સુરત: (Surat) સુરત એરપોર્ટના (Airport) રૂપે ગુજરાતને ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે. સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આવનારા દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. આ એરપોર્ટ ગાંધીનગર અને અમદાવાદ બંનેમાં આવેલું છે. આ ઉપરાંત રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ છે. ધોલેરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. ત્યારે હવે સુરત પણ ઇન્ટરનેશનલ કક્ષાએ ઉડાન ભરી ચુક્યું છે.
જણાવી દઈએ કે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા સુરત આવ્યા હતા. તે સમયે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે સુરતની જનતા અને અહીંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વધુ બે ભેટ મળી છે. ડાયમંડ બુર્સની સાથે આજે જ સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને બીજી મોટી વાત એ છે કે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. હું સુરતના લોકોને, ગુજરાતના લોકોને આ અદ્ભુત ટર્મિનલ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે અભિનંદન આપું છું.