સુરત: (Surat) માર્ચ-2020થી એપ્રિલ-2021નો સમયગાળો સંપૂર્ણપણે સુરતમાં કોરોનાકાળની પ્રથમ અને બીજી લહેરમાં ગયો હોવા છતાં પેસેન્જર ટ્રાફિકના મામલામાં દેશના ટુ-ટાયર સિટીમાં સુરતે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. નાણાકીય વર્ષમાં સુરત એરપોર્ટથી (Airport) કુલ 564260 પેસેન્જરે કોરોનાકાળમાં સુરતથી અવરજવર કરી હતી. સુરતનં આ પ્રદર્શન દેશમાં બીજાં શહેરોની સરખામણીમાં ખૂબ સારું રહ્યું છે. એક સમયે સૌથી વધુ ફ્લાઇટ (Flight) અમદાવાદ પછી વડોદરા એરપોર્ટથી ટેક ઓફ થતી હતી તે રેકોર્ડ પણ તૂટ્યો છે.
કોરોના સંક્રમણ પહેલાં સુરત એરપોર્ટથી 23 ફ્લાઇટ ટેક ઓફ થતી હતી અને 23 ફ્લાઇટ લેન્ડિંગ થતી હતી. વડોદરા એરપોર્ટનું માળખું ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ડેવલપ કર્યા પછી પણ એકપણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ શકી નથી. જ્યારે સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગની મર્યાદા છતાં કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટના દરજ્જા સાથે શારજાહ-સુરતની એકમાત્ર ફ્લાઇટ સફળતાપૂર્વક ચાલી હતી. જે કોરોના સંક્રમણ વધતાં વંદેભારત મિશન તરીકે શરૂ થઇને અત્યારે સ્થગિત થઇ છે. માર્ચ-2020થી એપ્રિલ-2020 સુધી જ્યાં સુરત એરપોર્ટ પર 564260 પેસેન્જર નોંધાયા ત્યાં વડોદરા એરપોર્ટ પર આ સંખ્યા 267800 નોંધાઇ છે. એટલે કે, છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પછી સૌથી વધુ પેસેન્જર ટ્રાફિક સુરત એરપોર્ટથી રહ્યો છે.
સુરત એરપોર્ટથી એર ઇન્ડિયા ઉપરાંત ખાનગી એરલાઇન્સમાં સ્પાઇસ જેટ, ઇન્ડિગો, સ્ટાર એર અને વેન્ચુરા એર કનેક્ટ ઓપરેટ થાય છે. તાજેતરમાં ગો-એર દ્વારા પાંચ શહેરને સાંકળતી સાત ફ્લાઇટ એકસાથે શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ સુરતમાં કોરોનાની સ્થિતિ વકરતાં 31મે સુધી આ ફ્લાઇટ સ્થગિત રાખવામાં આવી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે, માર્ચ-2020થી એપ્રિલ-2021નો સંપૂર્ણ સમયગાળો કોરોના સંક્રમણમાં પસાર થયો હોવા છતાં સુરતે 5.64 લાખથી વધુ પેસન્જર મેળવી અન્ય શહેરોની સરખામણીમાં ખૂબ સારો દેખાવ કર્યો છે.
કોરોના કાળના વર્ષમાં સુરત એરપોર્ટથી 4967 મેટ્રિક ટન કાર્ગોની અવરજવર રહી
નાણાકીય વર્ષ 2020-21માં કોરોનાકાળ દરમિયાન વેન્ટિલેટર, બાયપેપ, માસ્ક, પીપીઇ કિટ, હોસ્પિટના બેડ અને દવાઓ સહિતનાં સાધનો સુરત એરપોર્ટથી દેશનાં જુદાં-જુદાં કોવિડ અસરગ્રસ્ત શહેરોમાં મોકલવામાં આવ્યાં હતાં. તેના લીધે સુરત એરપોર્ટથી નાણાકીય વર્ષમાં કાર્ગો મૂવમેન્ટ પણ વધી હતી અને આ એક વર્ષમાં 4967 મેટ્રિક ટન કાર્ગોની હેરફેર સુરતથી દેશનાં બીજાં શહેરો સાથે થઇ હતી. માર્ચ-2021માં સુરત એરપોર્ટથી 977.5 મેટ્રિક ટન કાર્ગોની અવરજવર રહી હતી. એપ્રિલ-2021માં સુરતમાં કોરોનાની બીજી લહેર પીક પર હોવા છતાં 775.2 મેટ્રિક ટન કાર્ગોની હેરફેર રહી હતી. તે દર્શાવે છે કે માત્ર એક જ વર્ષમાં સુરત એરપોર્ટનું ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ ધમધમતું થઇ ગયું હતું.