સુરત: (Surat) સુરત એરપોર્ટ (airport) પરિસરમાં આવેલા 125 વર્ષ જૂના લાલબાઇ માતાના મંદિરમાં બિરાજમાન મૂર્તિ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અન્ય સ્થળે ઊભા કરાયેલા મંદિર પરિસરમાં ખસેડવામાં આવતાં ડુમસ-ભીમપોર, મગદલ્લા સહિતના લોકોએ મંદિર (Mandir) પરિસરની જગ્યા પાસે પહોંચી હોબાળા સાથે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામીણોનું કહેવું છે કે, કોઇપણ પ્રકારની ધાર્મિક વિધિ વિના માતાજીની પ્રતિમા સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના શિફ્ટ કરવામાં આવી છે. જેને લીધે લોકો નારાજ થયા છે. ગ્રામીણોએ વિરોધ નોંધાવવા માટે સુરત-ડુમસ રોડ પર ચક્કાજામનો કાર્યક્રમ આપતાં ડુમસ અને ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે, એરપોર્ટ ઓથોરિટીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંચ કર્મકાંડી પૂજારીઓને બોલાવી પૂરેપૂરા ભાવ અને સન્માનપૂર્વક પ્રતિમા ભવ્ય મંદિર પરિસરમાં નજીકના વિસ્તારમાં સ્થાપીત કરવામાં આવી છે. કોઇની લાગણી દુભાવવામાં આવી નથી.
પોલીસ દ્વારા કલાકોની સમજાવટ બાદ ગ્રામજનો રસ્તા પરથી હટ્યા હતા અને ત્યાર બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ગામના રહીશો અને માતાજીના ભક્તોએ એવો રોષ પ્રક્ટ કર્યો હતો કે, 125 વર્ષ જૂનું માતાજીનું મંદિર છે, તેની પ્રતિમા ખસેડવા પહેલાં ગ્રામજનોને વિશ્વાસમાં લેવા જોઈએ. તેમની મંજૂરી વિના પ્રતિમા નહીં ખસેડાય તેવું વચન આપવામાં આવ્યું હતું. તેમ છતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા રાતના અંધારામાં માતાજીની પ્રતિમા ખસેડી લઈ વિશ્વાસઘાત કરાયો છે. સવારે જ્યારે ભક્તો પૂજા માટે મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાં પ્રતિમા જ નહીં દેખાતાં આઘાત પામ્યા હતા. ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી મંદિરમાં પ્રતિમાની પુનઃ સ્થાપનાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે.
શું છે લાલબાઈ માતાજીના મંદિરનો વિવાદ
લાલબાઈ માતાજીનું મંદિર ડુમસ કાંઠા વિસ્તારના ગ્રામીણો માટે આસ્થાનું પ્રતીક ગણાય છે. માન્યતા એવી છે કે, આ મંદિરને લીધે સુરત એરપોર્ટ પર માનવ જાનહાનિ થાય એવો એક પણ અકસ્માત બન્યો નથી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ પ્લાન મુજબ 356 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, પેરેલલ ટેક્સી-વે, પાર્કિંગ અને એપ્રન સહિતના પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. ઉપરાંત પેરેલલ રન-વેની વિચારણા પણ એરપોર્ટના ડેવલપમેન્ટ પ્લાનમાં મૂકવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં મંદિર પરિસર નડતરરૂપ હોવાથી તેના સ્થળાંતર માટે 2014થી પ્રયાસો ચાલી રહ્યા હતા. પરંતુ સ્થાનિકોના વિરોધને પગલે પ્રતિમા ખસેડવાનું શક્ય બન્યું ન હતું. મૂળ પરિસર પીટીટી એટલે કે પેરેલલ ટેક્સી ટ્રેકના નિર્માણમાં મંદિર અવરોધરૂપ છે એવું કારણ આપી સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા 80 કરોડના ખર્ચે પેરેરલ ટેક્સી ટ્રેક બનાવવાનું કામ હાથ પર લેવાયું છે. વિમાન રન-વે પર લેન્ડ થયા બાદ આ ટેક્સી ટ્રેક પર થઈ પરત ફરતું હોય છે. ટેક્સી ટ્રેકની બરોબર વચ્ચમાં લાલબાઈ માતાજીનું મંદિર છે. તેથી ટ્રેક નકશા પ્રમાણે બની શકે તેમ ન હતો. વળી, મંદિરમાં પૂજા અર્થે ગ્રામજનો એરપોર્ટની અંદર આવતા હોય તે પણ યોગ્ય નહોતું. મંદિર ખસેડવું પડે તેમજ હોય આ અંગે ભૂતકાળમાં સાંસદો, ધારાસભ્યોની મધ્યસ્થીમાં ગ્રામજનો સાથે ચર્ચા થઈ હતી તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંદિર ખસેડવાનો ખર્ચ ઉપાડવાનું નક્કી થયું હતું.
એરપોર્ટ ઓથોરિટીએ પાંચ પંડિતોની હાજરીમાં પ્રતિમા શિફ્ટ કરી
એરપોર્ટ પરિસરની બહાર નજીકમાં નવા મંદિર પરિસરનું નિર્માણ કરવા ઓથોરિટી દ્વારા રૂ.12 લાખનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર કમ્પાઉન્ડ વોલ પાસે મંદિરની જગ્યા નક્કી થઈ હતી અને તે મુજબ તે બનાવી દેવાયું હતું. ગઈકાલે રાત્રે 5 પંડિતોની હાજરીમાં એરપોર્ટ ઓથોરિટીએ નડતરરૂપ મંદિરમાંથી લાલબાઈ માતાજીની પ્રતિમા ઉપાડી આજે નવા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જે બાબતની જાણ ગ્રામજનોને થતાં તેઓ દ્વારા વિરોધ શરૂ કરાયો છે. ગ્રામજનો કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે.