સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના (Election) મતદાનના માત્ર ગણતરીની કલાકો જ બાકી છે અને રાજકીય પક્ષોનો જાહેર પ્રચાર બંધ થતા હવે સોશ્યલ મિડીયામાં પ્રસાર કરી રહ્યા છે. ત્યારે વોર્ડ નં 24 ઉધનાના ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેનો દારૂની મહેફિલ માણતા ફોટા વાઇરલ થતા ભાજપમાં (BJP) ખટફરાટ મચ્યો છે. જોકે આ વાતને સોમનાથ મરાઠેએ નકારી કાઢી હતી. મારા વિરૂધ્ધ કોમ્પ્યુટરમાં ફોટો એડિટ કરીને કોઇક વ્યકિત દ્વારા વાઇરલ કરવામાં આવ્યો છે. સોમનાથ મરાઠેએ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા હાથમાં દારૂની બોટલ કે દારૂ (Alcohol) ભરેલો ગ્લાસ પણ નથી. અન્ય રાજકીય પક્ષોએ મારા વિરૂધ્ધ ખોટો પ્રચાર કરવા આ પ્રોપેગેન્ડા કર્યો છે. આ બાબતે હું ફોટો વાઇરલ કરનાર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરીશ.
અડાજણમાં પ્રદેશ પ્રમુખનું ભાષણ ચાલું હતું અને કાર્યકરો જમવા માટે દોડી જતાં નેતાઓની હાલત કફોડી
સુરત: ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા શુક્રવારે આખા રાજ્યમાં તમામ છ મહાનગરપાલિકામાં વર્ચ્યુઅલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અડાજણમાં પણ ભાજપના ઉમેદવારો માટે સભા યોજાઈ હતી. જોકે, પ્રદેશ પ્રમુખનું ભાષણ ચાલુ જ હતું ત્યારે જ કાર્યકરો જમવા માટે દોડી જતાં નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. નેતાઓએ ભાષણ બાદ જમવાનું જ છે તેમ કહેવા છતાં પણ લોકો જાણે જમવા માટે જ આવ્યાં હોય તેમ દોડી ગયા હતાં અને જમવાના સ્થળે લાઈનો લગાડી તેની પર તૂટી પડ્યાં હતાં.
કતારગામની મોટી વેડમાં રોડ નહીં તો વોટ નહીંના બેનર્સ લાગ્યા
સુરત: મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ મતદારોનો રાજકીય પક્ષો સામેની નારાજગી પણ જોર પકડતી જાય છે. ખાસ કરીને મતદાન બહિષ્કારનું હથિયાર દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ મતદારો ઉગામી રહ્યાં છે. કતારગામ ઝોનમાં અમુક વિસ્તારોમાં રોડ નહી તો વોટ નહીના બેનરો લાગ્યા છે. તો રાંદેરની અખંડ આનંદ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે મતદાન બહિષ્કારના બેનર લાગ્યા છે.
કતારગામ ઝોનના મોટી વેડ, નવો મહોલ્લો અને તેની આજુબાજૂના વિસ્તારમાં રસ્તો બનાવવા બાબતે મનપા દ્વારા બેદરકારી રાખવામાં આવતી હોવાના રોષ સાથે રોડ નહીં તો વોટ નહીંના બેનર લાગ્યા છે. જયારે રાંદેરમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઓફિસ છે તે અખંડ આનંદ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ બાબતે ફરિયાદ કરવા છતાં મનપાએ કોઇ કાર્યવાહી કરી નહીં, તેમજ આ સોસાયટીમાં જ ધારાસભ્ય અને કોર્પોરેટરનુ રહેણાંક હોવા છતાં ગેરકાયદે બાંધકામ બાબતે આંખ આડા કાન કરાયાં હોવાનું જણાવી આ સોસાયટીવાસીઓએ મતદાનનો બહિષ્કાર કરતા બેનર માર્યા છે.