સુરત: (Surat) સુરત એરપોર્ટથી (Airport) સતત ઘટી રહેલી ફ્લાઈટ (Flight) સંખ્યા વચ્ચે પણ જાન્યુઆરી 2023 માં સુરત એરપોર્ટ પર 99,655 પેસેન્જર નોંધાયા છે. એરપોર્ટ ઓથોરિટીનાં સૂત્રોના જણાવ્યાં મુજબ 95,357 ડોમેસ્ટિક અને 4298 ઇન્ટરનેશનલ પેસેન્જરોની અવર જવર નોંધાઇ છે. નાણાંકીય વર્ષ 2022-23 માં એપ્રિલથી જાન્યુઆરી 2023 સુધી 10,33,067 પેસેન્જરની અવર જવર રહી છે. એ હિસાબે સુરત એરપોર્ટને મહિને સરેરાશ એક લાખ પેસેન્જર (Passengers) બીજા એરપોર્ટની સરખામણીએ નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યાં છે. પેસેન્જર ગ્રોથના મામલે સુરત એરપોર્ટ એક સમયે 33 માં ક્રમે પહોંચ્યું હતું. ડિસેમ્બર 2022 માં 35 માં ક્રમે અને હવે 38 માં ક્રમે પહોંચ્યું છે. જોકે એર એશિયા અને ઈન્ડિગો માર્ચથી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહ્યું છે. એ જોતાં માર્ચથી રેન્કિંગમાં સુધારો જોવા મળશે. જાન્યુઆરી 2023 માં સુરત એરપોર્ટ પર 279 મેટ્રિક ટન કાર્ગોની પણ હેરફેર રહી હતી. જે એની હેન્ડલિંગ કેપેસિટી સામે ઊંટનાં મોઢામાં રાઈ બરાબર છે.
- ફ્લાઈટની સંખ્યા ઘટી છતાં જાન્યુઆરીમાં સુરત એરપોર્ટ પર 99,655 પેસેન્જર નોંધાયા
- પેસેન્જર ગ્રોથના મામલે સુરત એરપોર્ટ એક સમયે 33 માં ક્રમેથી ડિસેમ્બર 2022 માં 35 અને હવે 38 માં ક્રમે ગબડ્યું
સુરત- શારજાહની પ્રત્યેક ફ્લાઇટને સરેરાશ 159 પેસેન્જર મળ્યાં
જાન્યુઆરી મહિનામાં શારજાહ – સુરત ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ 27 ફ્લાઈટની અવર જવર રહી હોવાથી કુલ 4298 પેસેન્જર મળ્યાં હતાં. એ રીતે 189 સીટર ફ્લાઈટની સંખ્યા સામે 159 બેઠકો ભરાઈ હતી. એ દર્શાવે છે કે, આ ફલાઇટ ડેઇલી થાય તો પણ 76 થી 85 %પેસેન્જર ગ્રોથ જળવાઈ રહે એમ છે.
ઈન્ડિગો, એર એશિયા અને ગો એર એ નાઈટ પાર્કિંગ સુવિધાની માંગ કરી
માર્ચ 2023 થી સુરત એરપોર્ટ પર 6 નવા વિમાન પાર્કિંગ બેયસની સુવિધા મળી શકે એવી સ્થિતિ છે. અત્યારે સુરત એરપોર્ટ પર 5 પાર્કિંગ બેયસ છે. જેમાં 3 ઓપન અને 2 રિઝર્વ છે. આ 3 ઓપન સાથે બીજા 6 નવા પાર્કિંગ બેયસ ઉમેરાશે તો રિઝર્વ સિવાય કુલ 8 પાર્કિંગ બેયસ એરલાઈન્સને વિમાન પાર્કિંગ માટે મળશે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ 31 માર્ચ 2023 સુધીમાં ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણનું કામ પૂર્ણ થવાનું છે. એ જોતાં ઈન્ડિગો, એર એશિયા અને ગો એર એ નાઈટ પાર્કિંગ સુવિધાની માંગ એરપોર્ટ ઓથોરિટી સમક્ષ કરી છે. શક્યતા એવી છે કે નાઈટ પાર્કિંગ સુવિધા નહીં મળતાં સુરતથી 6 ફ્લાઈટની જાહેરાત કર્યા પછી નિર્ણય મોકૂફ રાખનાર ગો-ફર્સ્ટ સુરતથી ફરી નવા શિડ્યુલમાં સેવા શરૂ કરી શકે છે. સુરતથી ગો-ફર્સ્ટની એકપણ ફ્લાઈટ નથી છતાં નાઈટ પાર્કિંગની સુવિધાની મંજૂરી એરલાઈન્સે માંગી છે.