SURAT

સુરત: આ મહિલાને એરપોર્ટ પર 9100ની મદદ મળી, એક પેસેન્જરે 32 હજારની ટિકિટ ખરીદી આપી

સુરત: કડોદરાની શ્રમિક પરિવારની મહિલાની (Women) કોલકાતામાં રહેતી માતાનું (Mother) શનિવારે અવસાન (Death) થયું હતું. જેથી તેણે માતાના અંતિમસંસ્કાર માટે કોલકતા જવા તૈયારી કરી. તેણે રૂ. 15 હજાર ખર્ચીને ટ્રાવેલ એજન્ટ પાસેથી તત્કાલમાં એર ઇન્ડિયાની (Air India) સુરત-કોલકાતાની ફ્લાઇટની ત્રણ ટિકિટ બુક કરાવી હતી, પણ શનિવારે ધોધમાર વરસાદ પડતાં જ રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેથી મહિલા, તેનું એક વર્ષના બાળક અને પતિ સુરત એરપોર્ટ પર સમયસર પહોંચી શક્યા ન હતા ને ફ્લાઇટ ચૂકી ગયા હતા. આ પરિવાર દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલવે છે. તેમની પાસે બીજી ફ્લાઇટથી કોલકાતા જવા માટેના રૂપિયા પણ ન હતા. માતાના અંતિમ દર્શન નહીં થઈ શકશે એ વિચારમાં મહિલા તેના એક વર્ષના બાળક સાથે સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની બહાર રડી રહી હતી. એ દરમિયાન સુરત એરપોર્ટના સ્પાઇસ જેટના મેનેજર સચીન પીલ્લાઇ અને ઇન્ડિગોના મેનેજર અનીસુરને આ વાતની જાણ થઈ હતી. જેથી તે બન્નેએ સીઆઇએસએફની સાથે વાત કરીને તે મહિલાને સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ આપ્યો હતો. જ્યાં તેમણે મહિલા પાસેથી આખી ઘટના જાણી હતી. એવામાં જ એક સ્પાઇસ જેટની જયપુરની ફ્લાઇટમાં જનારા રોનક નામના પેસેન્જરે રૂ. 32,672 ખર્ચી ઇન્ડિગોની સુરતથી દિલ્હી અને દિલ્હીથી કોલકાતાની એમ બે ફ્લાઇટની ટિકિટ ખરીદી આપી હતી તેમજ સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ગો ફર્સ્ટ, એર ઇન્ડિયા, એએઆઇ અને સીઆઇએસફના ઓફિસરોએ મળીને રૂ. 9100 એકઠાં કરી મહિલાને આપ્યા હતા.

  • પતિ-બાળક સાથે ઉભેલી મહિલાને રડતી જોઈ સ્પાઇસ જેટ, ઇન્ડિગો, ગો ફર્સ્ટ, એર ઇન્ડિયા, એએઆઇ અને સીઆઇએસફના ઓફિસરોએ ભેગા મળી રૂા. 9100ની મદદ કરી
  • એક પેસેન્જરે રૂા. 32 હજારની ટિકિટ ખરીદી આપી : ટર્મિનલ બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટના માલિકે શ્રમિક પરિવારને જમાડી, મુસાફરી માટે નાસ્તો પેક કરી આપ્યો

બીજી તરફ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગની અંદરની ગીતા રેસ્ટોરન્ટેના માલિકે પણ આ આખા પરિવારને જમાડ્યા હતા અને મુસાફરી માટે નાસ્તો પેક કરી આપ્યો હતો. તે પછી આ મહિલા, પતિ અને બાળક ત્રણ જણા 21:30 કલાકની ઇન્ડિગોની ફ્લાઇટથી સુરતથી દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી મોડી રાતે 3:00 કલાકે દિલ્હીથી કોલકાતા પહોંચ્યા હતા. આમ, આખું પરિવાર રવિવારે સવારે 5:00 કલાકે કોલકાતા પહોંચ્યું હતું. આ આખી ઘટનામાં પરિવારે સુરત એરપોર્ટના, એરલાઇન્સના, રેસ્ટોરન્ટના અને સિક્યુરિટીના કર્મચારીઓને ગળે મળીને આભાર માન્યો હતો.

Most Popular

To Top