Charchapatra

સુરત એરપોર્ટ સાથેનું ઓરમાયું વર્તન

તા.૨૭ જૂન ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ના પાના નં ૧૦ ઉપર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ કાર્ગો શરૂ કરવા બ્લેકમેઇલિંગ શરૂ થયું છે. સુરત ખાતે ઇન્ટરનેશનલ એર કાર્ગો શરૂ કરવા આઇ ક્લાસના સીઈઓને રજૂઆત કરાઈ તો તેમણે કસ્ટમનો મહિને ૧૦ લાખનો ખર્ચ ઉપાડી લેવાની શરત મૂકી. આવી શરત દરેક એરપોર્ટ પર મૂકવામાં આવે છે કે પછી ઇન્ટરનેશનલ કાર્ગો નહીં થવા દેવા માટેનો કારસો છે? અહીં સૌથી નોંધનીય બાબત એ છે કે જો સુરત એરપોર્ટને ધમધમતું કરવા યોગ્ય પગલાં લેવામાં આવ્યાં હોત તો આજે સુરત એરપોર્ટ પણ દેશના મહત્ત્વના એરપોર્ટની ગણતરીમાં આવી ગયું હોત.

પરંતુ અગમ્ય કારણોસર તે શક્ય બનતું નથી અને એક યા બીજા બહાના હેઠળ સુરત એરપોર્ટને ધમધમતું ન થવા દેવા માટેના કારસા રચાતા હોવાનો આભાસ થયા વગર રહેતો નથી. અવારનવાર વર્તમાનપત્રોમાં સુરત એરપોર્ટ પરથી પેસેન્જરોની સંખ્યા અંગેના સમાચાર પ્રકાશિત થતા રહેતા હોય છે જે પુરાવો છે કે અહીંથી પૂરતી સંખ્યામાં પેસેન્જર મળી રહે તેમ છે. જો તેનું યોગ્ય વિસ્તરણ થાય તો. થોડા સમય પહેલાં એવા સમાચાર પણ પ્રકાશિત થયા હતા કે સુરત એરપોર્ટના એક અત્યંત જવાબદાર અધિકારીએ સુરત એરપોર્ટના વિસ્તરણ અંગે એવો અભિપ્રાય આપ્યો હતો કે અત્યારે ક્ષમતા કરતાં ૧૦ ટકા જેટલો જ ઉપયોગ થાય છે તો વિસ્તરણની શું જરૂર છે?

હવે એ અધિકારીને પૂછી શકાય કે જેટલી ક્ષમતા છે તેટલી ક્ષમતાનો ઉપયોગ કરવા માટે તમને કોણ રોકે છે? તેમનું મંતવ્ય તો અત્યંત ચોંકાવનારું છે તે એ રીતે કે તેમના મંતવ્ય પ્રમાણે તો સુરત એરપોર્ટની ક્ષમતા હોવા છતાં માત્ર ૧૦ ટકા ક્ષમતાનો જ ઉપયોગ થયો છે. ટૂંકમાં એટલું જરૂર કહી શકાય કે સુરત એરપોર્ટે ફૂલ ફ્લેજમાં ચાલુ ન થાય તે માટે દમામદાર પરિબળો પોતાનું એડીચોટીનું જોર લગાવે છે અને અત્યાર સુધી તેમાં સફળ પણ થયા છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top