 લાખનો દારૂ અને 15 લાખનું ટેન્કર મળી 32 લાખ થી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે વધુમા જણાવ્યું હતું કે આરોપીઓ દિલ્હીથી સીધું વડોદરા આવવાની જગ્યાએ રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,મહાષ્ટ્ર થઇ ગુજરાતના તાપી જિલ્લામાં થઈ સુરતથી વડોદરા દારૂ લઈ જતા હોવાની કબૂલાત કરી છે. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી છે. જ્યારે 3 ને વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂ મોકલનાર અને મંગાવનારની માહિતી ને લઈ પોલીસે પકડાયેલા ટેન્કર ચાલકની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે વિદેશી દારૂની હેરાફેરીની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ પકડાયેલા આરોપીઓ કેટલીવાર આવી હેરાફેરી કરી ચુક્યા છે એ જાણવાનું બાકી છે.
સેલવાસમાં 4 કિલો ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પોલીસે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાંજાના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડની સાથે એક સગીરની પણ અટકાયત કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 10 જૂલાઈના રોજ સેલવાસ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમ્યાન નરોલી આઉટ પોસ્ટ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે 3 વ્યક્તિની અટકાયત કરી હતી. તેમની પાસે જે બેગ હતી તેની તપાસ કરતા પોલીસને બેગમાંથી ચાર પેકેટ મળી આવ્યા હતા. જે પેકેટ ખોલીને અંદર જોતા તેમાં ગાંજો મળી આવ્યો હતો. જે ગાંજાનું વજન કરતાં તેમાં 4.108 કિલોગ્રામ ગાંજો હતો. જેની અંદાજીત કિં.રૂ. 41,080 આંકવામાં આવી છે.
પોલીસે પંચો સમક્ષ સમગ્ર ગાંજાનો જથ્થો સીલ કરી એનડીપીએસ એક્ટ-1985ની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ મામલે 28 વર્ષીય રવિન્દ્રકુમાર રામજી પાલ અને 24 વર્ષીય વિક્રાંતકુમાર લાલતેસ સિંહ (રહે. રોહતાસ, બિહાર)ની ધરપકડ કરી હતી. સાથે એક સગીરની પણ અટકાયત કરી હતી. જે બાદ આ ગુનામાં સંડોવાયેલો બિહારના રોહતાસનો રહેવાસી 30 વર્ષીય જિતેન્દ્રુકમાર દાસાઈશેઠ સોનીની પણ ધરપકડ કરી ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.